Get The App

ઇસરોને અંતરિક્ષમાં વનસ્પતિનાં બીજ ઉગાડવાના પ્રયોગમાં પહેલા જ પ્રયાસે સોનેરી સફળતા મળી

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
ઇસરોને  અંતરિક્ષમાં વનસ્પતિનાં બીજ ઉગાડવાના પ્રયોગમાં  પહેલા જ પ્રયાસે સોનેરી સફળતા મળી 1 - image


ISRO News | ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ને અંતરિક્ષમાં ચોળાની વનસ્પતિ (જેને કાઉપી  સીડ્ઝ કહેવાય છે) નાં બીજ ઉગાડવાના પ્રયોગમાં અદભુત સફળતા મળી  છે. ઇસરોએ આ પ્રયોગ માટે કોમ્પેક્ટ રિસર્ચ મોડયુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડિઝ(સી.આર.ઓ.પી.એસ.--ક્રોપ્સ) નામના સાધનનો ઉપયોગ કર્યો હતો. ક્રોપ્સ સાધન વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર(વી.એસ.એસ.સી.) દ્વારા વિકસાવવામાં  આવ્યું છે. 

ઇસરોએ આ ક્રોપ્સ 2024ની 30, ડિસેમ્બરે તરતા મૂકાયેલા  પીએસએલવી ઓર્બિટલ  એક્સપરિમેન્ટ મોડયુલ(પીઓઇએમ) -4 મિશનમાં સામેલ કર્યું છે.મહત્વની  સફળતા તો એ છે કે  કાઉપી સીડ્ઝ ઉગાડવાનો પ્રયોગ અંતરિક્ષમાં માઇક્રોગ્રેવિટી(ગુરુત્વાકર્ષણ બળની બહુ જ ઓછી અસર)માં કર્યો છે. પીઓઇએમ -4 મિશનમાં અત્યાધુનિક ટેકનોલોજીનાં કુલ 24 વૈજ્ઞાનિક ઉપકરણો છે. 

ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અમે ચોળાની વનસ્પતિનાં આઠ બીજ ચોક્કસ તાપમાન સાથેના બંધ બોક્સમાં મૂક્યાં છે. અમારા આશ્ચર્ય વચ્ચે ફક્ત ચાર  દિવસમાં જ ચોળાની  વનસ્પતિનાં બીજ   પાન સાથે ઉગ્યાં છે. પૃથ્વી બહારના અફાટ અંતરિક્ષમાં  પણ અનાજ કે વનસ્પતિનાં બીજ ઉગાડી શકાય છે તેનો આ ઝળહળતો સફળ પ્રયોગ છે. અમે આ પ્રયોગ માટે કૃષિ વિષયક સંશોધન પણ કર્યું છે.

અમે આ પ્રયોગ માટે અત્યાધુનિક ટેકનોલોજીના કેમેરા,ઓક્સિજન(પ્રાણવાયુ) અને કાર્બનડાયોક્સાઇડના પ્રમાણ માટે સેન્સર્સ, ભેજનું પ્રમાણ  નિશ્ચિત કરવા માટેનું ખાસ ઉપકરણ (ડિટેક્ટર), તાપમાનના વધારા-ઘટાડા પર નિરીક્ષણ માટેનું  ઉપકરણ, માટીમાંના ભેજનું પ્રમાણ નિશ્ચિત રાખવા માટેનું ઉપકરણ વગેરે વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ કર્યો છે.

ઇસરોનાં સૂત્રોએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે આ વિશિષ્ટ પ્રયોગ દ્વારા સાબિત થાય છે કે અમે  વિજ્ઞાનના ક્ષેત્રમાં  સિદ્ધિ  મેળવવા માટે નિષ્ઠાવાન છીએ. વળી, આ પ્રયોગની ઉજળી સફળતા ભારતના  ચંદ્ર  પર સમાનવ અવકાશયાનના, ચંદ્ર પર માનવ વસાહત બનાવવાના, ભારતીય સ્પેસ સ્ટેશન વગેરે ભાવિ મિશન માટે બહુ જ ઉપયોગી બની રહેશે.


Google NewsGoogle News