‘ટિક-ટોક’ ઇન્સ્ટોલ હોય એવા આઇફોનની કિંમત અમેરિકામાં રૂ. 43 કરોડ, જાણો કારણ
iPhone with TikTok: અમેરિકામાં આઇફોનની કિંમતમાં અચાનક ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. આ ઉછાળો નાનો નથી. આઇફોનની કિંમત અચાનક 43 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કિંમત થવા પાછળનું કારણ ટિક-ટોક છે. ટિક-ટોક જે આઇફોનમાં ઇન્સ્ટોલ હોય એની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.
એપ્લિકેશન નથી થતી ડાઉનલોડ
ટિક-ટોકને અમેરિકામાં બેન કરવાની વાત ચાલી રહી હતી. ટિક-ટોકના અમેરિકાના યુનિટને દંડ કરવામાં આવે એવી પણ વાતો ચાલી રહી હતી. આથી ટિક-ટોક દ્વારા તેમની સર્વિસને અમેરિકામાં બેન કરી દેવામાં આવી હતી. આ કંપની પર આરોપ હતો કે તેઓ જાસૂસી કરી રહ્યાં છે. જો કે, કંપની પર આ આરોપ લાગતાં તેમણે સર્વિસ બંધ કરી દીધી હતી. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક્સિક્યુટિવ ઓર્ડર પાસ કરીને ફરી આ સર્વિસ ચાલુ કરાવી દીધી હતી. જો કે, સર્વિસ તો શરૂ થઈ ગઈ છે, પરંતુ એ એપ્લિકેશન હજી પણ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ નથી. યુઝર્સ હજી એને સ્ટોર પરથી ડાઉનલોડ નથી કરી શકતા. એન્ડ્રોઇડમાં ઓપન સોર્સ હોવાથી ગમે તે રીતે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકાય છે, પરંતુ આઇફોન યુઝર્સ પાસે કોઈ ઓપ્શન નથી.
43 કરોડની કિંમતએપલ સ્ટોર પર એપ્લિકેશન ન હોવાથી ઘણાં યુઝર્સ એને ડાઉનલોડ નથી કરી શકતા. કેટલાક યુઝર્સ આ માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે કે તેઓ આઇફોન 16 Pro Max જેમાં ટિક-ટોક ઇન્સ્ટોલ હોય એ ફોન માટે 5000 અમેરિકન ડોલરથી વધુની રકમ ચૂકવવા માટે પણ તૈયાર છે. એટલું જ નહીં, લોકો ફોનની તો ડિમાન્ડ કરી રહ્યાં છે, પરંતુ જેમની પાસે આઇફોનમાં ટિક-ટોક છે તેઓ મનગમતી કિંમત માગી રહ્યાં છે. ન્યુ યોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ, ebay પર એક યુઝર દ્વારા આઇફોન વેચવા માટે મૂકવામાં આવ્યો હતો. આ યુઝરે પોસ્ટ કરી હતી કે ‘આઇફોન 15 Pro Max 128 GB મોડલ છે અને એમાં ટિક-ટોક ઇન્સ્ટોલ છે.’ આ મોબાઇલ એ યુઝરે 5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 43 કરોડ રૂપિયામાં વેચવા મૂક્યો હતો. આ ફોન વેચવા મૂકતાની સાથે તેણે જણાવ્યું હતું કે ‘સ્ક્રીન પ્રોટેક્ટર થોડું ડેમેજ થયું છે બાકી ફોન એકદમ પર્ફેક્ટ છે અને એમાં ટિક-ટોક પણ છે.’ એના પરથી નક્કી થાય છે કે ટિક-ટોકને કારણે આ ફોનની એટલી કિંમત આંકવામાં આવી રહી છે.
I deleted TikTok and now I can’t get it back! I will pay someone $5,000 for an iPhone 16 Pro Max with TikTok still installed. DM me.
— Terrell from Sales (@Terrell_2_Cold) January 20, 2025
પસ્તાઇ રહ્યાં છે યુઝર્સ
અમેરિકામાં ટિક-ટોકને બેન કરી દેવામાં આવી હતી અને ઇન્ડિયાની જેમ એને પણ ફરી પરવાનગી નહીં આપવામાં આવે એવું યુઝર્સને લાગી રહ્યું હતું. આથી ઘણાં યુઝર્સ દ્વારા એને ડિલીટ કરી દેવામાં આવી હતી. જો કે, બે જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એપ્લિકેશન ફરી શરૂ કરી દેવામાં આવી હતી. એપ્લિકેશન શરૂ તો થઈ ગઈ છે, પરંતુ જે યુઝર્સે ડિલીટ કરી હતી તેઓ હવે ફરી ઇન્સ્ટોલ નથી કરી શકતા. આ માટે તેઓ હવે પસ્તાઇ રહ્યાં છે. એપ્લિકેશનના બંધાણી થઈ ગયેલા યુઝર્સ હવે ફ્રસ્ટ્રેટ થઈ રહ્યાં છે. આથી તેઓ આ એપ્લિકેશન માટે ગમે એટલી કિંમત આપવા માટે તૈયાર થઈ રહ્યાં છે. ઘણાં યુઝર્સ એટલી જ કિંમત લઈ પણ રહ્યાં છે.
આ પણ વાંચો: આઇફોનનું હોટસ્પોટ ઓટોમેટિક બંધ થઈ જાય છે, આ રીતે ફિક્સ કરો
કેમ ડાઉનલોડ નથી કરી શકતા?
એપલ અને ગૂગલ બન્ને કંપનીઓ કાયદાને કારણે બંધાયેલી છે. અમેરિકાના પ્રેસિડન્ટ દ્વારા સર્વિસ શરૂ કરવા માટેનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, પરંતુ એપ્લિકેશન ફરી સ્ટોર પર શરૂ કરવા માટે કોર્ટના ઓર્ડરની જરૂર છે. કોર્ટનો ઓર્ડર આપવા માટે ટિક-ટોક દ્વારા અમેરિકાના યુનિટ વેચી દેવું પડશે. આ માટે અમેરિકાને પચાસ ટકા પાર્ટનરશિપ આપવી પડશે. આ માટે હજી 30 દિવસ રાહ જોવી પડશે. ત્યાર બાદ શું થાય એ જોવું રહ્યું.