એન્ડ્રોઇડ કરતાં આઇફોનને સરળતાથી કરી શકાય છે હેક: સ્કેમર્સના ટાર્ગેટ પર સૌથી વધુ એપલ યુઝર્સ
Phishing Attack on iPhone: એપલના આઇફોન તેની સિક્યોરિટી માટે જાણીતા છે, જો કે હાલમાં એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ક્લાઉડ સિક્યોરિટી કંપની લૂકઆઉટ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આઇફોનને ખૂબ જ સરળતાથી હેક કરી શકાય છે. એટલું જ નહીં, એન્ડ્રોઇડ કરતાં આઇફોનને હેક કરવું સરળ છે. એન્ડ્રોઇડ ઓપન સોર્સ છે, તેથી એમાં ગમે તે રીતે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકાય છે અને તેથી જ એને હેક કરવું સરળ હતું. જો કે આઇફોન સિક્યોરિટીને લઈને ખૂબ જ સચેત હોવા છતાં, એને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.
આઇફોનને ટાર્ગેટ
સ્કેમર્સ દ્વારા જે પણ ફિશિંગ અટેક કરવામાં આવે છે, તેમાં સૌથી વધુ ટાર્ગેટ આઇફોન યુઝર્સને કરવામાં આવે છે. લૂકઆઉટ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ 2024ના જુલાઈ, ઓગસ્ટ, અને સપ્ટેમ્બર મહિનાના ડેટા અનુસાર છે. એ ત્રણ મહિનામાં સૌથી વધુ ફિશિંગ અટેક આઇફોન યુઝર્સ પર કરવામાં આવ્યા છે. લગભગ 18.4% આઇફોન યુઝર્સ પર ફિશિંગ અટેક થયા હતા, જ્યારે એન્ડ્રોઇડ યુઝર્સ પર ફક્ત 11.4% ફિશિંગ અટેક થયા છે. આ ડેટાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે. 220 મિલિયન ડિવાઇસ, 360 મિલિયન એપ્સ અને કરોડો વેબસાઇટના ડેટા ક્લેક્ટ કરવામાં આવ્યા હતા. 2019થી અત્યાર સુધીમાં લૂકઆઉટ દ્વારા 473 મિલિયન વેબસાઇટને ઓળખવામાં આવી છે જે ફિશિંગ કરે છે.
કંપનીઓને કરવામાં આવે છે ટાર્ગેટ
મોટાભાગના ફિશિંગ અટેક એન્ટરપ્રાઇઝમાં કરવામાં આવે છે, એટલે કે નાના-મોટા બિઝનેસ અથવા તો કંપનીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. આ ટાર્ગેટ પણ એ રીતે પસંદ કરવામાં આવે છે જેમાં વધુ પડતાં એપલ યુઝર્સ હોય. એન્ટરપ્રાઇઝને ટાર્ગેટ કરવામાં જો એને હેક કરી લેવામાં આવે તો હેકર્સને અથવા તો સ્કેમર્સને એક કરતાં વધુ ટાર્ગેટ સરળતાથી મળી શકે છે. 2024માં સૌથી વધુ એટલે કે 19% એપલ યુઝર્સના એન્ટરપ્રાઇઝને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જ્યારે એન્ડ્રોઇડ યુઝર્સના એન્ટરપ્રાઇઝને ફક્ત 10.9% ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એન્ટરપ્રાઇઝને હેક કરીને યુઝર્સના ડેટા પણ ચોરી કરવામાં આવે છે અને એની આધારે તેમની સાથે સ્કેમ થાય છે. આ પ્રકારના સ્કેમમાં 17%નો વધારો થયો છે. આ સાથે જ મેલિશિયસ એપ્સમાં પણ 32%નો વધારો જોવા મળ્યો છે. આ ટ્રેન્ડના આધારે એક વાત નક્કી છે કે સ્કેમર્સ હવે મોબાઇલ ડિવાઇસને ટાર્ગેટ બનાવી રહ્યાં છે અને એમાં આઇફોન યુઝર્સને ખાસ.
સાઇબર ક્રિમિનલથી સાવચેત રહેવું
એન્ટરપ્રાઇઝને વધુ ટાર્ગેટ કરવામાં આવે છે એનો મતલબ એ નથી કે હવે જે-તે વ્યક્તિને ટાર્ગેટ કરવામાં નથી આવતી. તેમને પણ કરવામાં આવે છે અને દરેકે હવે વધુ ચેતીને રહેવું. ફિશિંગ અટેક ખાસ કરીને ઇમેલ, ટેક્સ મેસેજ અને વેબસાઇટ દ્વારા થાય છે. જો કે ટેક્નોલોજી જેટલી એડ્વાન્સ થઈ રહી છે એટલાં જ એડ્વાન્સ સ્કેમર્સની ટેક્નિક પણ થઈ રહી છે. આથી આઇફોન હોય કે એન્ડ્રોઇડ, દરેક વ્યક્તિએ હવે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ.