આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ આઇફોન 15ના ભાવ ઘટ્યાં, આ મોડલ્સ કરવામાં આવ્યા બંધ
iPhone 15 Price Reduce: એપલ દ્વારા આઇફોન 16 લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન લોન્ચ કરતાની સાથે જ જૂની સીરિઝના ફોનને સસ્તો કરી દેવામાં આવ્યો છે. આ ફોન સસ્તો કરવાનું કારણ કે નવા ફોનની સામે એનું વેંચાણ બંધ ન થાય. આ માટે દર વર્ષે એપલ નવી સીરિઝ લોન્ચ થતાં જ જૂના મોડલ્સને બંધ કરી દે છે અને કેટલાક મોડલની કિંમત ઘટાડી દે છે.
આઇફોન 15ના ભાવ ઘટ્યા
એપલ દ્વારા આઇફોનના ભાવમાં દસ હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આઇફોન 15 જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયો હતો ત્યારે એની કિંમત 79,900 હતી. જોકે દસ હજાર ઘટાડીને એની કિંમત હવે 69,900 કરવામાં આવી છે. આ કિંમત એપલની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકાશે.
ઓફિશ્યલ સાઇટ કરતાં વધુ ડિસ્કાઉન્ટ
એપલ દ્વારા આઇફોન 15ની કિંમત દસ હજાર ઘટાડીને 69,900 કરવામાં આવી છે. જોકે એના કરતાં પણ આ આઇફોન 15 વધુ સસ્તામાં મેળવી શકાય છે. આ માટે એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી એને ખરીદવો કારણ કે સેલ ચાલું હોય ત્યારે એ ડિસ્કાઉન્ટ અને બેન્ક ઓફર પણ મળી શકે છે.
આઇફોન 15ના ફીચર્સ
આઇફોન 15માં 6.1 ઇન્ચની ડિસ્પ્લે છે ને એમાં OLED પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં HDR10 અને ડોલ્બી વિઝનનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. A16 બાયોનિક ચિપસેટમાં 6 જીબી રેમ 128 જીબીની સ્ટોરેજ છે. આ આઇફોનમાં 48 અને 12 મેગાપિક્સલનો બેક કેમેરા અને 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
આ મોડલ હવે નહીં મળે
એપલ દ્વારા આઇફોન 16 સીરિઝ લોન્ચ કરવાની સાથે કેટલાક જૂના આઇફોનને બંધ કરી દેવામાં આવ્યાં છે. આ આઇફોનમાં આઇફોન 13, આઇફોન 15 પ્રો અને આઇફોન 15 પ્રો મેક્સનો સમાવેશ થાય છે. આઇફોન 15 પ્રો સ્ટોકમાં હશે ત્યાં સુધી એને વેંચવામાં આવશે.