આઇફોન 16ની નવી ફરિયાદ: મોબાઇલ ચાલુમાં ફ્રીઝ થવાની સાથે રિસ્ટાર્ટ પણ થઈ રહ્યો છે
iPhone 16 Freeze Issue: આઇફોન 16 સીરિઝ લોન્ચ થયાને હજી બે મહિના નથી થયા, પરંતુ એમાં એક પછી એક ઘણાં પ્રોબ્લેમ આવી રહ્યા છે. એક પ્રોબ્લેમ સોલ્વ થતાં બીજો નવો શરુ થઈ રહ્યો છે. આ પ્રોબ્લેમ એપલની આઇઓએસ 18ના કારણે થઈ રહ્યો છે. ઘણાં યુઝર્સના આઇફોન ચાલુમાં ફ્રીઝ થઈ જાય છે અને રિસ્ટાર્ટ થઈ રહ્યા છે.
ઇશ્યુ હજી સોલ્વ ન થયો
આઇફોન 16 સીરિઝની સાથે જૂની આઇફોન સીરિઝના પણ ઘણા આઇફોનમાં ફ્રીઝ અને રિસ્ટાર્ટનો ઇશ્યુ હતો. આઇફોન 16માં ટચ સ્ક્રીનનો ઇશ્યુ હતો. આ ઇશ્યુને આઇઓએસ 18.0.1 દ્વારા સોલ્વ કરવામાં આવ્યો છે. જોકે સ્પ્રિન્ગ બોર્ડ એટલે કે કોઈ પણ ઍપ્લિકેશનનો ઉપયોગ કરતાં હોય ત્યારે એ ફ્રીઝ થઈ જાય છે અને ઓટોમેટિક રિસ્ટાર્ટ થાય છે. આ ઇશ્યુને હજી પણ સોલ્વ કરવામાં નથી આવ્યો.
પડ્યો-પડ્યો રિસ્ટાર્ટ થાય
આઇફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ અને ત્યારે કોઈ પ્રોબ્લેમ આવવાથી એ બંધ થઈ જાય અને સ્પ્રિન્ગ બોર્ડ રિસ્ટાર્ટ થાય એ સમજી શકાય, પરંતુ આઇફોનનો ઉપયોગ પણ ન કરી રહ્યા હોય ત્યારે પણ એ ઓટોમેટિક રિસ્ટાર્ટ થઈ રહ્યો છે. એપલ દ્વારા કેટલાક ડિવાઇઝને રિપ્લેસ પણ કરી આપવામાં આવ્યા હતા. જો કે રિપ્લેસ ડિવાઇઝમાં પણ આ ઇશ્યુ ફરી આવી રહ્યા છે.
હેરાનગતિ
આ ઇશ્યુ એક વાર કે બે વાર નહીં, પરંતુ દિવસભરમાં 10થી 20 વાર થઈ રહ્યા છે. મોટાભાગે આ ઇશ્યુ આઇફોન 16 પ્રો સીરિઝમાં થઈ રહ્યા છે. જો કે જૂની સીરિઝમાં જેમણે નવું વર્ઝન અપડેટ કર્યું હોય એમાં પણ આ ઇશ્યુ શરુ થયા છે. થોડી-થોડી વારે આ ઇશ્યુ થવાથી યુઝર્સને હેરાનગતિ થઈ રહી છે.
શું છે સોલ્યુશન?
એપલ દ્વારા નવી અપડેટ દ્વારા એને ફિક્સ કરવામાં આવે તો એનો ઉકેલ થઈ શકે છે. જો કે ત્યાં સુધી રાહ ન જોવી હોય તો આઇફોનને રિસ્ટોર કરી શકાય છે. જો કે આ રિસ્ટોર કરતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવી કે આઇક્લાઉડ પરથી બેકઅપને રિસ્ટોર ન કરવું. તેમ જ આઇફોન નવો હોય તે રીતે ઉપયોગ કરતાં જ આ ઇશ્યુ સોલ્વ થઈ શકશે. બેકઅપ લીધો હોય અને એનો ફરી ઉપયોગ કરવાથી એ ઇશ્યુ ફરી આવી શકે છે. જો કે આ સ્ટેપ પણ દરેક ડિવાઇઝમાં કામ કરે એ જરૂરી નથી, પરંતુ મોટાભાગે બેકઅપમાં કોઈ ફાઇલ કરપ્ટ થઈ હોવાથી પણ એ થઈ શકે છે.