આઈફોન 16 વિશે ગુજરાતીઓ શું કહે છે? કોઈએ કહ્યું ‘શોખ બડી ચીઝ હૈ’, તો કોઈએ કરી જોરદાર ટીકા
iPhone 16 Gujarat Reviews : એપલ દ્વારા આઇફોન 16 સીરિઝ લોન્ચ કરવામાં આવી છે. આ આઇફોન 20 સપ્ટેમ્બરથી મળવાના શરૂ થશે. એમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચરે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષવામાં સફળ રહ્યુ છે. આ ફીચરને કારણે ઘણાં યુઝર આઇફોન ખરીદી શકે છે. જોકે એ માટે યુઝરે ઘણી કિંમત પણ ચૂકવવી પડી શકે છે. દરેક યુઝરની આઇફોનનો ઉપયોગ કરવાની જરૂરિયાત અલગ હોય છે. કોઈને કામ સરળ થાય એની જરૂરિયાત હોય તો કોઈને ફોટોગ્રાફીને શોખ હોય છે. કોઈને બસ આઇફોનનો શોખ હોય તો કોઈને ગેમ રમવાનો શોખ હોય છે.
આ પણ વાંચો : આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ આઇફોન 15ના ભાવ ઘટ્યાં, આ મોડલ્સ કરવામાં આવ્યા બંધ
સિનિયર સિટીઝન્સે પણ પસંદ છે એપલ ઈન્ટેલિજન્સ
65 વર્ષના કનુભાઈ પટેલનું કહેવું છે કે ‘ફીચર તો ઘણાં કામના છે જેવું કે એપલ ઇન્ટેલિજન્સ. આ ફીચરને કારણે મારા ઘણાં કામ સરળ થઈ જશે. મને ટાઇપિંગ કરવામાં ઘણી અનુકૂળતા રહેશે તેમ જ હું હવે લાંબા મેસેજિસનેટ ટૂંકા કરીને મોકલી શકીશ. એટલે કે મારી પ્રોડક્ટિવિટી વધી જશે. અલ્ટ્રા વાઇડ કેમેરા વધાર્યો છે, પરંતુ કેમેરાનો મારો ઉપયોગ નથી. ગયા વર્ષ કરતાં તો કિંમત ઓછી છે. એની સામે ફીચર્સ વધુ આપ્યા હોવાથી કિંમત તો બરાબર કહેવાય. હું તો આઇફોન 16 પ્રો મેક્સ લેવાનું પસંદ કરીશ કારણ કે એમાં પર્ફોર્મન્સ સારું હોય છે અને બેટરી પણ સારી ચાલે છે.’
ભાઈ, શોખ બડી ચીઝ હૈ...
35 વર્ષના બિલ્ડર વિનય પટેલનું કહેવું છે કે ‘શોખ બડી ચીઝ હૈ. ફીચર તો મોટાભાગના દરેક મોબાઇલમાં સરખા જ હોવાના. જોકે એપલ ઇન્ટેલિજન્સ વધુ સારું છે એવું લાગી રહ્યું છે, પરંતુ એ તો એક વાર પોતે ઉપયોગ કરીએ પછી જ ખબર પડે. ત્યાં સુધી શું સારું અને શું ખરાબ એ કહેવું મુશ્કેલ છે. કિંમતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પ્રો મોડલ્સ ખરીદનારા એ નથી જોતા. આઇફોન 16 અને પ્લસ મોડલ ખરીદનારા ચોક્કસ એ જોતા હશે. હું તો 16 પ્રો મેક્સ જ ખરીદીશ.’
સોફ્ટવેર અપગ્રેડ કર્યું પણ હાર્ડવેર નહીં
ITમાં કામ કરતાં તપન ભાટિયાનું કહેવું છે કે ‘એડ્વાન્સ ફીચર દ્વારા સોફ્ટવેર તો અપગ્રેડ કર્યું, પરંતુ હાર્ડવેર પર એટલું ફોકસ કરવામાં નથી આવ્યું. દર વર્ષની જેમ પ્રોસેસર ચેન્જ કર્યું એમ કહે છે, પરંતુ જ્યારે નવા મોડલનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ ફરક નથી દેખાતો. ડિઝાઇન પણ આઇફોન 12 સીરિઝ જેવી જ છે અને કેમેરા પોઝીશન પણ એજ છે. કિંમત ખૂબ જ વધુ કહેવાય. આઇફોન 16 જ્યારે ઇન્ડિયામાં બની રહ્યો છે ત્યારે એની કિંમત ઓછી હોવી જરૂરી છે. આઇન 16 સીરિઝમાં એ વધુ ઓછી કરવામાં આવશે એવી આશા હતી. જોકે તેમણે નજીવી કિંમત ઓછી કરી છે. હું આઇફોન 15 પ્રોનો ઉપયોગ કરવાનું પસંદ કરીશ. એનું કારણ છે કે આ ફોનની કિંમત ઓછી થઈ ગઈ અને એમાં એપલ ઇન્ટેલિજન્સના પણ તમામ ફીચર્સ ચાલશે. તેમજ ઓનલાઇન ઓફર અને બેન્ક ઓફરમાં એ વધુ સસ્તો પડશે. આથી એક સીરિઝ જૂની ઉપયોગ કરવો હંમેશાં ફાયદાની ડીલ છે.’
ફોટોગ્રાફરોને પસંદ છે આઈફોનનો કેમેરા
25 વર્ષની ફોટોગ્રાફર વિધી પરમારનું કહેવું છે કે ‘આઇફોન 16 પ્રો મેક્સનો કેમેરા ખૂબ જ સારો છે. વાઇડ કેમેરા પણ 48 મેગાપિક્સલનો કર્યો હોવાથી મારા કામમાં એ ખૂબ જ મદદ આવી શકે છે. તેમ જ એપલ ઇન્ટલિજન્સ ફીચર પણ ફોટોગ્રાફીમાં મને મદદરૂપ થશે એવા છે. સારા કેમેરા અને ફીચરને ધ્યાનમાં રાખતાં કિંમત ચાલી શકે એવી છે. હું 16 પ્રો મેક્સ ખરીદવાનું પસંદ કરીશ કારણ કે એ મારા લાયક ફોન છે.’