ડિલીટ કરેલી એપ્લિકેશન જાતે જ ફરી ઇન્સ્ટોલ થઈ રહી છે આઇફોનમાં, જાણો કેમ થઈ રહ્યું છે આવું…
iOS 18.4 Bug Issue: એપલ દ્વારા હાલમાં જ iOS 18.4ને લોન્ચ કરવામાં આવી છે. જોકે આ અપડેટમાં એક ખામી છે. યુઝર દ્વારા ડિલીટ કરવામાં આવેલી એપ્લિકેશન ફરી ઇન્સ્ટોલ થઈ રહી છે. એપલના કમ્યુનિટી પેજ પર ઘણાં યુઝર્સ દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી રહી છે. મોબાઇલને જેલબ્રેક ન કર્યો હોય અને થર્ડ-પાર્ટી એપ સ્ટોર પણ ન હોય ત્યાં પણ આવું થઈ રહ્યું છે. એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ ખામી હોવાનું લાગી રહ્યું છે, જેના કારણે યુઝર્સ આવી વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
યુઝર્સની ફરિયાદ
એપલના કમ્યુનિટી પેજ તેમજ અન્ય ઘણી જગ્યાએ યુઝર્સ દ્વારા આ વિશે ફરિયાદ કરવામાં આવી છે. તેમણે એપ્લિકેશન ડિલીટ કરી હોવા છતાં એ ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ રહી છે. એક યુઝરે કહ્યું કે, “મેં iOS 18.4ને સફળતાપૂર્વક અપડેટ કર્યા બાદ જ્યારે મારી તમામ એપ્લિકેશનને અપડેટ કરવા ગયો, ત્યારે મેં જોયું કે એક ચાઇનીઝ ગેમ ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ ગઈ હતી.” અન્ય એક યુઝરે પણ કહ્યું કે તેની 'લાસ્ટ વોર સર્વાઇવલ' ગેમ ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ ગઈ હતી.
ક્યારેય ઇન્સ્ટોલ ન કરેલી એપ્સ
એપલના કમ્યુનિટી પેજ પર ઘણા એવા યુઝર્સ છે જેમણે આજ સુધી જે એપ્લિકેશન એક પણ વાર ડાઉનલોડ ન કરી હોય એ પણ ઓટોમેટિક ડાઉનલોડ થઈ રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે જેમણે જેલબ્રેક ડિવાઇઝ કર્યું હોય અથવા તો થર્ડ-પાર્ટી એપ સ્ટોરનો ઉપયોગ કરી રહ્યાં હોય, તેમની સાથે આવું થઈ રહ્યું છે. જો કે આ યુઝર્સ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેમણે પોતાની ડિવાઇઝમાં એવું કંઈ નથી કર્યું અને ફક્ત એપલના જ સ્ટોરનો ઉપયોગ કરી રહ્યાં છે.
એપલે જવાબ આપવાનું ટાળ્યું
આ ઇશ્યુ વિશે હજી સુધી એપલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યું નથી. શક્ય છે કે એપલ નવા અપડેટ દ્વારા આ ખામીને દૂર કરે. જો કે, હજુ સુધી તેમનાં નવા અપડેટમાં ત્રૂટિ છે કે પછી કોઈ બીજું કારણ છે, તે અંગે એપલ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનાર પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા કોણ છે? જાણો વિગત...
શું છે સોલ્યુશન?
એપલ દ્વારા આ ઇશ્યુ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી યુઝર્સ માટે ફરીથી ઇન્સ્ટોલ થેલી એપ્લિકેશનને ડિલીટ કરવું એ જ ઉપાય છે.