ઇન્ટરનેટ આર્કાઇવ પર સાઇબર અટેક, 31 મિલિયન પાસવર્ડ્સની ચોરી
Cyber Attack : સાઇબર અટેક કોઈ નવી વસ્તુ નથી, પરંતુ એક જ સાઇબર અટેકમાં 31 મિલિયન પાસવર્ડ્સ ચોરી કરવા એ ખૂબ જ મોટી વાત છે. હાલમાં જ ઇન્ટરનેટ આર્કાઇવ પર સાઇબર અટેક કરવામાં આવ્યું હતું અને લાખો-કરોડો લોકોના પાસવર્ડ્સ એમાં ચોરી કરવામાં આવ્યા હતા. આ પાસવર્ડ્સ ચોરી કર્યા બાદ, અટેકકારો તેમના દ્વારા સાચવવામાં આવેલા ડેટાને પણ સંપૂર્ણ ઍક્સેસ મેળવી શકે છે.
ઇન્ટરનેટ આર્કાઇવ શું છે ?
ઇન્ટરનેટ આર્કાઇવ એ એક નોન-પ્રોફિટ ડિજીટલ લાઇબ્રેરી છે. અહીં લાખો-કરોડો ડિજીટલ કન્ટેન્ટને મફતમાં ઍક્સેસ કરી શકાય છે. આમાં વેબસાઇટ્સ, પુસ્તકો, ઓડિયો, વીડિયો, સોફ્ટવેર અને અન્ય ડિજીટલ સામગ્રીનો સમાવેશ થાય છે. આનો ઉદ્દેશ ફક્ત એટલો છે કે આજના જમાનાના લોકો પહેલાના સમયની સામગ્રીને જોઈ શકે. તદુપરાંત, આજથી 100 વર્ષ બાદના લોકો આજકાલ શું થઈ રહ્યું છે એ જોઈ શકે.
શું-શું ડિટેઇલ્સ થઈ લીક?
આ સાઇબર અટેકમાં 31 મિલિયન યૂઝર્સના પાસવર્ડ્સ લીક થયા છે. આ અટેકમાં ઇમેલ એડ્રેસ, સ્ક્રીન નામ અને પાસવર્ડનો સમાવેશ થાય છે. સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ દ્વારા દરેક યૂઝરને તેમના પાસવર્ડ્સને તરત જ બદલવા માટે વિનંતી કરવામાં આવી છે. જ્યારે યૂઝર્સ લોગ ઇન કરી રહ્યા હતા ત્યારે તેમને પોપ-અપ મેસેજ દ્વારા ડેટા ચોરી થઈ ગયા હોવાનો મેસેજ કરવામાં આવ્યો હતો. આ સાઇબર અટેકમાં હેકર્સ દ્વારા 6.4 જીબીનો ડેટા કલેક્શન કરવામાં આવ્યો હતો, જેમાં આ તમામ માહિતી સામેલ છે.
શું કહ્યું ઇન્ટરનેટ આર્કાઇવે?
ઇન્ટરનેટ આર્કાઇવ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે તેમના પર અટેક કરવામાં આવ્યું હતું. હાલમાં સર્વિસને બંધ કરવામાં આવી છે અને તમામ સિક્યુરિટીને અપગ્રેડ કરવામાં આવી રહી છે. વધુ માહિતી સિસ્ટમ અપગ્રેડ બાદ આપશે, પરંતુ ત્યાં સુધીમાં યૂઝર્સને પાસવર્ડ્સ બદલવા માટે કહેવામાં આવ્યું છે.
કોણે અટેક કર્યો?
આ અટેક 'SN_BlackMeta' દ્વારા કરવામાં આવ્યું છે. આ જાણકારી આ નામના X એકાઉન્ટ દ્વારા અપાય છે. આ એક ગ્રુપ છે જે સાથે મળીને અટેક કરે છે. તેમણે આ અટેક પાંચ કલાક માટે કર્યું હતું, જેમાં બધા ડેટા ચોરી લેવામાં આવ્યા હતા. તેઓ પેલેસ્ટાઇનના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેટ આર્કાઇવને હેક કરવાની પાછળનું કારણ તેમણે એ અમેરિકાનું હોવાનું કહ્યું છે. અમેરિકા ઇઝરાયલની સપોર્ટ કરે છે એટલે આ ડિજીટલ લાઇબ્રેરીને હેક કરવામાં આવી છે.