ઇન્સ્ટાગ્રામની પ્રોફાઈલ ગ્રિડ બદલાશે - આવે છે વર્ટિકલ ગ્રિડ
અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ એકાઉન્ટના પ્રોફાઇલ પેજ પર પહોંચીએ
ત્યારે એ એકાઉન્ટ પરથી શેર થયેલ વિવિધ કન્ટેન્ટ એક ગ્રિડ સ્વરૂપે જોવા મળે છે.
અત્યારે આ ગ્રિડમાંનું કન્ટેન્ટ નાની નાની ચોરસ - સ્ક્વેર ઇમેજ સ્વરૂપે જોવા મળે
છે.
આનો ઘણા ઇન્સ્ટા યૂઝર એકદમ ક્રિએટિવ ઉપયોગ કરે છે. ઘણા એકાઉન્ટ જ્યારે તેમની
જુદી જુદી પોસ્ટ એક સાથે જોવામાં આવે ત્યારે તેમાંથી એક ચોક્કસ પેટર્નથી ડિઝાઇન
ઊભી થાય તે રીતે ગ્રિડને ધ્યાનમાં રાખી પોસ્ટ ડિઝાઇન કરતા હોય છે (જુઓ બાજુની ઉપલી
તસવીર). આવી ગ્રિડ કેવી રીતે બનાવી શકાય એ વિશે આપણે અગાઉ ટેક્નોવર્લ્ડમાં વાત કરી છે.
જોકે હવે તેમની આ ક્રિએટીવિટીને અલગ રીતે રજૂ કરવી પડશે. ઇન્સ્ટાગ્રામની
પ્રોફાઇલમાં હાલની સ્ક્વેર ગ્રિડને બદલે વર્ટિકલ ગ્રિડમાં ઇમેજિસ જોવા મળે તેવી
શક્યતા છે.
એક સમયે ઇન્સ્ટાગ્રામ પર ફક્ત સ્કવેર ફોટો અપલોડ કરી શકાતા હતા. પરંતુ છેક
૨૦૧૫થી તે મર્યાદા દૂર કરી દેવામાં આવી અને હવે ઇન્સ્ટાગ્રામ પર ૩ બાય ૪ના
રેશિયોમાં ઇમેજિસ કે ૯ બાય ૧૬ના રેશિયોમાં વીડિયો શેર કરી શકાય છે. ઇન્સ્ટાગ્રામ
કંપનીના કહેવા અનુસાર હવે આ પ્લેટફોર્મ પર મોટા ભાગના યૂઝર્સ આવા વર્ટિકલ
ફોર્મેટમાં કન્ટેન્ટ શેર કરે છે. બીજી તરફ પ્રોફાઇલ ગ્રિડમાં વર્ટિકલ કન્ટેન્ટને
પણ ધરાર સ્કવેર સાઇઝમાં ક્રોપ કરીને બતાવવામાં આવે છે. એટલે આ ફેરફાર કરવામાં આવી
રહ્યો છે.