પાસવર્ડ હશે તો જ રીલ જોઈ શકાશે, જાણો ઇન્સ્ટાગ્રામનું આ નવું ફિચર કેમ ઉપયોગી છે
New Lock Reel Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મેટા કંપની દ્વારા હવે ઇન્સ્ટાગ્રામને વધુ રસપ્રદ બનાવવા માટે નવા-નવા ફીચર્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ નવું ફીચર છે ‘લોક રીલ્સ’. આ ફીચરનો ઉપયોગ રીલ્સને પ્રાઇવેટ રાખવાની સાથે જ યુઝર્સ સાથે અંગત રીતે જોડાવવા માટે પણ કરી શકાય છે. આ ફીચર બ્રેન્ડ્સ માટે ખૂબ જ કામ આવી શકે છે, કારણ કે તેઓ ટ્રેઝર હન્ટ જેવી પાસવર્ડ શોધવાની સ્પર્ધા રાખી શકે છે અને એ રીતે યુઝર્સને પોતાના તરફ આકર્ષિત કરી શકે છે.
શું છે લોક રીલ્સ?
લોક રીલ્સ એટલે કે તેના નામ મુજબ રીલ્સને લોક કરવાનું ફીચર છે. યુઝર્સ કોઈ પણ રીલ્સને શેર કરે ત્યારે એને લોક કરી શકે છે. એટલે કે જ્યાં સુધી પાસવર્ડ આપવામાં ન આવે ત્યાં સુધી આ રીલ્સ તેઓ જોઈ શકે નહીં. એટલે જેની પાસે પાસવર્ડ હશે તે જ રીલ્સ જોઈ શકશે અને જેની પાસે ન હોય તે નહીં જોઈ શકે. આ એક રીતે રીલ્સને પ્રાઇવેટ રાખવા માટે તથા પસંદગીના લોકો સાથે શેર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
કેવી રીતે કામ કરે છે આ ફીચર?
આ રીલ્સ જોવા માટે પાસવર્ડની જરૂર પડે છે. આ માટે યૂઝર્સને હિન્ટ આપવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, ‘તમાશા’માં રણબીર કપૂરના પાત્રનું નામ શું હતું? આ હિન્ટ મળતાં, એ નામ દાખલ કરતાં જ રીલ્સ ખુલી જશે અને યૂઝર તેને જોઈ શકશે. આ રીતે, બ્રેન્ડ્સ તેમની લેટેસ્ટ કલેક્શન અથવા પ્રોડક્ટ માટે પણ હિન્ટ આપી શકે છે. આથી, યૂઝર માટે પણ આ નાની ગેમ અને ચેલેન્જ જેવું અનુભવાઈ શકે છે. બ્રેન્ડ આ રીતે યુઝર્સને વધુ સારી રીતે આકર્ષિત કરી શકે છે.
કેવી રીતે ફાયદો થશે બ્રેન્ડને?
બ્રેન્ડ તેમના યુઝર્સ માટે એક ખાસ રીલ્સ બનાવી શકે છે. તેઓ બિહાઇન્ડ ધ સીન અને બોનસ ફૂટેજને દર્શાવી શકે છે. ખાસ કન્ટેન્ટના માધ્યમથી બ્રેન્ડ યૂઝર્સ સાથે વધુ કનેક્ટ થઈ શકે છે. તેમ જ તેમની નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે કલેક્શનના નામનો પાસવર્ડમાં ઉપયોગ કરીને કેમ્પેઇન ચલાવી શકે છે. આ સાથે, ઇન્ફ્લુએન્સર્સ પણ નવી નવી કોન્ટેસ્ટ રાખી શકે છે.
આ પણ વાંચો: મોબાઇલ હેક થયો છે કે નહીં કેવી રીતે જાણશો? સ્ક્રીન પર થતી લાઇટ આપશે સંકેત...
પ્રાઇવસીના સવાલ
બ્રેન્ડ્સ માટે આ એક આકર્ષક ફીચર છે, પણ સામાન્ય યૂઝર્સ માટે થોડું જોખમરૂપ થઈ શકે છે. જોખમ એટલું છે કે જો યૂઝર્સ પાસવર્ડ તરીકે પોતાની બર્થડે અથવા પર્સનલ માહિતી જાહેર કરે છે, તો તે તેમના માટે જોખમરૂપ બની શકે છે.
ક્યારે લોન્ચ કરવામાં આવશે?
લોક રીલ્સ ફીચર હાલ ટેસ્ટિંગમાં છે. આ ફીચર બહુ જલદી લોન્ચ થઈ શકે છે. આ ફીચરને પેઇડ સબસ્ક્રિપ્શન મોડલમાં પણ શામેલ કરવામાં આવી શકે છે. ઇન્સ્ટાગ્રામ હાલમાં તેના કેટલાક ફીચર્સનું પેઇડ વર્ઝન લાવવાના તબક્કે છે.