ઇન્સ્ટાગ્રામ લાવ્યું નવું ફીચર: પસંદ બદલાઈ ગઈ હોય તો અલ્ગોરિધમ રિસેટ કરી શકશે યુઝર્સ
Algorithm Reset Feature: ઘણી વાર આપણને લાઇફમાં કઈક વધુ સારી રીતે કરી શક્યા હોત તો સારું થયું હોય એવું લાગે છે. કાશ કોઈ કામને વધુ સારી રીતે કર્યું હોત, કાશ સંબંધમાં વધુ સમય આપ્યો હોત, અથવા તો કાશ પરીક્ષામાં વધુ મહેનત કરી હોત તો વધુ માર્ક્સ આવ્યા હોત. આવી જ રીતે, સોશિયલ મીડિયામાં પણ ઘણી વાર આપણને મનગમતા પરિણામો નથી મળતા, અને અચાનક એવું લાગે છે કે ફરીથી શરૂઆત કરી શકાતી હોત તો. આથી જ ઇન્સ્ટાગ્રામ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.
શું છે અલ્ગોરિધમ?
મેટા કંપની દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ઇન્સ્ટાગ્રામ હાલમા "અલ્ગોરિધમ રિસેટ કન્ટેન્ટ" ફીચર પર કામ કરી રહ્યું છે. દરેક યુઝર માટે આ અલ્ગોરિધમ અલગ હોય છે અને તે નક્કી કરે છે કે યુઝરને કેવા કન્ટેન્ટ ગમે છે અને એ મુજબ તેમને રીકમેન્ડેશન આપે છે. આ અલ્ગોરિધમ યુઝર કેવા વીડિયો જુએ છે, કઈ પોસ્ટને લાઇક કરે છે અને કઈ પોસ્ટ પર કમેન્ટ કરે છે તે પરથી નક્કી કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામના CEO એડમ મોસેરીએ ગયા વર્ષે સ્વીકાર્યું હતું કે કંપની યુઝર્સની દરેક એક્ટિવિટી પર નજર રાખે છે અને એના આધારે અલ્ગોરિધમ કામ કરે છે.
યુઝરની પસંદગી
એક વાર અલ્ગોરિધમ સેટ થઈ જાય પછી, યુઝરના ફીડ પર તેને પસંદ હોય એવી જ પોસ્ટ અને રીલ્સ આવે છે. જો કોઈ યુઝરને ટ્રાવેલ પેસંદ છે અને તે હંમેશાં એ પ્રકારની પોસ્ટને લાઇક અને શેર કરતો હોય, તો તેને એવી જ કન્ટેન્ટ મળે છે. આ જ અલ્ગોરિધમ એડવર્ટાઇઝમેન્ટ માટે પણ ઉપયોગમાં લેવાય છે. થોડીવાર બાદ જો યુઝરની પસંદગી બદલાય, તો પણ તેને એજ પ્રકારના વીડિયો અને પોસ્ટનો ચોઇસ આપવામાં આવે છે.
રિસેટ કન્ટેન્ટ ફીચર શું છે?
અત્યાર સુધી, જો યુઝરની પસંદગી બદલાય, તો તે માટે કન્ટેન્ટ રિસેટ કરવાનો વિકલ્પ નહોતો. પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ આ નવું "રિસેટ કન્ટેન્ટ" ફીચર લોન્ચ કરી રહ્યું છે. આ ફીચરથી યુઝર ફરીથી નવું શરુ કરી શકે છે. એટલે કે, તેના માટે નવી અલ્ગોરિધમ બની જશે. ઇન્સ્ટાગ્રામ એ યુઝરને નવા યુઝર તરીકે ચિહ્નિત કરશે અને તેના માટે નવું કન્ટેન્ટ રેકમેન્ડેશન શરૂ કરશે.
ક્યારે આવશે આ ફીચર?
હાલમાં ઇન્સ્ટાગ્રામ આ ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે અને જલદી જ રિલીઝ કરવામાં આવશે. આ ફીચર પહેલા માત્ર અમેરિકા માટે નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં એક સાથે જ રિલીઝ કરવામાં આવશે.