ઇન્સ્ટાગ્રામ પર હવે કમેન્ટ કરવા માટે વિચારવાની જરૂર નહીં પડે, યુઝર્સ માટે હવે AI સજેસ્ટ કરશે...
Instagram AI Comment Feature: મેટા કંપની હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ માટે એક નવું ફીચર લઈને આવી છે. આ ફીચર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફીચર દ્વારા યુઝરને હવે કોઈ પણ પોસ્ટ પર કમેન્ટ કરવા માટે વિચારવાની જરૂર નહીં પડે. ઇન્સ્ટાગ્રામને વધુ સરળ અને ઉપયોગી બનાવવા માટે મેટા કંપની કમર કસી રહી છે. જો આ ફીચર ઉપયોગી રહે તો તેને દરેક પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે.
કેવી રીતે કામ કરશે આ ફીચર?
આ ફીચરનું નામ ‘રાઇટ વિથ મેટા AI’ આપવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે કોઈ પણ પોસ્ટની નીચે ટેક્સ્ટ બારમાં પેન્સિલના આઇકન પર ક્લિક કરવું પડશે. એ ક્લિક કરતાંની સાથે જ મેટા AI કામે લાગી જશે અને પોસ્ટને સ્કેન કરશે. પોસ્ટને સ્કેન કર્યા બાદ કમેન્ટ માટે ત્રણ સજેશન આપશે. જો કોઈ વ્યક્તિનો ફોટો હોય તો તેના સ્માઇલ અથવા પોઝ વિશે, તે કઈ જગ્યા પર ફોટો પડાવ્યો છે એ લોકેશન વિશે અથવા તે ખાસ ફોટો માટે એ શ્રેષ્ઠ સેટઅપ વિશે સૂચન આપશે. જો આ સજેશન પસંદ ન આવે, તો યુઝર તેને રિફ્રેશ કરીને નવી કમેન્ટ જનરેટ કરવા માટે કહે શકે છે.
મેટાએ શું કહ્યું?
મેટાએ આ ફીચરનું પરીક્ષણ ચાલી રહ્યું છે એવું ટેકક્રન્ચને જણાવ્યું હતું. ઈમેલમાં મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમારી તમામ ઍપ્લિકેશન્સ પર યુઝર મેટા AIનો ઉપયોગ કરી શકે એ માટે અમે વિવિધ ફીચર્સનું પરીક્ષણ કરતાં રહીએ છીએ.’ અત્યાર સુધી યુઝર મેટા AIનો ઉપયોગ ડાયરેક્ટ મેસેજમાં કરી શકતા હતા, પરંતુ હવે કમેન્ટ્સ, ફીડ, ગ્રૂપપ અને સર્ચમાં પણ કરી શકશે. મેટા AIના પ્રવક્તા અનુસાર આ તમામ ફીચર્સના કારણે યુઝર્સ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વધુ સરળ અને ઉપયોગી બની રહેશે. આ ફીચર ક્યારે લોન્ચ થશે તે વિશે તેઓએ કોઈ જાહેરાત કરી નથી.
આ પણ વાંચો: Huaweiનો એન્ડ્રોઇડને ઝટકો: ગૂગલ પર નિર્ભરતા ઘટાડવા ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ
દિલની વાત કહેવાથી વંચિત...
આ ફીચર ફાયદાકારક તો છે, પરંતુ હવે પોસ્ટ પર જે પણ કમેન્ટ આવશે તે વાસ્તવિક નહીં હોય. કેટલાક યુઝર્સનું કહેવું છે કે અત્યાર સુધી આવી સારી કે ખરાબ કમેન્ટ દિલથી આવતી હતી અને તે યુઝર્સના પોતાના વિચારો હતા. હવે જે પણ કમેન્ટ આવશે તે AI જનરેટેડ હશે. એટલે તેમાં યુઝર્સ શું કહેવા માંગે છે તે નહીં હોય, પરંતુ કઈ કમેન્ટ વધુ યોગ્ય લાગે છે તે હશે. મેટાએ ગયા વર્ષે ફેસબુક પર AI જનરેટેડ સમરીઝ ફીચર રજૂ કર્યું હતું. હવે કમેન્ટને સજેસ્ટ કરવાના ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે.