ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું ટીનેજર એકાઉન્ટ, પ્રાઇવસી અને એકાઉન્ટને કન્ટ્રોલ કરી શકશે પેરન્ટ્સ
Instagram Teen Account: મેટા દ્વારા અઢાર વર્ષથી નાની ઉંમરના યુઝર્સ માટેના એકાઉન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે. એમાં પ્રાઇવસી અને પેરન્ટલ કન્ટ્રોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી ટીનેજરના પેરન્ટ્સ હવે એકાઉન્ટની પ્રાઇવસી અને કન્ટ્રોલની કમાન સંભાળી શકશે.
પ્રાઇવેટ એકાઉન્ટ
ઇન્સ્ટાગ્રામ અઢારથી ઓછી ઉંમરની દરેક વ્યક્તિના એકાઉન્ટને પ્રાઇવેટ રાખી રહ્યું છે. બાય ડિફોલ્ટ આ એકાઉન્ટ પ્રાઇવેટ હશે. આ એકાઉન્ટ દ્વારા જે અન્ય યુઝરને ફોલો કરવામાં આવતા હશે તેમને જ ટેગ અથવા તો મેસેજ કરી શકાશે. તેમ જ તેમના માટે જે પણ સેન્સિટિવ કન્ટેન્ટ હશે એને ઓટોમેટિક તેમનાથી દૂર રાખવામાં આવશે.
પેરન્ટ્સની પરવાનગી
16 વર્ષથી નાની ઉંમરના યુઝર તેમના પેરન્ટ્સની પરવાનગીથી આ ડિફોલ્ટ સેટિંગ્સને ચેન્જ કરી શકશે. તેમ જ પેરન્ટ્સ પાસે કન્ટ્રોલ આપવામાં આવશે. એમાં તેઓ જોઈ શકશે કે તેમનું બાળક કોની સાથે કનેક્ટ છે અને એપ્લિકેશન પર કેટલો સમય પસાર કરે છે. ઘણી સ્ટડીમાંથી જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાથી ડિપ્રેશન અને એનસાઇટી આવી શકે છે. આથી એનો વધુ પડતો ઉપયોગ ન થયા એ માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે.
13 વર્ષથી વધુની ઉંમર ફરજિયાત
ઇન્સ્ટાગ્રામ દ્વારા 13 વર્ષથી વધુની ઉંમર હોવી ફરજિયાત છે. ફેસબુક અને ટિકટોક દ્વારા પણ 13 વર્ષની ઉંમર ફરજિયાત રાખવામાં આવી છે. જોકે ટિકટોક ભારતમાં બેન છે. ઇન્સ્ટાગ્રામ ટીનેજ માટે સ્પેશ્યલ એપ્લિકેશન બનાવી રહી હતી. જોકે અમેરિકામાં ધ કિડ્સ ઓનલાઇન સેફ્ટી એક્ટ અને ધ ચિલ્ડ્રન એન્ડ ટીન્સ ઓનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટનું બિલ પાસ કરવામાં આવ્યું હતું. આ બિલ હેઠળ બાળકોની પ્રાઇવસી અને તેમની સેફ્ટીને પ્રાધાન્ય આપવું ફરજિયાત છે. આથી ઇન્સ્ટાગ્રામે તેમના માટે એપ્લિકેશન બનાવવાનો પ્લાન પડતો મૂક્યો હતો અને હવે તેમના પેરન્ટ્સને તમામ કન્ટ્રોલ મળે એ રીતનું એકાઉન્ટ રજૂ કરવામાં આવ્યું છે.
ઇન્ડિયામાં જાન્યુઆરીમાં લોન્ચ થશે
આ એકાઉન્ટમાં બાળકને દિવસની 60 મિનિટ થાય એટલે તેમને એપ્લિકેશન બંધ કરવા માટે નોટિફિકેશન પણ આપવામાં આવસે. તેમ જ એમાં બિલ્ટ ઇન સ્લીપ મોડ છે જેથી રાતે એમાં નોટિફિકેશન બંધ થઈ જશે. આગામી 60 દિવસમાં અમેરિકા, યૂકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં તમામ યુઝરને ઓળખીને તેમના એકાઉન્ટને ટીન એકાઉન્ટમાં કનવર્ટ કરવામાં આવશે. તેમ જ યુરોપિયન કન્ટ્રીમાં આ વર્ષના અંતમાં એ કામ શરૂ કરવામાં આવશે. ભારત અને અન્ય દેશમાં જાન્યુઆરીમાં એ એકાઉન્ટ કાર્યરત થશે.