યુઝર્સનો સમય બચાવવા માટે ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર, જાણો કેવી રીતે ઉપયોગ કરશો
Instagram New Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સના સમયનો ઘણો બચાવ થશે. આ ફીચર ખાસ રીલ્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આજે દુનિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. વીડિયોની જગ્યા પણ હવે રીલ્સે લઈ લીધી છે. વધુમાં, રીલ્સ જોવા માટે લોકો માટે સમયની કમી રહેતી હોય છે અને તે તરત જ રીલ્સ બદલી નાખે છે. જેથી તેમનો સમય પણ બગડે નહીં અને રીલ્સ પણ જોઈ શકાય, આ ફીચર તૈયાર કરવામાં આવ્યું છે.
શું છે આ ફીચર?
આ ફીચર યુઝર્સને કોઇ પણ રીલ્સને ઓરિજનલ સ્પીડ કરતાં બમણી સ્પીડમાં જોવાની સવલત આપશે. આ માટે યુઝર્સે સ્ક્રીનની જમણી અથવા ડાબી બાજુએ સ્ક્રીનને લાંબા સમય સુધી પ્રેસ કરીને રાખવું પડશે. આ અપડેટ દ્વારા યુઝર્સને વધુ કન્ટ્રોલ આપવા માંગવામાં આવ્યું છે, જેથી તેમનો રીલ્સ જોવાનો અનુભવ વધુ ઉત્તમ બને.
યુઝર્સના ફિડબેકને ધ્યાનમાં રાખ્યું
ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા દ્વારા જણાવ્યું છે કે આ ફીચર ખાસ યુઝર્સના ફિડબેકને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે રીલ્સમાં ત્રણ મિનિટ સુધીના વિડિયો સપોર્ટ કરવામાં આવશે. લાંબા વિડિયોને જોવા માટે એની ઝડપ બમણી કરવાનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફાસ્ટ-ફોરવર્ડ બટનથી આશા છે કે યુઝર્સ વધુ લાંબા વિડિયો જોઈ શકશે.
આ પણ વાંચો: આઇફોનમાં ફોન અને મેસેજ માટે વોટ્સએપને ડિફોલ્ટ એપ કેવી રીતે બનાવશો? આ સ્ટેપ અનુસરો...
ટિકટોકની જગ્યા લેવાનો વધુ એક પ્રયાસ
ટિકટોકમાં જે લોકપ્રિય પ્લેબેક ઓપશન છે, એના જેવું ફીચર લોન્ચ કરવાનું ઇન્સ્ટાગ્રામ સતત કોશિશ કરી રહ્યું છે. ટિકટોકને જ્યારથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, ત્યારથી ઇન્સ્ટાગ્રામ તેના સ્થાને પોતાની જગ્યા બનાવવામાં લાગી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા ધીમે ધીમે તમામ ફીચર્સ લાવવામાં આવી રહ્યા છે. આ ફાસ્ટ-ફોરવર્ડ બટન પણ ટિકટોકના ફીચર પરથી પ્રેરિત છે. અગાઉ, ઇન્સ્ટાગ્રામે ટિકટોકના ડ્યુએટ ફીચરને કોપી કરીને રીમિક્સ તરીકે લોન્ચ કર્યું હતું. આ ફીચરને ધીમે ધીમે દુનિયાભરમાં લોકપ્રિય કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. નવી અપડેટ જાહેર થતાં તે ફીચર ઉપયોગમાં આવતું થશે.