ઈન્સ્ટાગ્રામે લોન્ચ કરી વીડિયો એડિટિંગ એપ, યુઝર્સ માટે શોર્ટ વીડિયો બનાવવા સરળ થઈ જશે
Instagram New App: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ વીડિયો એડિટિંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ "એડિટ્સ" આપવામાં આવ્યું છે. આ એપ્લિકેશન લોન્ચ થઈ છે, પરંતુ એને રિલીઝ કરવામાં નથી આવી. મેટા કંપની દ્વારા તેમની પ્રોડક્ટમાં હવે વીડિયો એડિટીંગ એપ્લિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટિક-ટોકની સર્વિસ થઈ બંધ
બાઇટડાન્સ કંપનીની એપ્લિકેશન ટિક-ટોકની સર્વિસ અમેરિકામાં બંધ કરી દેવામાં આવી હતી. આ સર્વિસ બંધ કરવાનું કારણ એ હતું કે એને કોર્ટ દ્વારા બેન કરવામાં આવે તેવી ચર્ચા હતી. આ કારણે સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. બાઇટડાન્સની કંપનીની અન્ય એક વીડિયો એડિટીંગ સોફ્ટવેર કેપકટ પણ બંધ કરી દેવામાં આવી છે. આ બન્ને એપ્લિકેશનને એપ સ્ટોર પરથી પણ કાઢી નાખવામાં આવી છે. આ બન્ને એપ્લિકેશન બંધ થતાંની સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા એડિટીંગ એપ લોન્ચ કરવામાં આવી છે.
એડિટ્સ ફીચર
આ એડિટ્સ એપ એક વીડિયો એડિટીંગ એપ્લિકેશન છે, પરંતુ એ ફક્ત શોર્ટ વીડિયો માટે છે. આ એપ્લિકેશનમાં યુઝર વીડિયોને ક્રિએટ અને એડિટ કરી શકશે. આ સાથે જ એને સીધું ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી શકશે. શેર કર્યા બાદ એની વ્યુઝ અને દરેક એનાલિટિક્સને જોઈ પણ શકશે. આ વિશે ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ કહ્યું છે કે 'આ એપ્લિકેશન ડેસ્કટોપ એપ્સનો ઉપયોગ કરનારા માટે નથી. તેમ જ આ એપ્લિકેશન ટેમ્પ્લેટ્સનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે પણ નથી. આ એપ્લિકેશન ફક્ત અને ફક્ત શોર્ટ વીડિયો બનાવવા માગતા યુઝર્સ માટે જ છે.'
એડ્વાન્સ ફીચર
આ એડિટીંગ એપ્લિકેશનમાં એડ્વાન્સ ફીચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 1080p રિસોલ્યુશનમાં દસ મિનિટ સુધીનો પણ વીડિયો બનાવી શકાય છે. આ એપ્લિકેશનમાં AI એનિમેશન, જનરેટિવ કેપ્શન્સ અને ટેક્સ્ટ, સાઉન્ડ અને વોઇસ ઇફેક્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વીડિયોને વધુ સુંદર દેખાડવા માટે ફિલ્ટર્સ અને સ્ટીકર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સિક્યોરિટીની ઇશ્યૂ
એડિટ્સને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા દ્વારા બનાવવામાં આવી છે જ્યારે બાઇટડાન્સ દ્વારા કેપકટ બનાવવામાં આવી છે. જ્યારે કેપકટ પર સિક્યોરિટીના આરોપ લગાવવામાં આવ્યા હતા. ચીન માટે કંપની યુઝર્સના ડેટા ચોરી કરતી હોય એવો આરોપ લગાવવામાં આવ્યો છે. આથી રવિવારથી ટિક-ટોક અને કેપકટ બન્ને બંધ થઈ ગઈ હતી.