Get The App

ઇન્સ્ટાગ્રામ લઈને આવ્યું નવું AI એડિટીંગ ટૂલ્સ: બેકગ્રાઉન્ડની સાથે કપડાં પણ બદલી શકાશે, પરંતુ યુઝર્સે આપી મિશ્ર પ્રતિક્રિયા

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામ લઈને આવ્યું નવું AI એડિટીંગ ટૂલ્સ: બેકગ્રાઉન્ડની સાથે કપડાં પણ બદલી શકાશે, પરંતુ યુઝર્સે આપી મિશ્ર પ્રતિક્રિયા 1 - image


Instagram AI Video Edit Tool: ઇન્સ્ટાગ્રામ એક ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ હોવાની સાથે એનો ઉપયોગ મેસેજ કરવા, એટલે કે ચેટિંગ માટે પણ કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ એક એવું સોશિયલ મીડિયા છે, જેના પર ઘણાં બિઝનેસ પણ કરવામાં આવે છે. આ દરેક યુઝરને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટાગ્રામ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ છે AI એડિટીંગ ટૂલ્સ. આ ટૂલની મદદથી યુઝર જે રીતે વીડિયો બનાવે છે એમાં કાયાપલટ થઈ જશે. ઇન્સ્ટાગ્રામના બોસ એડમ મોસેરીએ આ વિશે હાલમાં જ જાહેરાત કરી છે. આ ફીચરથી ઘણાં યુઝર ખુશ છે તો ઘણા યુઝર નારાજ પણ છે. એડમ મોસેરીએ શેર કરેલા એક વીડિયોમાં આ ટૂલ્સ દ્વારા તેમના કપડાં પણ બદલી નાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બેકગ્રાઉન્ડ પણ બદલાઈ ગયું હતું અને પોતાનો એક અવતાર પણ ક્રિએટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે ગળામાં ચેઇન નહોતી પહેરી, તો પણ એનો પાછળથી ઉમેરી શકાઈ હતી.

Meta Movie Gen AIની કમાલ

મેટા કંપનીનું લાર્જ મોડલ Meta Movie Gen AI ખાસ કરીને વીડિયો બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ મોડલની મદદથી બનાવવામાં આવેલા વીડિયો એકદમ રિયલ લાગે છે. તેમ જ ટેક્સ્ટ દ્વારા પણ વીડિયો તૈયાર કરી શકાય છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલની ખાસિયત એ છે કે તેમાં દરેક વસ્તુ એકદમ રિયલ લાગે છે.

વીડિયોની એડિટીંગ માટે ઘણાં ટૂલ ઉપલબ્ધ

MetaAIની મદદથી વીડિયો એડિટીંગ ટૂલ ઇન્સ્ટાગ્રામ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જો કે આ એક માત્ર ટૂલ નથી. માર્કેટમાં આ સાથે જ ઘણાં ટૂલ છે. એડોબનું Firefly પણ આ સુવિધા પૂરી પાડે છે. આ સાથે જ OpenAIનું Sora પણ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ટેક્સ્ટ-ટુ-વીડિયોની સુવિધા છે. આ સાથે જ ઘણી એપ્લિકેશન્સ પણ છે જે આ પ્રકારના વીડિયો બનાવવા માટેની સુવિધા પૂરી પાડે છે.

વીડિયોની ટ્રેન્ડ બદલાશે

MetaAIનું કહેવું છે કે તેમનું આ સોફ્ટવેર અન્ય મોડલ કરતાં વધુ સારી રીતે કામ કરે છે. ઇન્સ્ટાગ્રામ દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંનું એક છે. આ પ્લેટફોર્મ પર વીડિયો એડિટિંગ ટૂલ્સ લોન્ચ કર્યા પછી મેટા કંપનીએ દાવો કર્યો છે કે તેમનું આ મોડલ અન્ય મોડલ કરતાં ખૂબ જ ઝડપથી કામ કરે છે. આ સાથે જ એ એકદમ સરળ હોવાથી વીડિયો શેર કરવામાં જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તેનો ટ્રેન્ડ બદલાઈ જશે. હવે દરેક વીડિયો એકદમ પ્રોફેશનલ જોવા મળશે. વીડિયો બનાવવા માટેની તમામ પ્રોસેસને આ ફીચર બદલી નાખશે. જે યુઝરને એડિટીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરતાં આવડતું નથી અને એમ છતાં જેના પાસે આઇડિયા છે, તે યુઝર હવે ખૂબ જ સરળતાથી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવી શકશે.

આ પણ વાંચો: MetaAIની સાથે હવે વોટ્સએપ પર ChatGPTનો ઉપયોગ કરી શકશો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

દરેક યુઝર ખુશ નથી

આ ફીચર એ લોકો માટે બેસ્ટ છે, જે લોકો તેમની કલ્પનાનો ઉપયોગ કરીને વીડિયો બનાવે છે. જો કે જે પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રિએટર્સ છે, જે તમામ વીડિયો શૂટ કરે છે અને કલાકો સુધી એડિટ કરીને પછી કન્ટેન્ટ શેર કરે છે, તે યુઝરને આ ફીચર પસંદ નથી પડ્યું. એડમ મોસેરીના વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે "એક વાત સાફ-સાફ કહું. શું તમે લોકોને ઓથેન્ટિક ન રહેવા માટે તૈયાર કરી રહ્યાં છો અને ફેક રિયાલિટી માટે આ ફીચર આપી રહ્યાં છો? એક નહીં, પરંતુ ઘણી રીતે જોવામાં આવે તો આ ખૂબ જ ખોટું છે." અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે "AIની મદદથી કોઈ વ્યક્તિ પેરિસના બેકગ્રાઉન્ડની સામે બેઠો હોય એમાં હવે શું ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે? આ એક બ્લુસ્ક્રીન જેવું ફીચર છે જેમાં કંઈ પણ કરી શકાય છે. એમાં મજા નહીં આવે." આ સાથે જ ઘણાં લોકોએ AIનો ઉપયોગ ન કરવા અને એ નથી પસંદ જેવી કમેન્ટ પણ કરી છે.


Google NewsGoogle News