Get The App

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ISRO દેશની સરહદે નજર રાખવા 52 મિલિટરી સેટેલાઇટ લોન્ચ કરશે

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ISRO દેશની સરહદે નજર રાખવા 52 મિલિટરી સેટેલાઇટ લોન્ચ કરશે 1 - image


ISRO News : ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવવાના હેતુસર 52 મિલિટરી સેટેલાઇટ્સ તરતા મૂકવાનો અતિ મહત્વનો  નિર્ણય  કર્યો  છે. આ તમામ 52 મિલિટરી સેટેલાઈટ્સ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) દ્વારા તૈયાર થશે. 

ભારતના  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)  જનરલ અનિલ  ચૌહાણે  આ માહિતી મનોહર પર્રિકર ઇન્સ્ટિટયુટ ઓફ  ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલીસીસ(નવી દિલ્હી)માં યોજાયેલા  સમારોહમાં આપી છે. 

જનરલ અનિલ ચૌહાણે ભારત સરકારના આ મહત્વના નિર્ણયની વધુ વિગતો આપતાં કહ્યું છે કે  બાવન મિલિટરી સેટેલાઇટ્સ તરતા મૂકવાનો મૂળ હેતુ  દેશનાં લશ્કરી દળો માટે માર્ગદર્શક  નીતિ તૈયાર કરવાનો છે. આવી માર્ગદર્શક નીતિ આવતા ત્રણ મહિનામાં તૈયાર થઇ જશે.આ મહત્વના નિર્ણયથી અને માર્ગદર્શક નીતિથી ભારત સ્પેસ પાવર બનવાની દિશામાં  બહુ ઝડપભેર આગળ વધશે.

આ તમામ 52 મિલિટરી સેટેલાઇટ્સ ઇસરો ખાનગી ક્ષેત્રને સાથે રાખીને તૈયાર કરશે. વળી, આ મહત્વના નિર્ણયથી ઇસરો અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો સહકાર વધુ મજબૂત થશે. 

આ મિલિટરી સેટેલાસટ્સની મદદથી ભારતીય  લશ્કર  સરહદ નજીક  અને તેની  પેલે પાર  થતી શંકાસ્પદ ગતિવિધિ, હિલચાલ, જોખમી પ્રવૃત્તિ વગેરેની સચોટ અને ઉપયોગી માહિતી મેળવી શકશે. પાકું પગેરું મેળવી શકશે. રાષ્ટ્રની સુરક્ષા માટે  આવી તમામ ઉપયોગી  બાતમી મેળવવા મિલિટરી સેટેલાઇટ્સ તરતા  મૂકવા જરૂરી છે. આ હેતુ માટે  અંતરિક્ષ સૌથી ઉત્તમ અને એક માત્ર હાઇ ગ્રાઉન્ડ છે.   

 આ તમામ મિલિટરી સેટેલાઇટ્સ પૃથ્વીની  લો અર્થ ઓર્બિટ(એલઇઓ), મિડિયમ અર્થ ઓર્બિટ(એમઇઓ), અને શક્ય હશે તો જીયોસ્ટેશનરી ઓર્બિટ(જીઇઓ) એમ જુદી જુદી  ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવશે.સાથોસાથ  તેમાં અત્યાધુનિક ટેકનોલોજીનાં સેન્સર્સ, હાઇ ઇમિજિંગ સિસ્ટમ્સ અને શકય હશે તો સિન્થેટિક એપેર્ચર  રાડાર જેવાં વૈજ્ઞાનિક ઉપકરણો ગોઠવવામાં આવશે. મહત્વની બાબત તો એ છે કે આ તમામ વૈજ્ઞાનિક ઉપકરણો બધી મોસમમાં અને સતત 24 કલાક કાર્યરત રહી શકશે.

આવી આધુનિક ટેકનોલોજીથી ભારત તેની પાકિસ્તાન અને ચીન સાથેની સરહદ પર અને હિન્દ મહાસાગરમાં ક્યાં -- શું થઇ રહ્યું છે તેની સચોટ માહિતી મેળવી શકશે. ખાસ કરીને હાયપરસોનિક મિઝાઇલ્સનો અને માનવવિહીન એરિયલ સિસ્ટમ જેવાં જોખમોનો મજબૂત સામનો પણ કરી શકશે.

Tags :