ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ: ન્યુ પમબન બ્રિજ કેવી રીતે કાર્ય કરશે?
India's First Verticle Sea Bridge: ભારતમાં પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ, એટલે કે એવો બ્રિજ જેને ઊભું ખોલવામાં આવે છે, તે તમિલનાડુમાં આવેલો છે. આ બ્રિજ ભારતમાં રામેશ્વરમ આઇલેન્ડને જોડે છે. રામેશ્વરમ પણ ભારતનો જ એક ભાગ છે, પરંતુ ત્યાં જવા માટે આ બ્રિજનો ઉપયોગ થાય છે. આ બ્રિજનું નામ ન્યુ પમબન બ્રિજ છે. 2025ની 6 એપ્રિલ, એટલે કે રામનવમીના દિવસે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બ્રિજની સૌથી મહત્ત્વની વાત એ છે કે તેને ઊભું કરીને ખોલવામાં આવે છે.
રામેશ્વરમ હિન્દુઓનું પવિત્ર ધાર્મિક સ્થળ છે. શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક અહીં સ્થિત છે. ભગવાન રામ દ્વારા પણ અહીં પૂજા કરવામાં આવી હતી. આથી, હિન્દુઓ માટે આ જગ્યા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
કેવી રીતે કામ કરશે આ બ્રિજ?
નવા પમબન બ્રિજમાં વર્ટિકલ લિફ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલાંના બ્રિજમાં ફિક્સ પોઈન્ટ દ્વારા ફરતો બ્રિજ બનાવવામાં આવતો હતો, જ્યારે આ નવા બ્રિજમાં મધ્યનો ભાગ સીધો ઊભો થશે. બે કિલોમિટર લાંબા બ્રિજમાં વચ્ચેનો ભાગ 22 મીટર સુધી ઊંચો થઈ શકે છે. મોટા જહાજો અને શિપ્સ આરામથી બ્રિજની નીચે પસાર થઈ શકે, તે માટે આ ડિઝાઇન અપનાવવામાં આવી છે. બ્રિજને ઊભું કરવા માટે ઇલેક્ટ્રો-મેકેનિકલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફક્ત 5 મિનિટમાં લિફ્ટ સિસ્ટમ ઊભી કરી દે છે. જો હવાની ઝડપ 58 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ હોય, તો આ બ્રિજ ખોલી શકાય તેમ નથી, અને ભારતના ચોક્કસ મહીનાઓમાં આ હવામાન પરિસ્થિતિ જોવા મળે છે.
આ બ્રિજની ખાસિયતો
રેલવે કનેક્ટિવિટીમાં સુધારો: આ બ્રિજ પર બે ટ્રેક છે અને તે હાઇ-સ્પીડ ટ્રેનો માટે ઉચિત છે. 2022માં જૂના બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો.
અદભુત ડિઝાઇન: જ્યારે બ્રિજ ખોલવામાં આવે છે ત્યારે તેનો વજન બેલેન્સ કરવામાં આવે છે, જેથી તે સલામત અને ટકાઉ બને છે.
સમયનો બચાવ: પૂર્વના બ્રિજમાં ટ્રેન પસાર થવામાં 25-30 મિનિટનો સમય લાગતો હતો, જ્યારે આ નવા બ્રિજ પર 5 મિનિટમાં ટ્રેન પસાર થઈ શકે છે.
ખર્ચ: આ બ્રિજને રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ₹279.63 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, અને તેનું નિર્માણ 2019ના નવેમ્બરથી શરૂ થયું હતું.
આ પણ વાંચો: કઈ રીતે ફોટોઝમાં ઘિબ્લી ઇફેક્ટ આપી શકાય? લોકોને AIના નવા ફીચરનું ઘેલું લાગ્યું
બ્રિજનું મહત્વ
ન્યુ પમબન બ્રિજ ફક્ત એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી; તે ભારતીય એન્જિનિયરિંગની શક્તિ અને ક્ષમતા દર્શાવતું પ્રતીક છે. તે રેલવે અને જહાજો બંને માટે અનુકૂળ વ્યવસ્થા પૂરી પાડે છે. રામેશ્વરમમાં હિન્દુ તીર્થયાત્રા માટે આ બ્રિજનો ઉપયોગ શ્રદ્ધાળુઓને સરળતા આપવા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. સાથે સાથે, ટુરિઝમ અને શ્રદ્ધાળુઓની અવરજવર વધવાથી રામેશ્વરમનું વ્યાપક વિકાસ થશે.