IndiaAI મિશનનો માર્ગ મુશ્કેલીમાં: GPU આઉટડેટેડ આપવામાં આવી રહ્યા હોવાની સ્ટાર્ટ-અપ કંપનીઓની ફરિયાદ
IndiaAI Mission in Problem: ઈલોન મસ્ક દ્વારા ગ્રોક 3ને લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ IndiaAIને લઈને ચિંતાનો વિષય ઊભો થયો છે. ઇન્ડિયન સ્ટાર્ટ-અપ દ્વારા સરકારને લઈને ઘણાં સવાલ કરવામાં આવી રહ્યા છે. IndiaAI મિશન માટે સ્ટાર્ટ-અપ કંપનીઓને જે ટાસ્ક આપવામાં આવ્યો છે એ માટે જૂના અને આઉટડેટેડ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) આપવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, કેટલાક ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા NVIDIA A100 GPU આપવામાં આવી રહ્યા છે. આ GPUને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ એન્ડ-ઑફ-લાઇફ જાહેર કરી દેવામાં આવ્યા હતા. એટલે કે હવે આ પ્રોસેસરને બનાવવામાં નહીં આવે અને એનો સપોર્ટ પણ આપવામાં નહીં આવે. આથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને લાંબા ગાળે એની પર શું અસર પડશે એને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
એક્સપર્ટનું શું કહેવું છે?
IndiaAIને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્ટાર્ટ-અપ કંપનીઓનું માનવું છે કે આઉટડેટેડ પ્રોસેસરનો ઉપયોગ કરવાથી થોડા વર્ષમાં ફરી એને બદલવાનો સમય આવી જશે અને હાલ એ જોઈએ એવું પર્ફોર્મ નહીં કરી શકે. જોકે, એક્સપર્ટનું માનવું થોડું અલગ છે. કેટલાક પ્રોસેસરને ઓરિજિનલ કંપની દ્વારા બનાવવાનું બંધ કરી દેવામાં આવે છે, પરંતુ તેમ છતાં આ પ્રકારના GPU ક્લાઉડ પ્રોવાઇડર્સ પાસેથી મળી રહે છે, કારણ કે જે પ્રોસેસર સારું પર્ફોર્મ કરતાં હોય એને તેમણે સાચવી રાખ્યા હોય છે. AIની દુનિયામાં NVIDIA A100 GPUને હજી પણ પાવરફુલ માનવામાં આવે છે. AIને પ્રોસેસ કરવા માટે હંમેશાં લેટેસ્ટ હાર્ડવેરની જરૂર નથી હોતી. જૂના પ્રોસેસર પણ સારું પર્ફોર્મ કરી શકે છે અને સામાન્ય ટાસ્ક પૂરા કરી શકે છે.
પૈસાને લઈને પણ ચિંતા
આઉટડેટેડ GPU ડિસ્કાઉન્ટમાં મળી રહે છે. જો એમાં કોઈ ખરાબી આવી અથવા તો એ બગડી ગયા તો એની જગ્યાએ સેમ GPU મળવું મુશ્કેલ છે. તેમ જ આ GPUને કંપની રિપ્લેસ પણ નહીં કરે અને રિપેર પણ નહીં કરે. આ સાથે જ સ્ટાર્ટ-અપ કંપનીઓને મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજીની પોલિસી સમજમાં નથી આવી રહી. સરકાર દ્વારા સારું પર્ફોર્મન્સ આપતા GPU પર નહીં, પરંતુ A100 માટે વધુ સબસિડી આપવામાં આવી રહી છે. આ પાછળનું લોજિક કોઈની પણ સમજની બહાર છે.
આ પણ વાંચો: ગૂગલને દંડ કર્યો રશિયાએ: રશિયન સૈનિકોએ કેવી રીતે સરન્ડર કરવું એ વીડિયોને લઈને થઈ બબાલ
હાઇ-પરફોર્મન્સ GPU માટે વધુ સબસિડીની જરૂર
NVIDIA A100 40GB GPUની ઓન-ડિમાન્ડ કિંમત 136 રૂપિયા છે અને રિઝર્વેશન માટે એક મહિના માટે 89 રૂપિયા ચૂકવવા પડે છે. આ કિંમત એક કલાક દીઠ છે. એટલે કે એક પ્રોસેસર માટે એક કલાકના આટલા રૂપિયા ચૂકવવા પડે છે. આ માટે સરકાર એક યુનિટ માટે 54 રૂપિયાની સબસિડી આપે છે. આ સબસિડી ફક્ત A100 માટે આટલી છે. આ વર્ઝનથી નવા વર્ઝનના અથવા વધુ પાવરફુલ GPU માટે ફક્ત 28 રૂપિયા ચૂકવવામાં આવે છે. આ GPU ખૂબ જ મોંઘા આવતા હોવાથી ક્લાઉડ કંપનીઓ તેમને ભાડા પર આપે છે. લાંબા સમય માટે, એટલે કે બે-ત્રણ વર્ષ માટે રિઝર્વેશન કરવામાં આવ્યું હોય તો સરકાર A100 GPU માટે યુનિટ દીઠ ફક્ત 34 અને અન્ય મોડલ માટે 23.6 રૂપિયાની સબસિડી આપે છે. આથી IndiaAI મિશનને વધુ પાવરફુલ અને સફળ બનાવવા માટે સબસિડીની પ્રોસેસમાં સુધારા કરવા જરૂરી છે એવું સ્ટાર્ટ-અપ કંપનીઓનું માનવું છે.