Get The App

ભારતીય વિજ્ઞાનીઓએ દરિયાના પેટાળમાં હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ ફિલ્ડ શોધી કાઢ્યું

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
ભારતીય વિજ્ઞાનીઓએ દરિયાના પેટાળમાં હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ ફિલ્ડ શોધી કાઢ્યું 1 - image


- ઓસન મિનરલ એક્સપ્લોરર નામના વાહને દરિયાના પેટાળમાં ડૂબકી મારી

- આ હાઇડ્રોથર્મલ  સલ્ફાઇડ ફિલ્ડમાં સોનું-ચાંદી અને તાંબા જેવી મૂલ્યવાન ધાતુઓ ધરબાયેલી હોઇ શકે છે

નવી દિલ્હી : નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓસન ટેકનોલોજી-એનઆઇઓટીે-અને નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓસન રિચર્સના વિજ્ઞાનીઓની ટીમે દરિયાના પેટાળમાં ૪૫૦૦ મીટર ઉંડે સફળ સંશોધન કરી હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ ફિલ્ડની શોધ કરી તેનું હાઇ રેઝોલ્યુશન ઇમેજિંગ કર્યું છે. આ ફિલ્ડ દક્ષિણ ભારતીય સમુદ્રમાં સેન્ટ્રલ અને સાઉથવેસ્ટ ઇન્ડિયન ગિરિમાળામાં આવેલું છે. 

 આ ચોક્કસ સ્થળે હાથ ધરવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ સંશોધન સાગરનિધિ નામના જહાજ દ્વારા ડિસેમ્બર ૨૦૨૪માં કરવામાં આવ્યું છે. એનઆઇઓટી દ્વારા વિકસાવવામાં આવેલાં ઓસન  મિનરલ એક્સપ્લોરર-ઓએમઇ૬૦૦૦ નામના પાણીની અંદર આપોઆપ સંચાલિત થતાં વાહન દ્વારા ડો. એન.આર. રમેશની આગેવાની હેઠળની ટીમે આ હાઇડ્રોથર્મલ વેન્ટ્સના ડેટા મેળવ્યા છે અને તેની ઘનિષ્ઠ તસવીરો ઝડપી છે. આ સ્થળ ખનિજોના જથ્થાની અદ્વિતિય ઇકોસિસ્ટમ માટે જાણીતું છે. આ ખનિજોનો જથ્થો વૈજ્ઞાનિક સંશોધન અને સંભવિત ખનન માટે પણ મહત્વપૂર્ણ ગણાય છે. 

વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતાના કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે આવા સંશોધનના મહત્વ પર ભાર મુકતાં જણાવ્યું હતું કે ભારતના ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા દરિયાના પેટાળમાં આ પ્રકારના સંશોધનો મહત્વના પુરવાર થશે. જે ભારતના આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણીય જાળવણીના ધ્યેયોને સિદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ ફિલ્ડ એટલા માટે મહત્વનું છે કે તેમાં સોનું-ચાંદી અને તાંબા જેવી મૂલ્યવાન ધાતુઓ ધરબાયેલી હોઇ શકે છે. 

ભારતનું આગામી સમુદ્રયાન મિશન દરિયાની સપાટીથી ૬૦૦૦ મીટરની ઉંડાઇએ જવાનું ધ્યેય ધરાવે છે. આ મિશનના તારણો આ આગામી મિશન માટે મહત્વના બની રહેશે. મરીન ઇકોસિસ્ટમની સંકુલ રચના સમજવામાં આ સંશોધન એક મહત્વનું કદમ બની રહેશે. ભારત દરિયાના પેટાળમાં સંશોધન કરવાની તેની ક્ષમતાઓ સતત વિકસાવતું રહેશે. જેથી ભાવિ પેઢીઓને તેનો લાભ મળી શકે. 


Google NewsGoogle News