Get The App

ટૂંક સમયમાં આવી રહી છે ભારતીય રેલવેની નવી સુપર એપ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ટૂંક સમયમાં આવી રહી છે ભારતીય રેલવેની નવી સુપર એપ 1 - image


આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં ભારતીય રેલવે આપણને એક નવી ‘સુપર એપ’ની ભેટ આપે તેવી શક્યતા છે.

આમ જુઓ તો ભારતીય રેલવેની હાલની વ્યવસ્થા પણ સુપર એપથી કંઈ કમ નથી. રેલવેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ રોજેરોજ લગભગ પાંચ કરોડ પેસેન્જરને આવરી લેતાં એકાદ કરોડ ટ્રાન્ઝેકશન સંભાળે છે. આઇઆરસીટીસીની વેબસાઇટ તથા મોબાઇલ એપ પર રોજેરોજ સરેરાશ ૧૧.૪૪ લાખ ટિકિટ વેચાતી હોય છે. હજી ગયા વર્ષ સુધી રેલવેની સિસ્ટમ દર મિનિટે ૨૫ હજાર ટિકિટનું બુકિંગ સંભાળી શકતી હતી. પરંતુ ગયા વર્ષે તેમાં જબરો વધારો કરીને દર મિનિટે ૨.૨૫ લાખ ટિકીટનું હેન્ડલિંગ કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી છે.

જોકે રેલવે સંબંધિત જુદી જુદી બાબતો હાલમાં જુદાં જુદાં પ્લેટફોર્મ તથા જુદી જુદી વેબસાઇટ કે એપની મદદથી હેન્ડલ કરવામાં આવે છે. હવે એ બધું જ એક જ પ્લેટફોર્મ અને એક જ એપમાં આવરી લેવામાં આવશે.

આ માટે ભારતીય રેલવે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ના સાથામાં એક નવી સુપર એપ વિક્સાવી રહી છે. આપણે નવી એપ પર ટિકીટ બુક કરાવી શકીશું, પ્લેટફોર્મ પાસ ખરીદી શકીશું. ટ્રેનના શેડ્યુલ મોનિટર કરી શકીશું તથા ચાલતી ટ્રેનમાં ફૂડ ડિલિવરી માટે ઓર્ડર પણ આપી શકીશું. તેની સાથોસાથ રેલવે સંબંધિત સહાય કે સૂચન માટે ‘રેલ મદદ’, અનરિઝર્વ્ડ ટિકિટ માટેની ‘યુટીએસ’ વ્યવસ્થા તથા નેશનલ ટ્રેન ઇન્કવાયરી સિસ્ટમ પણ આ એક એપમાં આવરી લેવામાં આવશે.


Google NewsGoogle News