મૂળ ભારતના બ્રિટિશ યૂટ્યુબરે બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, 6.74 ફૂટનો બનાવ્યો ‘બિગ આઇફોન’
Guinness World Record For Biggest iPhone: મૂળ ભારતના બ્રિટિશ યૂટ્યુબર અરુણ રૂપેશ મૈનીએ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ તેને દુનિયાનો સૌથી મોટો મોબાઇલ બનાવવા માટે મળ્યો છે. તેણે 6.74 ફૂટનો આઇફોન 15 પ્રો મેક્સ બનાવ્યો છે. એપલનો આઇફોન 15 પ્રો મેક્સની સાઇઝ 6.7 ઇંચ (ડાયોગ્નલ), પરંતુ અરુણે ઇંચમાં નહીં, પરંતુ 6.7 ફૂટનો આઇફોન બનાવ્યો છે. આ આઇફોન તેણે જાતે બનાવ્યો છે અને એ બનાવવા માટે તેને 70,630 ડોલર એટલે કે 59.32 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
કેમ બનાવ્યો આ ‘બિગ આઇફોન’?
આ આઇફોન બનાવવાનું કારણ ખૂબ જ અલગ છે. યૂટ્યુબ પર ‘મિસ્ટર વોઝ ધ બોઝ’ નામની ચેનલ ચલવતા અરુણના ઘણાં સબસ્ક્રાઇબર છે. તે ટેક્નોલોજીને લગતાં વિડિયો બનાવે છે. તેના સબસ્ક્રાઇબર્સ એપલની ચેનલ કરતાં વધુ હોવાથી તેણે એને સેલિબ્રેટ કરવા માટે એક અલગ જ ચેલેન્જ હાથમાં લીધી હતી. આ એક એવી ચેલેન્જ હતી જેના માટે તેણે ઘણી અશક્ય વસ્તુઓને શક્ય બનાવવી પડે એમ હતું. આ માટે તેણે મેથ્યુ પર્ક્સની મદદ લીધી હતી જે દરેક વસ્તુનો પોતાની જાતે બનાવવા માટે જાણીતો છે. તેમણે બન્નેએ મળીને ‘બિગ આઇફોન’ બનાવ્યો છે. આ આઇફોન બનાવવાની સાથે એ સંપૂર્ણ પણે કાર્ય કરે એ પણ જરૂરી છે. તેમ જ એના તમામ ફીચર પણ કામ કરવા જરૂરી છે તો જ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ સામેલ થઈ શકે છે.
બે ઓપરેટિંગ સિસ્ટમ
આ આઇફોન બનાવવા માટે અરુણને સૌથી મોટે ચેલેન્જ ઓપરેટિંગ સિસ્ટમની પડી હતી. આઇફોનની iOS ફક્ત આઇફોનમાં જ યુઝ કરી શકાય છે. આથી એને કસ્ટમાઇઝ નથી કરી શકાતી. આ માટે અરુણે એન્ડ્રોઇડનો ઉપયોગ કર્યો હતો. એન્ડ્રોઇડની મદદથી તેણે દરેક આઇકોનને એ રીતે ડિઝાઇન કર્યા હતા કે એ આઇફોન જેવા દેખાઈ. આ મોબાઇલમાં ચાર ટેરા બાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટોરેજના બે પાર્ટીશન પાડવામાં આવ્યાં છે. બે ટેરા બાઇટમાં એન્ડ્રોઇડ અને બે ટેરાબાઇટમાં વિન્ડોઝનો ઉપયોગ કરી શકાશે. વિન્ડોઝનો ઉપયોગ ગેમ રમવા માટે કરી શકાય છે.
આ પણ વાંચો: અમેરિકાને પાછળ છોડ્યુ ભારતે, બન્યું દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું 5G મોબાઇલ માર્કેટ
શું છે ફીચર્સ?
88 ઇંચના એલજી ટીવીની ડિસ્પ્લેમાંથી આ ‘બિગ આઇફોન’ની ડિસ્પ્લે બનાવવામાં આવી છે. કેનન EOS R5 મેઇન કેમેરા અને સોની RX માર્ક 4 કેમેરાનો ઉપયોગ ઝૂમ કરવા માટે કર્યો છે. 8K વિડિયો રેકોર્ડ ક્વોલિટી અને 25x ઓપ્ટિકલ ઝૂમ કરી શકાશે. 128 જીબી રેમ ધરાવતા આ ‘બિગ આઇફોન’માં આઠ સ્પીકર્સ છે. આ દરેક સ્પીકર્સ 50-50 Wattના છે. 400 વોટ્સની ફ્લેશ લાઇટ ધરાવતા આ ‘બિગ આઇફોન’માં યુએસબી સી પ્રો મેક્સ ચાર્જર છે. આ ચાર્જર પણ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું યુએસબી સી પોર્ટ છે.
શું કહ્યું અરુણે?
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ મળતાં અરુણે કહ્યું, ‘હું જ્યારે નાનો હતો ત્યારે કલાકો સુધી લાઇબ્રેરીમાં બેસીને લેટેસ્ટ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ વિશે વાંચતો હતો. આથી આ અવોર્ડ મળવો મારા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. લાઇફ એક સર્કલ જેવી છે, ફરીને એ વસ્તુ ફરી તમાર પાસે જ આવે છે. મને હાલમાં એ જ ફીલ થઈ રહ્યું છે. મને મારી ટીમ અને મેથ્યુ પર ખૂબ જ ગર્વ છે કે અમે અગાઉ ક્યારેય નહીં કર્યું હોય એવું કરીને દેખાડ્યું છે.’