મસ્કનું ગ્રોક AI: સ્માર્ટ કે વિવાદાસ્પદ?
Grok Under Radar Of Indian Government: મોદી સરકાર દ્વારા હાલમાં ઇલોન મસ્કના ગ્રોક AI પર નજર રાખવામાં આવી રહી છે. ગ્રોક AI હાલમાં તેની ભાષાને લઈને ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ વાઇરલ થઈ રહ્યું છે. ઇલોન મસ્કે જ્યારે તેનું AI લોન્ચ કર્યું હતું ત્યારે તેને "સ્માર્ટ સ્કેરી AI" કહેવામાં આવ્યું હતું. જોકે આ AI ખરેખર સ્માર્ટ છે કે વિવાદાસ્પદ એ એક સવાલ છે. આ સ્માર્ટ સ્કેરી AI તેના જવાબમાં હિન્દી ભાષામાં આપતી વખતે અપશબ્દનો ઉપયોગ કરે છે. કોઈ પણ ઇશ્યુ હોય, તે ખુલ્લેઆમ જવાબો આપે છે. આ કારણસર સરકાર હવે ગ્રોક AI વિશે તપાસ કરી રહી છે.
ઇલોન મસ્કનું ગ્રોક AI
ઇલોન મસ્કની કંપની દ્વારા ગ્રોકને 2023માં બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને અત્યાર સુધી ટ્રેઇન કરવામાં આવ્યું હતું અને ગ્રોક 3ને હાલમાં જ જાહેર જનતા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ વર્ઝન ખૂબ જ અપગ્રેડેડ છે અને મનુષ્યની જેમ જ વાત કરે છે. ChatGPT અને ગૂગલ જેમિની જેવા અન્ય AIને માર્કેટમાં ટક્કર આપવા માટે ઇલોન મસ્ક દ્વારા ગ્રોકને બનાવવામાં આવ્યું હતું.
બિન્દાસ જવાબ પડ્યા ભારે
ઇલોન મસ્ક સોશિયલ મીડિયા પર તેના બિન્દાસ જવાબ માટે જાણીતો છે. તેમ જ તેના વિચારો પણ ખૂબ જ સ્પષ્ટ હોય છે. એ સાચા હોય કે ખોટા એ અલગ વિષય છે, પરંતુ તે વ્યક્ત જરૂર કરે છે. તેની આ ગુણવત્તાનો સમાવેશ ગ્રોકમાં કરવામાં આવ્યો છે. ગ્રોક તેના જવાબોને લઈને ચર્ચામાં છે. તે ખૂબ જ બિન્દાસ જવાબ આપે છે અને આ જવાબમાં અપશબ્દનો પણ ઉપયોગ કરે છે. ઘણી વાર તે એવા શબ્દોનો ઉપયોગ કરે છે જે ન કરવા જોઈએ. તેનો આ બિન્દાસ સ્વભાવ હવે તેને ભારે પડી રહ્યો છે.
આ પણ વાંચો: કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને...
સરકારની રડાર પર
ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટ્રી હાલમાં X સાથે સંપર્કમાં છે. સોશિયલ મીડિયા પર જે રીતે ગ્રોક ચર્ચામાં છે, તેને જોઈને સરકારની આંખ ખુલી ગઈ છે. ગ્રોક દ્વારા મહારાષ્ટ્રમાં થયેલા કોમી રમખાણ હોય કે પછી કોઈ પણ રાજકારણી હોય, દરેક વિશે ખુલ્લેઆમ જવાબ આપવામાં આવે છે. આથી સરકારે ઇલોન મસ્કની કંપની પાસે જવાબ માગ્યો છે કે આવું કેમ થઈ રહ્યું છે અને શું કારણ છે કે ગ્રોક આ પ્રકારના જવાબ આપે છે. આ વિશે હવે કંપની શું જવાબ આપે તે જોવું રહ્યું.
સ્માર્ટ કે વિવાદાસ્પદ?
ઇલોન મસ્કના AI ગ્રોકને ખૂબ જ ટ્રેઇનિંગ આપવામાં આવી છે. આ માટે તેને ખૂબ જ ડેટા આપવામાં આવ્યાં છે. આ ડેટાના આધારે ગ્રોક જવાબ આપે છે. આથી એને જે પ્રમાણે સવાલ પૂછવામાં આવે છે એ મુજબ એ જવાબ આપે છે. ટેક્નોલોજી અને AIની દુનિયામાં એને સ્માર્ટ કહેવામાં આવી રહ્યું છે. જોકે સામાન્ય લોકો ખાસ કરીને એવા લોકો જેઓ કોઈ પણ જાતની ટીકા ન સ્વિકારી શકતા હોય તેમના માટે આ વિવાદાસ્પદ હોઈ શકે છે.