ભારતમાં ગૂગલને લઈને મોટો નિર્ણય: એન્ડ્રોઇડ ટીવી માટેના નિયમોમાં બદલાવ અને 20 કરોડનો દંડ
Android TV Rules in India: ભારત દ્વારા ગૂગલને મોટો ઝટકો અપાયો છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે નિર્ણય લીધો છે કે એન્ડ્રોઇડ ટીવીમાં પહેલેથી ઇન્સ્ટોલ થયેલી ઍપ્લિકેશન્સ પૂરી પાડવી હવે ફરજિયાત નહીં રહે.
ગૂગલ પર આરોપ અને તેનો ચુકાદો
દુનિયાભરના અનેક દેશોએ ગૂગલ પર આરોપ લગાવ્યો છે કે તે માર્કેટમાં પોતાની મોનોપોલી સ્થાપિત રાખે છે, જેથી હરીફાઈ થવા માટે તક મળતી નથી. આ માટે ઘણા એન્ટી-ટ્રસ્ટ કેસો ચાલી રહ્યા છે. ભારતમાં પણ એક કેસ ચાલી રહ્યો હતો, જેનો ચુકાદો હવે આવી ગયો છે. કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ગૂગલ તેની મોનોપોલીનો ખોટી રીતે ઉપયોગ કરે છે. તે યુઝર્સને તેના ડિફોલ્ટ ઍપ્લિકેશન્સ જ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે, અને તેઓને અન્ય વિકલ્પ પસંદ કરવા માટે તક આપતું નથી. આથી, ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ચુકાદો આપ્યો છે કે હવે એન્ડ્રોઇડ ટીવી મેન્યુફેક્ચર્સ માટે ગૂગલની ડિફોલ્ટ ઍપ્લિકેશન્સ પૂરી પાડવી ફરજિયાત નહીં રહે.
લાયસન્સ માટેના નવા નિયમો
ગૂગલે "ન્યુ ઇન્ડિયા એગ્રીમેન્ટ" નામના નવા નિયમો રજૂ કર્યા છે. આ નિયમોને અનુરૂપ, ગૂગલ એન્ડ્રોઇડ ટીવી માટે અલગ લાયસન્સ રજૂ કરશે, જેમાં પ્લે સ્ટોર અને પ્લે સર્વિસનો સમાવેશ થાય છે.
નવા નિયમોના કારણે થયેલા બદલાવ
ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના મતે, હવે કેટલાક જૂના નિયમો દૂર કરવામાં આવશે. અગાઉની શરતો અનુસાર, એન્ડ્રોઇડ ટીવીમાં ડિફોલ્ટ ઍપ્લિકેશન્સ જેમ કે ગૂગલ ક્રોમ હોવું ફરજિયાત હતું. હવે, નવી ગાઇડલાઇન હેઠળ, ગૂગલ દરેક મેન્યુફેક્ચરને લેટર મોકલીને જણાવશે કે ડિફોલ્ટ એપ્સ ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નથી.
20 કરોડનો દંડ
આ નીતિના અમલ હેઠળ, ગૂગલ પર 20.2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગૂગલે આ રકમ ચૂકવવાની તૈયારી બતાવી છે. ગૂગલ પર પહેલેથી વધારે દંડ લાગુ પડ્યો હતો, પરંતુ વિનંતિના આધારે તેમાં 15%ની છૂટ આપવામાં આવી, જેનાથી તે રકમ 20.2 કરોડ થઈ.
અમેરિકામાં પણ ચાલી રહ્યો છે કેસ
ગૂગલ વિરુદ્ધ અમેરિકામાં પણ એન્ટી-ટ્રસ્ટ કેસ ચાલી રહ્યો છે. ગૂગલ પર આરોપ છે કે તે ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ માર્કેટમાં પોતાની મોનોપોલીનો ખોટી રીતે ઉપયોગ કરે છે, જે અન્ય કંપનીઓ માટે મુશ્કેલી પેદા કરે છે.