Explainer: ભારતીય સેનાને મળેલા અત્યાધુનિક ડ્રોન ‘નાગસ્ત્ર’ કેવા છે, જાણો તેની ખાસિયતો
India's Suicide Drone Nagastra-1: ભારતીય સેનાને એવું હથિયાર મળી ગયું છે, જેનાથી ચીન અને પાકિસ્તાનની ઊંઘ હરામ થઇ ગઈ છે. ભારતીય સેનાને સ્વદેશી આત્મઘાતી ડ્રોન 'નાગસ્ત્ર-1'ની પહેલી બેચ મળી ગઈ છે. આ માનવ રહિત ડ્રોન (UAV) 'નાગસ્ત્ર-1'ની ડિઝાઇન અને નિર્માણનું કાર્ય નાગપુર સ્થિત સોલર ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની ઇકોનોમિક્સ એક્સપ્લોસિવ્સ લિમિટેડ (EEL) અને ઝેડ-મોશન બેંગ્લોરના સહયોગથી થયું છે. આ ડ્રોનને લોઇટરિંગ મ્યુનિશન વેપન્સની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે, કારણ કે તે હવામાં ઉડતી વખતે તેના લક્ષ્યને સચોટ રીતે મારવામાં સક્ષમ છે.
શું છે 'નાગસ્ત્ર-1'ની ખાસિયત?
'નાગસ્ત્ર-1'ની મોટી ખાસિયત એ છે કે જવાનોના જીવનને જોખમમાં રાખ્યા વગર સહેલાઈથી દુશ્મનના ટ્રેનિંગ કેંપ અને લોન્ચ પેડ પર હુમલો કરે છે. 'નાગસ્ત્ર-1' એક આત્મઘાતી ડ્રોન છે. જેથી તેની ખાસિયત છે કે તે લક્ષ્યને શોધી નષ્ઠ કરી દે છે, અને પોતે પણ નષ્ઠ થઇ જાય છે. નાગસ્ત્ર-1માં ખાસ 'કામિકેઝ મોડ' અને જીપીએસ છે, જેના દ્વારા તે લક્ષ્યને શોધીને તેની સાથે અથડાયા બાદ તેનો નાશ કરે છે. 'નાગસ્ત્ર-1'ને બનાવવામાં 75 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે.
9 કિલો વજની છે નાગસ્ત્ર-1
નાગસ્ત્ર-1નો વજન 9 કિલો છે. તેને ખાસ કરીને આર્મીની સુવિધા અને કામગીરીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તે 4500 મીટરની ઉંચાઈ સુધી ઉડી શકે છે. તેમાં લાગેલા ઈલેક્ટ્રિકલ પ્રોપલ્સન સિસ્ટમને કારણે તેના અવાજની ખબર પડતી નથી. ઓટો મોડમાં તે મહત્તમ 30 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે. તે લક્ષ્ય ઉપર 60 મિનિટ સુધી સતત ઉડી શકે છે. પોતાની સાથે 1 કિલો સુધી હથિયારોનો જથ્થાને લઈ જઈ શકે છે.
નાઈટ વિઝન કેમેરાથી સજજ
નાગસ્ત્ર-1 ડ્રોનમાં નાઈટ વિજન કેમેરા લાગેલા છે, જેના દ્વારા 24 કલાક દુશ્મન ઉપર નજર રાખી શકાય છે. ડ્રોન તેમના લક્ષ્યને મિડ ફ્લાઇટ દરમિયાન પણ બદલી શકે છે. જો મિશનને રદ કરવું પડે તો નાગસ્ત્ર-1 પેરાશૂટની મદદથી સોફ્ટ લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે.
75 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો
સેનાએ 480 ડ્રોનનો ઈઈએલને ઓર્ડર આપ્યો હતો. જેમાંથી 120ની ડિલિવરી થઇ ચૂકી છે. એસપીએસ એવિએશનના જણાવ્યા અનુસાર કંપની 'નાગસ્ત્રા-2' પર કામ કરી રહી છે. જે 'નાગસ્ત્ર-1'નું હાઇટેક અને અપડેટેડ વર્ઝન હશે. તે 25 કિલોમીટરથી વધુનું અંતર કાપી શકશે અને લક્ષ્ય પર 90 મિનિટ સુધી ઉડવા માટે સક્ષમ હશે. આ સિવાય તે 2.2 કિલોગ્રામ વજનના હથિયારોનો જથ્થો લઈ જવા માટે સક્ષમ હશે.
POKમાં રહેલ આતંકીઓ માટે ઘાતક
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 'નાગસ્ત્ર-1' ડ્રોન ખૂબ જ ઉપયોગી થશે. તે આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પ અને લૉન્ચ પેડને આંખના પલકારામાં ખતમ કરી શકે છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં જે રીતે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેણે જોતા 'નાગસ્ત્ર-1' ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.