'આપણે ચંદ્રયાન-3ની જેમ IndiaAIને ઓછા ખર્ચે કેમ નહીં બનાવી શકીએ? સેમ ઓલ્ટમેન સાથેની મુલાકાત બાદ બોલ્યા IT મિનિસ્ટર
IndiaAI Cost Effective: યુનિયન મિનિસ્ટર ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અશ્વિની વૈષ્ણવે હાલમાં જ OpenAIના સીઇઓ સેમ ઓલ્ટમેન સાથે મુલાકાત કરી હતી. એ દરમ્યાન તેમણે IndiaAI વિશે વાતચીત કરી હતી. અશ્વિની વૈષ્ણવે AI ઇકોસિસ્ટમને ખૂબ જ ઓછા ખર્ચે બનાવવાની વાત કરી હતી અને સેમ ઓલ્ટમેન દ્વારા પણ બનતી તમામ સર્વિસ પૂરી પાડવાની વાત કરી હતી.
ઇનોવેશન દ્વારા વિકાસ
ભારતનું લક્ષ્ય ઇનોવેશન દ્વારા દેશનો વિકાસ કરવાનું છે. આથી IndiaAI દ્વારા હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રિકલ્ચર, હવામાન, ડિસાસ્ટર મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન જેવા દરેક ક્ષેત્રનો વિકાસ કરવા પર ફોકસ કરી રહ્યું છે. આ સાથે જ સ્ટાર્ટઅપ અને કંપનીઓ દ્વારા પણ એનો ઉપયોગ કરવામાં આવે અને વધુ એડ્વાન્સ બને એવી આશા રાખવામાં આવી રહી છે.
કોસ્ટ ઇફેક્ટિવ ઇનોવેશન
ભારત દરેક વસ્તુ કોસ્ટ-ઇફેક્ટિવ બનાવવામાં માને છે. ભારતે જ્યારે ચંદ્રયાન-3 મિશનને કોસ્ટ-ઇફેક્ટિવ બનાવ્યું હતું ત્યારે દુનિયાભરના દેશો અચંબામાં પડી ગયા હતા. અન્ય દેશોની સરખામણીમાં આ મિશનનો ખર્ચ ખૂબ જ ઓછો હતો. એનું ઉદાહરણ આપી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘આપણે કેમ એની જેમ AI મોડલને ઓછા ખર્ચે નહીં બનાવી શકીએ?’ અશ્વિની વૈષ્ણવે આ સવાલ બાદ તેમણે જ પોતે કહ્યું હતું કે ભારત એમાં પણ આ સિદ્ધિ મેળવીને રહેશે.
આ પણ વાંચો: વોટ્સએપના ડિલીટ મેસેજ કેવી રીતે જોશો? એન્ડ્રોઇડ યુઝર્સ આ રીતે જોઈ શકે છે મેસેજ
ભારતનું ટેક વિઝન
સેમ ઓલ્ટમેન દ્વારા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના વિઝનની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. સેમ ઓલ્ટમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે તે ઇન્ડિયાને GPU, AI મોડલ અને એપ્લિકેશન્સ માટે તેનાથી બનતી તમામ મદદ કરશે. સેમ ઓલ્ટમેન દ્વારા એ વાત પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ભારત ખૂબ જ ઝડપથી AIને અપનાવી રહ્યું છે અને એને કારણે AIનું રિવોલ્યુશન પણ ખૂબ જ જલદી જોવા મળશે.
આ પણ વાંચો: IndiaAI મિશનમાં NVIDIA અને AMDની સાથે ગૂગલ ટેન્સર ચિપ્સનો પણ ઉપયોગ કરવામાં આવશે
ડીપસીકને ચેલેન્જ આપશે?
ચીનના AI મોડલ ડીપસીકની ખૂબ જ ચર્ચા છે. આ મોડલને ખૂબ જ સસ્તામાં બનાવવામાં આવ્યું હતું. આથી ભારત પણ ખૂબ જ ઓછા ખર્ચે પાવરફુલ AI મોડલ બનાવવા પર ફોકસ કરી રહ્યું છે. ભારત પણ ઓપન-સોર્સ મોડલ બનાવશે અને એની સીધી ટક્કર ડીપસીક સાથે થશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ મોડલ આગામી દસ મહિનામાં તૈયાર થઈ જશે.
ચિંતાનો વિષય
IndiaAI માર્કેટમાં આવતાની સાથે જ લોકોને નોકરીનો જોખમ લાગી રહ્યો છે. જોકે અશ્વિની વૈષ્ણવ દ્વારા લોકોને વિશ્વાસ અપાવવાની કોશિશ કરવામાં આવી છે કે એવું કંઈ નહીં થાય. IndiaAI વિકાસ માટે બનાવવામાં આવી રહ્યું છે નહીં કે લોકોની નોકરી પર જોખમ લાવવા માટે.