IndiaAI મિશનમાં NVIDIA અને AMDની સાથે ગૂગલ ટેન્સર ચિપ્સનો પણ ઉપયોગ કરવામાં આવશે
IndiaAI Mission: ભારત દ્વારા હાલમાં IndiaAI મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ મિશન માટે NVIDIA અને AMDના પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે હવે એમાં ગૂગલ પણ તેની ટેન્સર ચીપ્સ આપશે એવી ચર્ચા ચાલી રહી છે. આ મિશન પાછળ ભારત 10,738 કરોડ રૂપિયા ખર્ચી રહ્યું છે. ચેટજીપીટી, જેમિની અને ડીપસીકની જેમ ભારત પણ હવે પોતાના AI પર કામ કરી રહ્યું છે. ભારત આ દ્વારા ઘર-ઘર સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પહોંચાડવા માગે છે.
ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટની તૈયારી
IndiaAI મિશનની ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટની (GPU) તૈયારી હાલમાં જોરશોરમાં ચાલી રહી છે. આ માટે લગભગ 10,000 NVIDIA પ્રોસેસર તૈયાર છે અને બીજા મગાવવામાં આવી રહ્યાં છે. ઇન્ડિયન કમ્પ્યુટ કેપેસિટીને વધારવા માટે એમાં AMD પ્રોસેસરનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જોકે હવે એને વધુ એડ્વાન્સ બનાવવા માટે ગૂગલની ટેન્સર ચીપ્સનો પણ સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. ટેન્સર ચીપને સિસ્ટમ-ઓન-ચીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગૂગલના પિક્સેલ સ્માર્ટફોનમાં આ ચીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચીપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે અને પર્ફોર્મન્સમાં સુધારો કરે છે. આ સાથે જ સિક્યોરિટી અને કેમેરાની કાર્યક્ષમતામાં પણ ગજબનો વધારો કરે છે. આ જ કારણ છે કે IndiaAIની કેપેસિટી વધારવા માટે આ ચીપનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
GPUમાં કરવામાં આવશે વધારો
IndiaAI મિશનમાં હાલમાં 18,693 GPUનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જોકે આગામી બે મહિનાની અંદર આ પ્રોસેસરમાં વધારો કરવામાં આવશે અને એ 38,000ની આસપાસ કરવામાં આવશે. IndiaAIના ડેવલપમેન્ટમાં આ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ કે એક સાથે ઘણાં ટાસ્ક કરવા માટે આ પ્રોસેસર ખૂબ જ કામ આવે છે. સ્ટાન્ડર્ડ કમ્પ્યુટર પ્રોસેસર કરતાં આ પ્રોસેસરની ક્ષમતા ખૂબ જ વધુ છે. AI મોડલને ટ્રેઇનિંગ અને ચલાવવા માટે આ પ્રોસેસર ખૂબ જ મદદરૂપ થાય છે અને એના દ્વારા ડેટા પણ ખૂબ જ પ્રોસેસ થશે.
GPUની સપ્લાઇ કોણ કરશે?
જાન્યુઆરીમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જિયો પ્લેટફોર્મ્સ, E2E નેટવર્ક્સ અને યોટ્ટા ડેટા સર્વિસ દ્વારા GPUને સપ્લાઇ કરવામાં આવશે. 18,693 GPUમાંથી 12,896 NVIDIA H100 GPU અને 1,480 NVIDIA H200 GPUનો સમાવેશ કરવામાં આવશે. બાકીના પ્રોસેસર AMD અને Intel જેવી કંપનીના હાઇપ્રોસેસર ચિપ હશે.
ગૂગલની ટેન્સર ચીપથી શું થશે ફાયદો?
IndiaAIમાં જે પણ ચીપનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે એ ચીપની કાર્યક્ષમતા વધારવા માટે ગૂગલની ટેન્સર ચીપ ખૂબ જ કામ આવી શકે છે. એના દ્વારા વધુ ડેટા ઓપ્ટીમાઇઝ કરી શકાશે અને પ્રોસેસરનો વર્કલોડ પણ ઓછો કરી શકાશે. આ સાથે જ ખર્ચનો પણ બચાવ કરી શકાશે. આ ચીપને હાલમાં નવા સ્ટાર્ટ-અપ્સ અને રીસર્ચર્સને આપવામં આવી રહ્યું છે. આ માટે એક પોર્ટલ પણ ડેવલપ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: એપલ પર લાગ્યો નકલનો આરોપ: ફ્રી એપ્લિકેશનના ફીચર્સને કોપી કરીને ચાર્જ કર્યા પૈસા
સરકાર દ્વારા આપવામાં આવશે સબસિડી
સરકાર દ્વારા IndiaAIના ડેવલપમેન્ટ અને API માટે જે પણ કંપનીઓ મદદ કરશે તેમને ઘણું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એજ્યુકેશન, સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટ-અપ્સ માટે સરકાર ખૂબ જ સારી એટલે કે 40 ટકા સુધીની સબસિડી આપી રહી છે. આ માટે એપ્લિકેશન પર્ફોર્મિંગ ઇન્ટરફેસ (API) સપ્લાયર અને સબસ્ક્રાઇબર્સ બન્નેમાં ઇનસ્ટોલ કરવું જરૂરી છે.