Get The App

ભારતે બનાવ્યા ‘સ્ટાર વોર્સ’ જેવા લેઝર હથિયાર, ડ્રોન્સને સરળતાથી નિશાન બનાવી શકાય એ ટેક્નોલોજી વિશે જાણો...

Updated: Apr 14th, 2025


Google News
Google News
ભારતે બનાવ્યા ‘સ્ટાર વોર્સ’ જેવા લેઝર હથિયાર, ડ્રોન્સને સરળતાથી નિશાન બનાવી શકાય એ ટેક્નોલોજી વિશે જાણો... 1 - image


India Build Laser Weapon: ઇન્ડિયા હવે મોર્ડન હથિયાર બનાવવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. હાલમાં જ આર્મી દ્વારા લેઝર સિસ્ટમ હથિયારને રજૂ કરવામાં આવ્યા છે જેના દ્વારા ડ્રોનને શૂટ કરવામાં આવ્યું હતું. આ હથિયાર હોલીવુડની ફિલ્મ ‘સ્ટાર વોર્સ’ જેવી જ છે. આ એક અત્યાધુનિક એનર્જી હથિયાર હોવાની સાથે-સાથે રક્ષણ માટેનું ઉત્તમ સાધન પણ છે. હવામાં ઉડતાં ડ્રોનને એના દ્વારા ખૂબ જ સરળતાથી નાશ કરી શકાય છે.

ભારત દ્વારા હાલમાં જ ચાઇનિઝ બોર્ડર પર આ સિસ્ટમની મદદથી ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ લેઝર હથિયાર બનાવવામાં આવ્યું છે જે 30 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમને MK-II(A) નામ આપવામાં આવ્યું છે. આ સિસ્ટમ અમેરિકા, ચીન અને રશિયાની સાથે હવે ભારત પાસે પણ છે અને આ હથિયાર સંપૂર્ણ પણે ભારત દ્વારા બનાવવામાં આવ્યું છે. આંધ્ર પ્રદેશમાં આવેલા નેશનલ ઓપન એર રેન્જમાં એની ટ્રાયલ રાખવામાં આવી હતી.

એનર્જીનો ઉપયોગ કરીને બનાવેલા લેઝર હથિયાર

કોઈ પણ દેશ માટે ડ્રોન માથાનો દુખાવો બની ગયા છે. સર્વેલિયન્સ ડ્રોન હોય કે પછી હુમલાખોર ડ્રોન એનો નાશ કરવું ડિફેન્સ સિસ્ટમ માટે ખૂબ જ ચેલેન્જિંગ છે. ડ્રોન્સ ઓછા ખર્ચાળ અને ઝડપી હોય છે. તેમ જ એમાં કોઈ જાનહાની પણ નથી થતી. આથી એનો ઉપયોગ હવે ઘણાં દેશની આર્મી દ્વારા કરવામાં આવી રહ્યો છે.આ ડ્રોનને અટકાવવા અને એનો સામનો કરવા માટે ભારત દ્વારા ડિરેક્ટેડ એનર્જી વેપન્સ બનાવવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીમાં એનર્જી બીમ એટલે કે લેઝરનો ઉપયોગ કરવામાં આવે છે નહીં કે બંદુકમાં આવતી બુલેટનો.

વધુ અટેક કરી શકાય: સામાન્ય બંદુકમાં કેટલી બુલેટ હોય છે એના આધારે એટલી જ વાર અટેક કરી શકાય છે. ઉદાહરણ તરીકે કોઈ બંદુકમાં બાર બુલેટ હોય તો એના દ્વારા એટલી જ વાર ચલાવી શકાય છે. જ્યારે લેઝર ગનમાં જ્યાં સુધી એનર્જી હશે ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકાશે. એટલે કે બુલેટ કરતાં એ બંદુક વધુ સમય સુધી ફાયર કરી શકે છે.

નિશાન અને ઝડપ: લેઝર હથિયારનું નિશાન ખૂબ જ ચોક્કસ રહેશે કારણ કે એના પર હવા કે વગેરે પરિબળની અસર નથી થતી. બંદુકની ગોળી કરતાં લેઝરની એટલે કે લાઇટની સ્પીડ વધુ હોય છે એટલે કે કોઈ પણ વસ્તુને હટવા માટે ખૂબ જ ઓછો સમય મળી શકે છે.

આસપાસના વ્યક્તિ અથવા વસ્તુને ઓછું નુકસાન: બંદુકનો ઉપયોગ કરવામાં આવતા બની શકે આસપાસની વસ્તુ અથવા તો વ્યક્તિ પણ મુશ્કેલીમાં આવી શકે. પરંતુ લેઝર હથિયારમાં એના ચાન્સ ખૂબ જ ઓછા છે.

ભારતે બનાવ્યા ‘સ્ટાર વોર્સ’ જેવા લેઝર હથિયાર, ડ્રોન્સને સરળતાથી નિશાન બનાવી શકાય એ ટેક્નોલોજી વિશે જાણો... 2 - image

એક સાથે ઘણી ટેક્નોલોજીનો ઉપયોગ

ભારત દ્વારા હાલમાં જ નવી ટેક્નોલોજી બનાવવામાં આવી છે અને એ માટે લેઝર ફિઝિક્સ, એડવાન્સ ઓપ્ટિક્સ અને સેન્સર નેટવર્ક જેવી ઘણી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક સિસ્ટમ બનાવવામાં આવી છે.

લેઝર સોર્સ: આ સિસ્ટમમાં ડાયોડ-પમ્પ સોલિડ-સ્ટેટ લેસર અથવા તો ફાઇબર લેઝરનો ઉપયોગ કરવામાં આવે છે. હાઈ એનર્જી જ્યારે જરૂર હોય ત્યારે આ એકદમ ઉત્તમ છે. આ લેઝર ખૂબ જ પાવરફુલ હોય છે અને ખૂબ જ ગરમી ઉત્પન્ન કરે છે. એટલે કે ડ્રોનના કોઈ પણ પાર્ટ્સને સેકન્ડમાં ખૂબ જ ખરાબ રીતે ડેમેજ કરી શકે છે. આ લેઝર માટે ખૂબ જ ઓછી જગ્યા જરૂરી છે અને એ ખૂબ જ લાંબા અંતર સુધી ટ્રાવેલ કરી શકે છે. બંદુકની ગોળી આમતેમ ફેલાવાના ચાન્સ રહે છે, પરંતુ લેઝરમાં એવું નથી થતું એ નિશાન પર જ જાય છે.

એડ્વાન્સ ઓપ્ટિકલ સિસ્ટમ: લેઝર બીમ ટાર્ગેટ પર ધ્યાન કેન્દ્રિત કરે એ જરૂરી છે. આથી એ માટે હાઇ-ટેક ઓપ્ટિકલ કોમ્પોનેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે બીમ ડિરેક્ટર્સ અને એડેપ્ટિવ ઓપ્ટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના કારણે લેઝર હવામાં ઉડી રહેલા ડ્રોનને પણ નિશાન બનાવી શકે છે અને હવાનું જે ટર્બ્યુલન્સ હોય છે એને પણ અવરોધી શકે છે. આ માટે હાઇ રિફ્લેક્ટિવ મિરર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લેઝરની એનર્જીનો સંગ્રહ કરી શકે છે. હથિયારમાંથી નીકળવાથી લઈને ટાર્ગેટ સુધી પહોંચે ત્યાં સુધી આ એનર્જીના સંગ્રહ માટે એનો ઉપયોગ થાય છે. એમાં આવેલા લેન્સ લેઝર બીમ પર ફોકસ કરે છે જેથી ડ્રોન પર વધુ અસર કરી તેને સંપૂર્ણ રીતે ડેમેજ કરી શકે.

સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ: સૌથી પાવરફુલ લેઝર પણ નિષ્ફળ રહેશે જો એમાં ટ્રેકિંગ સિસ્ટમ સારી નહીં હોય. આ માટે એમાં રડાર, ઇન્ફ્રારેડ સેન્સર્સ અને કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ડ્રોનને શોધશે અને નિશાન બનાવશે. આ માટે સોફ્ટવેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એલ્ગોરિધમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની મદદથી ટાર્ગેટની સ્પીડ, ડિરેક્શન અને પોઝિશનને ધ્યાનમાં રાખીને નિશાન સાધ્યા બાદ ફાયર કરવામાં આવશે.

હીટ અને પાવર મેનેજમેન્ટ: હાઇ-એનર્જી લેઝરનો ઉપયોગ કરવાથી ઘણી ગરમી ઉત્પન્ન થાય છે અને તે સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે. આથી, એમાં લીક્વિડ કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી ઓવરહીટ નહીં થાય અને તેનો સતત ઉપયોગ કરી શકાય. આ માટે એડવાન્સ પાવર મેનેજમેન્ટ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે હથિયારને પૂરતા પ્રમાણમાં એનર્જી મળતી રહે.

કોમ્પેક્ટ ડિઝાઇન હોવાથી સરળતાથી સ્થળાંતર કરી શકાશે

રિયલ-લાઇફમાં ઉપયોગ કરવામાં આવવાની હોવાથી તેને ખૂબ જ કોમ્પેક્ટ ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી છે. આ હથિયાર એટલું પોર્ટેબલ છે કે તેને જીપ અને ટેન્ક જેવા મશીન પર મૂકવાની સાથે કોઈ ચોક્કસ જગ્યાએ ફિક્સ પણ મૂકવામાં આવી શકે છે. એટલે કે જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ કરી શકાય છે. આ હથિયારના તમામ પાર્ટ્સને બદલી શકાય છે, એટલે કે તેમાં કોઈ ખરાબી આવી તો તેને તરત જ બદલી શકાય છે.

ભારત કેમ આ ટેક્નોલોજીમાં ઇનવેસ્ટમેન્ટ કરી રહ્યું છે?

ભારત ફક્ત દેખાડો કરવા માટે આ સિસ્ટમ પર ઇનવેસ્ટમેન્ટ કરી રહ્યું નથી, પરંતુ હવે તે પોતાની ડિફેન્સ સિસ્ટમને ખૂબ જ મજબૂત કરી રહ્યું છે. ભારતની હાલમાં જે ડિફેન્સ સિસ્ટમ છે, તેમાં હવે લેઝરનો પણ સમાવેશ થયો છે.ડ્રોનને તોડી પાડવા માટે મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે એના કરતા લેઝર હથિયાર ખૂબ જ સસ્તું પડે છે. આથી, પૈસાનો બચાવ થવા સાથે ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ ભારત દ્વારા વિવિધ રીતે કરવામાં આવશે. હાલમાં ડ્રોનમાટે આ હથિયાર બનાવવામાં આવ્યું છે, પરંતુ બહુ જલદી મિસાઇલ અને ફાઇટર જેટ માટે પણ આ ડિફેન્સ સિસ્ટમ ઉભી કરવામાં આવશે. તેમ જ અંતરીક્ષમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને વેંચવા માટે કેમ ફરજ પાડવામાં આવી શકે છે મેટાને?

શું ચેલેન્જ આવી શકે છે?

લેઝર સિસ્ટમ ખૂબ જ અત્યાધુનિક હથિયાર છે, જોકે તેને પણ કેટલીક ચેલેન્જ આવી શકે છે. લેઝર સિસ્ટમ પર હવાનું પ્રભાવ એટલું નથી થતું, પરંતુ તેની પર ધુમ્મસ, વરસાદ અને ધૂળની અસર થાય છે. તેના કારણે લેઝર બીમની તાકાતમાં ઘટાડો થઈ શકે છે. આથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે કેટલાક એડજસ્ટમેન્ટ અને ઓપ્ટિક્સની જરૂર પડી શકે છે, જે સમય સાથે ડેવલપ કરવામાં આવશે. આ હથિયાર માટે પાવરની ખૂબ જ જરૂર પડે છે. આથી, લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવા માટે વધુ સ્ટોર કરી શકાય એવી બેટરી સાથે ચલાવવું પડે છે, જે વજનદાર થઈ શકે છે. આ હથિયાર હાલ અન્ય હથિયાર સાથે કામ કરી શકતું નથી. આથી, તે અન્ય હથિયાર સાથે સારી રીતે જોડાઈ શકે એ માટેની ટેક્નોલોજી પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.

Tags :