હાનિકારક કેમિકલ્સનો વધતો ઉપયોગઃ રંગમાં અને સ્માર્ટ ગેજેટ્સમાં પણ !
- M{kxoðkp[ fu rVxLkuMk çkuLz òu¾{e çkLke þfu Au
હોળી-ધૂળેટીની ઉજવણી અબીલ-ગુલાલ કે અન્ય ઓર્ગેનિક્સ કલરથી કરવામાં આવે તો એનો
આનંદ રંગ અલગ છે, પરંતુ મોટા ભાગના લોકોને
ધૂળેટી નજીક આવતાં એક વાતની ચિંતા સતાવતી હોય છે - કોઈ તેમને હાનિકારક કેમિકલ્સના
બનેલા રંગ લગાવી જશે તો? આવા કેમિકલ્સથી બનેલા રંગોથી
ત્વચા તથા વાળને કેવું નુકસાન થાય છે તેનો આપણે સૌએ કયારેક ને ક્યારેક અનુભવ કરી
લીધો હોય છે.
હકીકત એ છે કે આપણે જેનો રોજબરોજ ઉપયોગ કરીએ છીએ એવા ટેક ગેજેટ્સમાં પણ
હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
ટેકનોલોજીની દુનિયામાં આવાં કેમિકલ્સ માટે ફોરએવર કેમિકલ્સ એવો શબ્દ ચલણી બન્યો છે. નામ
મુજબ આ કેમિકલ લગભગ અનંત સમય સુધી આપણો પીછો છોડતાં નથી. વધુ ચિંતાની વાત એ છે કે
તેનાથી આપણા પર્યાવરણ અને પૃથ્વીને કેટલું અને કેવું નુકસાન થઈ રહ્યું છે તેનો
સ્પષ્ટ અંદાજ આવે તેવા આધારભૂત અભ્યાસો પણ થયા નથી.
આપણા સ્માર્ટફોન કે સ્માર્ટવૉચમાં પણ આવાં કેમિકલ્સ ઘૂસી ગયાં છે. આ બંને
પ્રકારનાં સાધનોમાં Per-
and Polyfluoroalkyl Substances (PAFS) તરીકે જાણીતાં કેમિકલ્સનો ઉપયોગ વધી રહ્યો છે. આ બંને સિન્થેટિક્સ કેમિકલ્સ
છે.
સ્માર્ટફોન કે સ્માર્ટવૉચમાંની વિવિધ સર્કિટને વૉટરપ્રૂફ બનાવવા માટે, તેમાં પેદા થતી ગરમીને અંકુશમાં રાખવા માટે તથા સરવાળે આવાં ગેજેટ્સની આવરદા
વધારવા માટે આ કેમિકલ્સનો ઉપયોગ થાય છે. સ્માર્ટફોન અને સ્માર્ટવૉચ ઉપરાંત
રોજબરોજના વપરાશની અન્ય ચીજવસ્તુઓ જેમ કે નોનસ્ટિક પૅન, કાર્ડબોર્ડ કે મેકઅપ તથા વિવિધ ફેકટરીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. આપણું શરીર
આવાં કેમિકલ્સના સંપર્કમાં આવે તો તેનાથી કોઈ ચોક્કસ રોગ થતા હોવાનું હજી સુધી
ખાતરીબદ્ધ રીતે બહાર આવ્યું નથી, પરંતુ વિવિધ અભ્યાસો દર્શાવે
છે કે તેનાથી કેન્સર, કિડનીના રોગો કે વંધ્યત્વની
તકલીફો થઈ શકે છે.
નવાઈની વાત એ છે કે મોંઘી બ્રાન્ડની સ્માર્ટવૉટ કે ફિટનેસ બેન્ડ્સને વૉટરપ્રૂફ
અને ડ્યુરેબલ બનાવવા માટે તેમાં આ પ્રકારના કેમિકલ્સનો વધુ ઉપયોગ થતો હોવાનું બહાર
આવ્યું છે. તેમની સરખામણીમાં સસ્તી સ્માર્ટવૉચ કે બેન્ડ વૉટરપ્રૂફ ભલે ન હોય, પરંતુ એ જ કારણે તેમાં હાનિકારક કેમિકલ્સનું પ્રમાણ પણ ઓછું હોય છે! તેનો
સ્પષ્ટ મતલબ એ કે જો તમને રાત-દિવસ સ્માર્ટવૉચ કે ફિટનેસ બેન્ડ હાથમાં પહેરી
રાખવાની ટેવ હોય તો મોંઘી બ્રાન્ડ કરતાં સસ્તી બ્રાન્ડમાં નુકસાન થવાનું ઓછું જોખમ
છે! સારી વાત એ પણ છે કે હવે ઘણી કંપની તેમની પ્રોડક્ટ્સ વધુ સલામત છે એવું
દર્શાવવા માટે તેમાં આવાં કેમિકલ્સનો ઉપયોગ નથી થયો એવું ભારપૂર્વક જણાવે છે. આથી
આપણે સ્માર્ટ ગેજેટ્સ કે અન્ય ચીજવસ્તુઓની ઓનલાઇન ખરીદી કરતા હોઇએ ત્યારે તે આવાં
કેમિકલ્સરહિત છે કે કેમ તે તપાસી શકીએ.