Get The App

ચેટજીપીટી, ડીપસીક પછી હવે ભારતમાં 10,373 કરોડના ખર્ચે બનશે IndiaAI: કેન્દ્રની જાહેરાત

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
ચેટજીપીટી, ડીપસીક પછી હવે ભારતમાં 10,373 કરોડના ખર્ચે બનશે IndiaAI: કેન્દ્રની જાહેરાત 1 - image


Government Soon Launch IndiaAI: અમેરિકા અને ચીન બાદ હવે ભારત પણ પોતાનું AI મોડલ બનાવી રહ્યું છે. આગામી થોડા મહિનામાં IndiaAI લોન્ચ કરવામાં આવશે. આ માટે 18,693 GPUનો ઉપયોગ કરવામાં આવશે. એક પછી એક, ઘણી કંપનીઓ તેમના મોડલ લોન્ચ કરી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં હવે ભારત પણ પાછળ નહીં રહે. ઓડિશામાં એઆઈ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કરતી વખતે અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘ભારત હવે પોતાનું AI મોડલ તૈયાર કરી રહ્યું છે. મોર્ડન ટેક્નોલોજી દરેક માટે ઉપલબ્ધ હોવી જોઈએ. આથી હવે ભારત પણ AI પાછળ કામ કરી રહ્યું છે, જેથી ટેક્નોલોજીનો ઉપયોગ દેશની દરેક વ્યક્તિ કરી શકે. આ મોડલમાં પ્રાઇવસીને લગતી તમામ બાબતોનું બારીકાઈથી ધ્યાન રખાશે.’

AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવી રહ્યું છે કામ

ભારત ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ AI મોડલ પ્રોજેક્ટ માટે કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાઈ રહ્યું છે. આ માટે 18,693 GPUનો ઉપયોગ કરાશે, જે પૈકી 12,896 Nvidia H100 GPU અને 1,480 Nvidia H200 GPUનો ઉપયોગ કરાશે. હાલ ભારત પાસે 10,000 GPU કામ કરવા તૈયાર છે. આ દિશામાં કામ પણ શરૂ થઈ ગયું છે. દેશની આર્થિક અને સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ લાર્જ લેન્ગવેજ મોડલ તૈયાર કરાઈ રહ્યું છે. આ માટે ઓડિશામાં AI મોડલ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ રહ્યું છે. આ સેન્ટર દ્વારા AI માટેની જે જરૂરિયાતો છે, તે તમામ પૂરી કરાશે. 

ચેટજીપીટી, ડીપસીક પછી હવે ભારતમાં 10,373 કરોડના ખર્ચે બનશે IndiaAI: કેન્દ્રની જાહેરાત 2 - image

ભારતનું મહત્ત્વાકાંક્ષી AI મિશન

ભારતના AI મિશનને 2024ની માર્ચમાં કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે 10,372.92 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઇન્ડિયાના સ્ટાર્ટઅપ અને રિસર્ચ કમ્યુનિટીનો પણ વિકાસ કરવા માટે આ AI મોડલનો ઉપયોગ કરાશે. આ સાથે પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપને પણ એક નવો વેગ મળશે. દરેક ક્ષેત્રના લોકો એક સાથે આગળ વધશે, જેનાથી દેશનો પણ વિકાસ થાય એ ધ્યેય સાથે આ પ્રોજેક્ટ પર કામ કરાઈ રહ્યું છે.

હેલ્થ અને એગ્રિકલ્ચર પર મુખ્ય ફોકસ

આ AI મોડલનો ઉપયોગ ખાસ કરીને હેલ્થકેર, એગ્રિકલ્ચર અને સરકારી વિભાગો માટે કરાશે. દરેક ક્ષેત્રમાં AI આવવાથી કામ ખૂબ જ સરળ, ઝડપી અને ચોક્કસ થશે. એની સીધી અસર દેશના વિકાસ પર પડશે. IndiaAI એક લાર્જ લેન્ગવેજ મોડલ છે. આ મોડલ ચોક્કસ ક્ષેત્રના પ્રોબ્લેમને ખૂબ જ સારી રીતે ઉકેલશે, તેમજ જરૂરી તમામ સવાલોના જવાબ પણ ખૂબ જ સારી રીતે આપશે. આ દ્વારા IndiaAI ડેટાસેટ્સ પ્લેટફોર્મ તૈયાર કરાશે. રિસર્ચ અને સ્ટાર્ટઅપ માટે એક ડેટાબેઝ તૈયાર કરાશે. એ ડેટાબેઝમાં કોઈ અંગત માહિતી જોવા નહીં મળે. આમ છતાં કોઈ પણ બિઝનેસ માટે જરૂરી માહિતી મેળવવા તમામ ડેટા સરળતાથી મળી રહેશે. આ પ્લેટફોર્મની મદદથી ભારતની તમામ કંપનીઓને વધુ ઇનોવેટિવ અને એડવાન્સ થવા માટે પ્રોત્સાહન મળશે, તેમજ નાના-નાના બિઝનેસ પણ તેમના માટે એપ્લિકેશન બનાવી શકશે.

ચેટજીપીટી, ડીપસીક પછી હવે ભારતમાં 10,373 કરોડના ખર્ચે બનશે IndiaAI: કેન્દ્રની જાહેરાત 3 - image

દરેક ભાષાનો સપોર્ટ મળશે

કેન્દ્ર સરકાર આ માટે IndiaAIમાં દરેક ભાષાને સપોર્ટ કરશે. આ માટે ફાઉન્ડેશન મોડલ પણ તૈયાર કરવામાં આવશે. આ મોડલ બનાવવાનો હેતુ એ છે કે, સ્વદેશી એઆઈ મોડલમાં ભારતની તમામ ભાષાનો સમાવેશ થઈ શકે તેમજ તે ભાષાનો પણ તમામ ડેટા ઉપલબ્ધ થાય. આ સાથે એ પણ ધ્યાન રખાઈ રહ્યું છે કે કોઈ પણ ભાષા સાથે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ ન રખાય. 

AI સર્વિસ

IndiaAI આ દ્વારા AI સર્વિસ પણ શરૂ કરવા જઈ રહી છે. આ એક માર્કેટ પ્લેસ છે જ્યાં યુઝર IndiaAIની સર્વિસ મેળવી શકશે. આ માર્કેટપ્લેસમાં પહેલેથી ટ્રેઇન મોડલ્સ ઉપલબ્ધ હશે, જેનો ઉપયોગ ભારતીયો પોતાની રીતે કરી શકે છે. IndiaAIને ભારત દ્વારા પ્રમોટ કરાશે અને દરેક કંપનીમાં તેનો ઉપયોગ થાય તે માટે પ્રોત્સાહન પૂરું પડાશે. જો એ સફળ રહ્યું, તો દરેક કંપની એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી થશે. 

આ પણ વાંચો: અલીબાબાનો દાવો: DeepSeek કરતાં આગળ નીકળી ગયું છે તેમનું AI મોડલ

IndiaAI મોડલ બનાવવા માટે જરૂરી સાધન

આ મહિનાની શરૂઆતમાં જ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ 13 કંપનીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરેક કંપનીએ IndiaAI માટે જરૂરી સાધનો પૂરા પાડવા માટે અરજી કરી હતી. આ મિશનને હકીકત બનાવવા પેનલમાં મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ઓફિશિયલ્સ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને કેટલાક IITના એક્સપર્ટનો પણ સમાવેશ કરાયો છે. આ પેનલ નક્કી કરશે કે IndiaAIની જવાબદારી કોને સોંપવી અને કોણ-કેવી રીતે આ મિશનને આગળ વધારશે. 


Google NewsGoogle News