એક અઠવાડિયામાં તમામ ફ્રોડ લોન એપ્સ અને સટ્ટાબાજી એપ્સની જાહેરાત હટાવવા સરકારનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ
ગેરકાયદે લોન એપ્સ અને સટ્ટાબાજી એપ્સને રિમૂવ કરવાના આદેશ અપાયા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કાયદાકીય કાર્યવાહીની સરકારની ચેતવણી
ટેક્નોલોજીના આ સમયમાં સાયબર ક્રાઈમ પણ ઝડપથી વધી રહ્યા છે. રોજ ઓનલાઈન ફ્રોડ અને સ્કેમના કેસ સામે આવી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડને અંગે હવે સરકાર સખ્ત બની ગઈ છે. તેના પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર સતત નવા-નવા પગલા ભરી રહી છે. કેન્દ્ર સરકારે ફ્રોડ લોન એપ્સ અને સટ્ટાબાજી એપ પર મોટા એક્શન લીધા છે. આ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. મંગળવારે મંત્રાલયે ગેરકાયદે લોન એપ્સ અને સટ્ટાબાજી એપ્સને રિમૂવ કરવાના આદેશ આપ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, અમે ફ્રોડ લોન એપ્સની જાહેરાતો અટકાવવા પર કામ કરી રહ્યા છીએ. કેટલાક પ્લેટફોર્મ્સ પર આ રીતે ફ્રોડ લોન્સ એપ્સની એડ આવે છે.
ફ્રોડ લોન એપ્સની જાહેરાત હટાવવાની ચેતવણી
ઇલેક્ટ્રોનિક અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ગુગલ સહિતના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક અઠવાડિયામાં પોતાના પ્લેટફોર્મથી ફ્રોડ લોન એપ્સની જાહેરાત હટાવવાની ચેતવણી આપી દીધી છે. IT મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, જો જનતાની સાથે કોઈ પ્રકારે છેતરપિંડી થાય છે તો પોતાના પ્લેટફોર્મ પર આ એપ્સની જાહેરાત બતાવનારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ તેના માટે જવાબદાર હશે.
ITના નિયમોમાં થઈ રહ્યા છે ફેરફાર
આ સિવાય સરકાર હાલના IT નિયમોમાં પણ સુધારો કરવા જઈ રહી છે. આ સુધારાનો ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આ પ્રકારની જાહેરાતો બતાવવાથી રોકવાનો છે. એક ઉચ્ચ સરકારી અધિકારીએ આ માહિતી આપી છે. એક વખત નવો નિયમ બન્યા બાદ આ પ્રકારની જાહેરાતો હોસ્ટ કરવા પર આ પ્લેટફોર્મને લીગલ ઈમ્યુનિટી ગુમાવવાનું જોખમ પણ રહેશે.
KYDFA નામની KYC પ્રોસેસ કરવા આગ્રહ
મંત્રાલયે RBI પાસે બેંકો માટે KYC પ્રક્રિયાને વધુ વ્યાપક બનાવવાનો આગ્રહ કર્યો છે. આ પ્રપોઝ્ડ KYC પ્રોસેસને 'નો યોર ડિઝિટલ ફાઈનાન્સ એપ' (KYDFA) નામ અપાયું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિતા
સરકારે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ (અગાઉની ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે મંગળવારે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે વર્તમાન આઈટી નિયમો હેઠળ તેમણે ડીપફેક વીડિયોઝ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રકારના વીડિયો સામે સમયસર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તેને તેને તેમના પ્લેટફોર્મ્સ પરથી હટાવવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ આકરી કાયદાકીય કાર્યવાહી કરાશે.
સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જણાવ્યું છે કે વર્તમાન આઈટી નિયમના કયા ભાગમાં આ પ્રકારના કન્ટેન્ટ પર લગામ લગાવવા માટે નિર્દેશ અપાયેલા છે. આઈટી રુલ્સના નિયમ 3(1)(બી)માં કોઈના અધિકારોનો ભંગ કરતા હોય તેવા કોઈપણ કન્ટેન્ટને રોકવા માટે નિર્દેશ અપાયા છે. આ પ્રકારના કન્ટેન્ટમાં પ્રાઈવેટ, અભદ્ર અથવા પોર્ન કન્ટેન્ટને રોકવાનું પણ જણાવાયું છે. આ સિવાય તેમણે એવા કન્ટેન્ટ પણ રોકવા જોઈએ જે યુઝર્સને ગેરમાર્ગે દોરતા હોય અને કોઈ વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરતા ખોટી હકીકતોની જેમ રજૂ કરતા હોય.
ગૂગલ પ્લે સ્ટોર હટાવી ચૂક્યું છે 2500 ફ્રોડ લોન એપ્સ
શિયાળુસત્ર દરમિયાન લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે માહિતી આપી હતી કે, સરકારની માંગ પર કાર્યવાહી કરતા હવે ગૂગલે પ્લે સ્ટોરમાંથી લગભગ 2,500 એપ્સને હટાવી દીધી છે. જે એપ્સને હટાવવામાં આવી તે લોકોને લોન આપવાના નામે છેતરપિંડી કરતી હતી. RBIએ ભારત સાથે એપ્સની વ્હાઈટ લિસ્ટ જારી કર્યું હતું. આ યાદીને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ ગૂગલ સાથે શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, છેતરપિંડી કરનારી ફ્રોડ લોન એપ્સને નિયંત્રિત કરવા માટે સરકાર ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને બીજી રેગુલેટરી ઓથોરિટી સાથે મળીને કામ કરી રહી છે. ગૂગલે જે 2,500 એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવી છે તેને એપ્રિલ 2021થી જુલાઈ 2022ની વચ્ચે હટાવવામાં આવી છે. આ તમામ એપ્સ લોકોને લોન આપવાના નામ પર ઠગી રહી હતી. સરકાર હવે લોન આપતી તમામ પ્રકારની એપ્લિકેશનની ગંભીરતાથી દેખરેખ કરી રહી છે. જો તમે પણ કોઈ એપનો ઉપયોગ કરતા હોય તો તરત જ પોતાના ફોનમાંથી ડિલીટ કરી દો.
ગૂગલે અપડેટ કરી પોલિસી
ગૂગલે લોન આપતી એપ્સની પોલિસીમાં ફેરફાર કર્યો છે. ગૂગલે કેટલાક નવા નિયમો જોડ્યા છે. ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એવી તમામ એપ્સ કે જે લોકોને લોન આપવાનો દાવો કરે છે તેના માટે નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે. ગૂગલે લગભગ 3500 ફ્રોડ લોન એપ્સની ઓળખ કરી છે જેમાંથી 2500 એપ્સને હટાવી દેવામાં આવી છે.