IITના વિદ્યાર્થીઓએ કરી કમાલ! હવામાં ઉડતું, પાણીમાં ચાલતું ડ્રોન બનાવ્યું, પક્ષીથી લીધી પ્રેરણા
આ એક રોબસ્ટ કન્ટ્રોલ સિસ્ટમ છે, અમેરિકા-ચીન જેવા અમુક જ દેશો પાસે હાલ આ ટેક્નોલોજી છે
IIT Jodhpur Flying Dron News | દેશની IIT સંસ્થાઓના વિદ્યાર્થીઓએ અનેકવાર અવનવી શોધો કરતા રહે છે જેના ભરપૂર વખાણ પણ થાય છે. હવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) જોધપુરના વિદ્યાર્થીઓએ અનોખી શોધ કરી છે. IIT જોધપુરના વિદ્યાર્થીઓએ સાથે મળીને એક ફ્લાઈંગ (ઉડતું) ડ્રોન બનાવ્યું છે જેની કલ્પના લોકો સપનામાં કરતા હતા.
આ એક રોબસ્ટ કન્ટ્રોલ સિસ્ટમ છે
વિજ્ઞાનની ભાષામાં કહીએ તો વિદ્યાર્થીઓએ એક રોબસ્ટ કન્ટ્રોલ સિસ્ટમ ડિજાઈન કરી છે જે પાણી અને હવા બંનેમાં કામ કરવામાં સક્ષમ છે. આ હાઇબ્રિડ ડ્રોન ખૂબ જ ઉપયોગી છે. તે દરિયા કિનારા અને નદીઓ પર ઓઈલ લીકને પણ પકડી પાડશે. આ સાથે તે પાણીની અંદરના ધોવાણ અને પાણીમાં પ્રદૂષકોના સ્તરને શોધી શકશે.
આ ઉડતું ડ્રોન પાણીની અંદર ફોટા પણ પાડી શકશે
આ ડ્રોનને ચલાવવા માટે એક મેથેમેટિકલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી જેથી કરીને આ સંશોધનને વધુ કાર્યક્ષમ બનાવી શકાય. તેનો ઉપયોગ લાઈફગાર્ડ બચાવ કામગીરીમાં કરી શકાશે. આ ઉપરાંત તે પાણીની અંદર અને એરિયલ ફોટોગ્રાફી પણ કરી શકશે.
કયા પક્ષીથી પ્રેરણા લીધી
IIT જોધપુરની ટીમે આ ડ્રોનને એનહિંગાસ પક્ષીથી પ્રેરણા લઈને બનાવ્યું છે, જે જમીન અને પાણીની નીચે બંને જગ્યાએ ચાલવા સક્ષમ છે. તેના આધારે રિસર્ચ ટીમે વોટરપ્રૂફિંગથી બનેલો 3-ડી પ્રોટોટાઈપ બનાવ્યો હતો. આ સાથે રિમોટ કંટ્રોલ (RC) ટ્રાન્સમિશનનો ઉપયોગ કરીને હવામાં, પાણીની સપાટી પર અને પાણીની અંદર આ ડ્રોનના પ્રોટોટાઇપનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
IITના પ્રોફેસર્સ શું બોલ્યાં
જે પેપરમાં આ રિસર્ચનો ઉલ્લેખ કરાયો છે તે આઈઆઈટી જોધપુરના ડો. જયંત કુમાર મોહંતા અને રિસર્ચ વિજ્ઞાની જય ખત્રી, આઈઆઈટી કાનપુરના પ્રોફેસર સંદીપ ગુપ્તા અને આઈઆઈટી પલક્કડના પ્રોફેસર સંતકુમાર મોહન દ્વારા લખવામાં આવ્યું છે. IIT જોધપુરના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. જયંત કુમાર મોહંતાએ જણાવ્યું હતું કે આ પ્રોટોટાઇપ પાણી પર જહાજની જેમ આગળ વધી શકે છે, હવામાં ઉડી શકે છે અને પાણીમાં ડૂબી જાય ત્યારે પણ નેવિગેટ કરી શકે છે. હાલમાં તે 15 મિનિટ ઉડી શકે છે અને 8 કલાક પાણીની અંદર રહી શકે છે. આ ટેક્નોલોજી હાલમાં અમેરિકા અને ચીન જેવા ખૂબ જ ઓછા દેશો પાસે છે.