રોજેરોજ ત્રાસ આપતા પાસવર્ડ સાથે દોસ્તી કરવી હોય તો ....

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
રોજેરોજ ત્રાસ આપતા પાસવર્ડ સાથે દોસ્તી કરવી હોય તો .... 1 - image


લાંબા સમયથી પાસવર્ડ આપણા જીવનનો એક અણગમતો, અકળાવતો, છતાં અનિવાર્ય હિસ્સો બની ગયા છે. ડિજિટલ દુનિયામાં પાસવર્ડ વિના ચાલે નહીં.

જોકે પાછલાં થોડાં વર્ષોથી દુનિયા ધીમે ધીમે પાસવર્ડલેસ બનવા લાગી છે. ફિંગરપ્રિન્ટ કે ફેસઆઇડીનો હવે પાસકી તરીકે પણ ઉપયોગ થાય છે અને આપણે તેની મદદથી ડિવાઇસ ઉપરાંત વિવિધ એપ્સમાં પણ લોગ-ઇન થઈ શકીએ છીએ.

છતાં પાસવર્ડ હજી સાવ ગાયબ થયા નથી. એ સોનેરી દિવસો આવે ત્યાં સુધી, પાસવર્ડને કંટાળાજનક માનવાને બદલે તેને લાઇફ માટે ટર્નિંગ પોઇન્ટ બનાવી જુઓ.

જેમ કે થોડા સમય પહેલાં એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેણે ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ પછીની મનોયાતનામાંથી છૂટવા પોતાના કમ્પ્યૂટરનો પાસવર્ડ Forgive@her રાખ્યો! રોજ આ શબ્દો લખવાની જાદુઈ અસર થઈ અને ધીમે ધીમે તેનો સંતાપ ઘટતો ગયો. આ જ કીમિયો એણે જરા વહેલો કામે લગાડીને, Forgive@me જેવો પાસવર્ડ રાખ્યો હોત, તો કદાચ બ્રેકઅપનો વારો જ ન આવત! પણ જાગ્યા ત્યારથી સવાર. હવે એ વ્યક્તિ થોડા થોડા સમયે, પોતે જે કંઈક નવું ધ્યેય નક્કી કરે એને પોતાનો પાસવર્ડ બનાવે છે અને એના માનવા પ્રમાણે, આ કીમિયાએ એનું જીવન બદલી નાખ્યું છે.

તમે પણ અટપટા આલ્ફાબેટ્સ અને સ્પેશ્યલ કેરેક્ટર ભલે વાપરવા પડે, પણ તમને મોટિવેટ કરે એવાં વાક્યોના પાસવર્ડ બનાવી જુઓ. પછી પાસવર્ડથી કંટાળો નહીં આવે, એ આપણા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બની જશે!


Google NewsGoogle News