યુટ્યૂબમાં કોપીરાઈટવાળા મ્યુઝિકનો ઉપયોગ થાય તો....
આપણે યુટ્યૂબ પર ફક્ત વીડિયો જોતા હોઇએ તો કોઈ વીડિયોમાં સાંભળવા મળતું
મ્યુઝિક લાયસન્સ્ડ કે અનલાયન્સ્ડ છે તેની આપણને પરવા હોતી નથી. પરંતુ વીડિયો
ક્રિએટરે આ બાબત તરફ ધ્યાન આપ્યા વિના છૂટકો નથી.
યુટ્યૂબ પ્લેટફોર્મ વીડિયોમાંના મ્યુઝિક બાબતે બહુ ગંભીર છે. તેમાં ગમે તે
વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કંપનીના ઓરિજિનલ વીડિયોનો તેની મંજૂરી વિના ઉપયોગ
કરી શકે નહીં. એ કારણે યુટ્યૂબમાં એક એવી સિસ્ટમ છે કે આ પ્લેટફોર્મ પર અપલોડ
થયેલા વીડિયોમાંથી લાયસન્સ વિના મૂકાયેલ ઓડિયો પારખીને તેને વીડિયોમાંથી દૂર કરી
દેવામાં આવે છે. એ સાથે વીડિયો ક્રિએટરને તેની જાણ પણ કરવામાં આવે છે.
યુટ્યૂબની શરતોનો વારંવાર ઉલ્લંઘન કરનાર વ્યક્તિના વીડિયો અને એકાઉન્ટ યુટ્યૂબ
પર બેન થઈ શકે છે.
હવે કંપનીએ આ વાતમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો સહારો લીધો છે.
યુટ્યૂબ તેને ઇરેઝ્ડ પ્રોમ્પ્ટ ટૂલ તરીકે ઓળખાવે છે. આ નવા ટૂલનો ફાયદો એ છે કે તેની મદદથી વીડિયોમાં કોપીરાઇટ
ક્લેઇમ થયેલું મ્યુઝિક દૂર કરી શકાય છે અને બાકીનો વીડિયો યથાવત રાખી શકાય છે.
મતલબ કે કોઈ વીડિયો ક્રિએટરે પોતાના વીડિયો પોતાના અવાજમાં વોઇસ-ઓવર આવ્યો હોય અને
સાથે બેકગ્રાઉન્ડમાં કોઈના કોપીરાઇટવાળા મ્યુઝિકનો ઉપયોગ કર્યો હોય તો હવે ફક્ત એ
મ્યુઝિક જ દૂર થશે.
કંપનીના દાવા મુજબ અગાઉની સિસ્ટમ કરતાં આ નવું એઆઇ-આધારિત ટુલ ઘણું વધુ
પાવરફુલ છે. તેને કારણે વીડિયો ક્રિએટર કોપીરાઇટ ક્લેઇમની ખાસ ચિંતા વિના વીડિયો
ક્રિએટ કરી શકશે.