માનવીએ અંતરિક્ષ સંશોધનના બહાને મંગળ ગ્રહ ઉપર પણ ગંદકી ફેલાવી, 7 ટન કચરો ખડક્યો
53 વર્ષથી અવકાશયાન,રોવર,લેન્ડર, પેરાશ્યુટ્સ, હેલિકોપ્ટર વગેરે સાવ જ બિનઉપયોગી બની રહ્યાં છે
સૌર મંડળનો લાલરંગી ગ્રહ ગંદો -ગોબરો થઇ ગયો છે. પૃથ્વીના પડોશી મંગળ ગ્રહની ધરતી પર 7 ટન જેટલો કચરો જમા થઇ ગયો છે. આ રાતા ગ્રહ પર ભૂતકાળમાં જીવન અને વહેતું જળ હતું કે કેમ તેનું સંશોધન કરવાના હેતુસર ગયેલાં અવકાશયાનો, રોવર્સ, લેન્ડર્સ, પેરાશ્યુટ્સ,હેલિકોપ્ટર વગેરેનું સંશોધન કાર્ય પૂરું થઇ ગયા બાદ બિનઉપયોગી બની જાય છે. આ બધાં વૈજ્ઞાનિક ઉપકરણો છેલ્લાં 53 વર્ષથી મંગળની ધરતી પર કચરો (જંક) બની ગયાં છે અને સાવ જ બિનઉપયોગી બની ગયાં છે.
નાસાના માર્સ હેલિકોપ્ટર મિશનનો અંત
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)નું માર્સ હલિકોપ્ટર ઇન્જેન્યુઇટી મંગળ પર જમા થયેલા કચરાનું તાજું ઉદાહરણ છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના સૌર મંડળના રાતા ગ્રહ મંગળ પરના ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટર મિશનનો અચાનક અંત આવ્યો છે. 2024ની 18 જાન્યુઆરીએ ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટર મંગળના વાતાવરણમાં તેની 72મી ફ્લાઇટ પૂરી કરીને જમીન પર આવ્યું ત્યારે તેની રોટર બ્લેડને ભારે નુકસાન થયું હતું. રોટર બ્લેડને નુકસાન થયું હોવાથી હવે તે મંગળના આકાશમાં ઉડી નહીં શકે. એટલે કે 1.8 કિલોનું ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટર હવે મંગળની ધરતી પર એક બીનઉપયોગી વૈજ્ઞાનિક ઉપકરણ તરીકે દાયકા સુધી રહશે.
કોણે કરી હતી મંગળ ગ્રહ પર સંશોધનની શરૂઆત?
સૂર્ય મંડળના લાલ રંગી ગ્રહ મંગળના વાતાવરણ, રાતા રંગની માટી, ભૂતકાળમાં વહેતું જળ હતું કે કેમ, મંગળનું પેટાળ વગેરે પાસાંના સંશોધનની શરૂઆત 1971માં જૂના સોવિયેત સંઘ દ્વારા થઇ હતી. જૂના સોવિયેત સંઘનું માર્સ-3 અવકાશયાન 1971માં મંગળની ધરતી પર સફળતાથી ઉતરનારું વિશ્વનું પહેલું અવકાશયાન ગણાય છે.વળી, 1971ની 27,નવેમ્બરે જૂના સોવિયેત સંઘના માર્સ-2 અવકાશ યાનના ઓર્બિટરમાંથી છૂટું પડેલું લેન્ડર કોઇક યાંત્રિક ખામી સર્જાતાં મંગળની ધરતી પર તૂટી ગયું હોવાનો સંદર્ભ મળે છે.
પૃથ્વીને બચાવવા માગતો માનવી હવે મંગળને કરી રહ્યો છે ગંદો?
તે ઘટનાથી 2024 સુધીનાં 53 વર્ષ દરમિયાન મંગળ પર ગયેલાં અમેરિકા, જૂનો સોવિયેત સંઘ, યુરોપિયન સ્પેસ એજન્સી વગેરેનાં અવકાશયાન, લેન્ડર, રોવર, હેલિકોપ્ટર તેની કામગીરીની મુદત પૂરી થઇ ગઇ હોવાથી સાવ જ બિન ઉપયોગી બની ગયાં છે. મંગળ પર નકામી વસ્તુની જેમ રહેશે. હાલ મંગળની ધરતી પર નાસાનું ક્યુરિયોસિટી રોવર અને તેની માર્સ લેબોરેટરી, પર્સિવરન્સ રોવર સહિત ચીનનું ઝૂરોન્ગ વગેરે સક્રિય છે. એક તરફ પૃથ્વીનો માનવી આ વિશાળ ગ્રહને સ્વચ્છ અને સુંદર બનાવવા અને પર્યાવરણની સમતુલા જાળવવા સેમિનાર, વર્કશોપ, ચર્ચાસભા, ઝુંબેશથી લઇને આંતરરાષ્ટ્રીય કરાર વગેરેનું આયોજન કરે છે. તો બીજીબાજુ પૃથ્વીનો જ માનવી અંતરિક્ષ સંશોધનના નામે અને બહાને સૌર મંડળના મંગળ જેવા ગ્રહને ગંદો-ગોબરો કરી રહ્યો છે.