ચોક્કસ વ્યક્તિના મીડિયાને વોટ્સએપ પર ઓટોમેટિક સેવ થતાં આ રીતે બંધ કરો...
WhatsApp Media Download: દિવસના જ્યારથી એક જીબી અથવા તો અઢી જીબી ડેટા થયા છે ત્યારથી વોટ્સએપ પર ડેટા શેર કરવાનું ચલણ વધ્યું છે. લોકો એક પછી એક ફોટો અને વીડિયો શેર કરતાં રહે છે. પરિણામે મોબાઇલની સ્ટોરેજ ફુલ થઈ જાય છે. એન્ડ્રોઇડ હોય કે આઇફોન આજે સ્ટોરેજનો ઇશ્યુ દરેક ફોનમાં આવે છે. આથી યુઝર માટે આ ડેટાને વારંવાર ડિલીટ કરવું જરૂરી બને છે. આ ડિલીટ કરવાનું કારણ ફોટો અથવા તો વીડિયો ગેલેરીમાં પણ સેવ થાય એ છે. આથી વોટ્સએપ પર મીડિયા ડાઉનલોડ કર્યા હોય તો એને ગેલરીમાં સેવ કરવું કે નહીં એ નક્કી કરી શકાય છે. આ માટે બે ઓપ્શન છે જે વિશે માહિતી જોઈએ.
આ પણ વાંચો: હવે ઘરોની સુરક્ષા રોબોટ સંભાળશે, જાણો કોઈને પણ પોસાય એવા સસ્તા સિક્યોરિટી રોબોટની કિંમત
દરેક ચેટ અને ગ્રુપ માટે ઓપ્શન બંધ રાખવું
વોટ્સએપ પર જેટલી પણ ચેટ અને ગ્રુપ હોય એના માટે ડાઉનલોડ કરેલાં ડેટાને ગેલેરીમાં સેવ કરતાં બંધ કરી શકાય છે. આ માટે સૌથી પહેલાં સેટિંગ્સમાં જઈને ચેટમાં જઈને સેવ ટૂ ફોટોઝ અથવા તો મીડિયા વિઝિબિલિટી હશે એને બંધ કરી દેવું. જો ઓન રાખવામાં આવશે તો દરેક ફોટો અને વીડિયો ગેલેરીમાં જોવા મળશે. તેમ જ ઓટોમેટિક ડાઉનલોડિંગ પણ બંધ કરી દેવું. આ ઓટોમેટિંગ ડાઉનલોડનું ઓપ્શન સેટિંગ્સમાં જઈને સ્ટોરેજ અને ડેટામાં જોવા મળશે.
સિલેક્ટેડ વ્યક્તિ માટે બંધ કરવું
ઘણી વાર એવું બનતું હોય છે કે વોટ્સએપ પર કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા તો કોઈ ગ્રુપમાં વધુ ફોટો અને વીડિયો આવતાં હોય છે. આથી આ પ્રકારના ગ્રુપ અથવા તો ચોક્કસ વ્યક્તિ માટે સેવનું ઓપ્શન બંધ રાખી શકાય છે. જોકે આ માટે પહેલાં સેટિંગ્સના ચેટમાં સેવ ટૂ ફોટોઝ અથવા તો મીડિયા વિઝિબિલિટી ઓપ્શન ચાલું હશે તો દરેકના મીડિયા સેવ થશે. આથી જે-તે ચોક્કસ વ્યક્તિ અથવા તો ગ્રુપમાં જઈને તેના નામ પર ક્લિક કરતાં મેન્યુ ઓપન થશે. આ મેન્યુમાં સેવ ટૂ ફોટોઝમાં ત્રણ ઓપ્શન હશે. ડીફોલ્ટ, ઓલ્વેસ અને નેવર. ડીફોલ્ટ એટલે કે ચેટમાં જે ઓપ્શન હશે એ રહેશે. ઓલ્વેસ પસંદ કરતાં ફોટો સેવ થવા લાગશે અને નેવર કરતાં ફોટો સેવ થતાં બંધ થઈ જશે. આથી જે-તે વ્યક્તિ અથવા તો ગ્રુપના ફોટો ન જોઈતા હોય ત્યારે એને નેવર પર ક્લિક કરતાં એ બંધ થઈ જશે અને નકામી સ્ટોરેજનો ઉપયોગ થતો પણ બંધ થઈ જશે.