ફોટોઝમાંની ઇમેજીસ સલામત રીતે શેર કઇ રીતે કરી શકાય
આપણા ડિજિટલ ફોટોઝના
સ્ટોરેજ, મેનેજમેન્ટ અને શેરિંગ માટે ગૂગલની ફોટોઝ’
સર્વિસ સૌથી સારી સર્વિસ છે અને તેના ઉપયોગ
વિશે આપણે 'ટેકનોવર્લ્ડ’માં અવારનવાર જાણ્યું છે. આ એપ બધી રીતે મજાની અને
સલામત છે પરંતુ ક્યારેક આપણી નજીવી ભૂલને કારણે આપણા ફોટા ખાનગી રહેવાને બદલે સૌ
કોઈ માટે ઉપલબ્ધ થઈ જાય એવું બની શકે છે.
જો તમે આ સર્વિસનો
ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે તેમાં આપણે અમુક આલબમ બનાવીને તેની લિંક અન્ય
અન્ય મિત્રો અને સ્વજનો સાથે શેર કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ પ્રસંગ કે ટૂર સાથે
માણ્યા હોય તો એક વ્યક્તિ તેનો આલબમ ક્રિએટ કરે અને અન્ય વ્યક્તિઓને તેમાં સામેલ
કરે (એટલે કે તેની લિંક શેર કરે) તો એ અન્ય વ્યક્તિઓ પણ તેમાં પોતપોતાના ફોટોઝ
ઉમેરી શકે છે. જે આ લિંક ધરાવતી દરેક વ્યક્તિ જોઈ શકે છે.
તકલીફ એ છે કે આપણે
શેર કરેલી લિંક ગ્રૂપમાં સામેલ વ્યક્તિ બીજા કોઈ પણ સાથે શેર કરી શકે છે. એટલે કોઈ
મિત્ર આ આલબમની લિંક પોતાના અન્ય મિત્રને શેર કરે અને એ હજી આગળ શેર કરે તો વખત
જતાં આપણો આલબમ ક્યાંક સોશિયલ મીડિયા પર પબ્લિક બની જાય એવું થઈ શકે છે.
આવું થતું ટાળવા માટે
તમે શેર્ડ આલબમનું આગળનું શેરિંગ અટકાવી શકો છો.
એમ કરવા માટે ફોનની
ફોટોઝ એપમાં જાઓ. તેમાં નીચેના ચાર મુખ્ય ટેબમાં ત્રીજું ટેબ શેરિંગનું જોવા મળશે. તેને
ક્લિક કરતાં આપણે જેટલા આલબમ અન્યો સાથે શેર કર્યા હશે તે જોવા મળશે.
કોઈ પણ આલબમ પર ક્લિક
કરીને તેને ઓપન કરો. જો આ આલબમમાં સામેલ લોકો તેને આગળ શેર કરી શકે તેમ હોય તો
દરેકના ફોટાની સૌથી આગળ લિંકની નિશાની જોવા મળશે. તેને ક્લિક કરો અને જે વિકલ્પો
મળે તેમાં લિંક શેરિંગ બંધ કરી દો. આથી હવે આ આલબમની લિંક શેરેબલ રહેશે નહીં.
પરંતુ તેની લિંક પહેલેથી જ જેટલા લોકોને મળી હશે, તેઓ તેમાં ફોટોગ્રાફ
જોવાનું કે ઉમેરવાનું ચાલુ રાખી શકશે.
તમે કોઈ પણ શેર્ડ
આલબમ ઓપન કરી, ઉપર જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરી તેના ઓપ્શનમાં
જઈ શકશો અને ત્યાંથી પણ તેની લિંક શેરિંગને ઓફ કરવાના વિકલ્પ સુધી પહોંચી શકાશે.