તમે પણ UPI સ્કેમ્સને ઓળખી શકો છો, જાણો કેવી રીતે તેનાથી બચી શકાય
UPI Scam: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને કારણે ભારતમાં ડિજિટલ ટ્રાન્સેક્શનનો ઉપયોગ ખૂબ જ થવા લાગ્યો છે. ભારત જ નહીં, પરંતુ દુનિયાભરના દેશમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે. એનો લાભ સ્કેમર્સ પણ કરી રહ્યાં છે. UPIનો ઉપયોગ કરીને આજે ઘણાં લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. લોકોના પૈસા બેન્કમાંથી ગાયબ થઈ રહ્યાં છે. આથી જ UPI સ્કેમને ઓળખવું અને એનાથી દૂર રહેવું જરૂરી છે.
પૈસા લેવા માટે પિનની જરૂર નથી પડતી
ઘણી વાર યુઝરને ફોન આવતાં હોય છે કે તેમને લોટરી લાગી છે. તેમ જ ઘણી વાર એવું કહેવામાં આવે છે કે તમારા એકાઉન્ટમાં આટલા રૂપિયા જમા થઈ ગયા છે. આ માટે ઓથેન્ટિકેશન માટે મોબાઇલમાં પીન નંબર એન્ટર કરવા કહે છે. જોકે એ સ્કેમ હોય છે. પૈસા ખાતામાં જમા કરવા માટે કોઈ પણ દિવસ પીન નંબર અથવા તો વન ટાઇમ પાસવર્ડની જરૂર નહીં પડે. આ માટે સ્કેમર્સે યુઝરને સામેથી પૈસા માટે રીક્વેસ્ટ કરી હોય છે. આ રીક્વેસ્ટ માટે પીન નંબર એન્ટર કરતાંની સાથે જ પૈસા ખાતામાંથી નીકળી જશે.
ભૂલથી પૈસા જમા થઈ ગયા
ઘણીવાર યુઝરના પર એક મેસેજ આવે છે કે તેના ખાતામાં આટલા રૂપિયા જમા થઈ ગયા છે. ત્યાર બાદ એક વ્યક્તિનો ફોન આવે છે કે તેનાથી તમારા ખાતામાં ભૂલમાં પૈસા જમા થઈ ગયા છે. આથી એ વ્યક્તિ એ પૈસા ફરી માગે છે. જોકે એ આપવાની યુઝર ના પાડે ત્યારે એમાંથી થોડા પૈસાની ડિમાન્ડ કરે છે. જોકે યુઝર પર આવેલો મેસેજ ખોટો હોય છે અને એ વ્યક્તિ વાતમાં ભોળવાઈને પૈસા ટ્રાન્સફર કરવાની ભૂલ ન કરવી.
આ પણ વાંચો: રશિયન મીડિયાને બેન કર્યું મેટાએ, ‘વિદેશી દખલગિરી’નું નામ આપી આ પગલું ભર્યું
ખોટી UPI એપ્લિકેશન
હાલમાં ઘણી ખોટી UPI એપ્લિકેશન માર્કેટમાં ચાલી રહી છે. આ એપ્લિકેશનની મદદથી પેમેન્ટ કરવામાં આવે ત્યારે યુઝરના ખાતામાં પૈસા જમા થવાની જગ્યાએ અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા જમા થાય છે. તેમ જ યુઝર પેમેન્ટ કરતો હોય ત્યારે કોડ સ્કેન તો થાય છે, પરંતુ પૈસા જે-તે વ્યક્તિના સ્કેનરના એકાઉન્ટમાં જમા થવાની જગ્યાએ અન્ય એકાઉન્ટમાં જમા થઈ જાય છે.
આથી હંમેશાં આ પ્રકારના સ્કેમથી દૂર રહેવું. યુઝર સાથે સ્કેમ થાય તો એ વિશે ફરિયાદ તો કરી શકે છે. જોકે એમ છતાં ચેતીને રહેવું વધુ સારું.