મોબાઇલમાં કીબોર્ડને પ્રાઇવેટ કેવી રીતે રાખશો? આટલું કરો જેથી યુઝર્સના ડેટા કલેક્ટ નહીં કરી શકાય...
Keep Keyboard Private: ઇન્ટરનેટની દુનિયામાં પ્રાઇવસી સાચવવી અને મળવી એ કોઈ મિલકતથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર હવે કોઈની લાઇફ પ્રાઇવેટ નથી રહી, પરંતુ વાતચીતને પ્રાઇવેટ રાખવી એટલી જ જરૂરી છે. આજે યુઝર્સ જે ટાઇપ કરે છે અને જે બોલે છે એ થોડા જ સમયમાં યુઝર્સને તેની સોશિયલ મીડિયાની ફીડ પર જોવા મળે છે. આ પાછળનું કારણ યુઝર્સ જે કીબોર્ડ પર ટાઇપ કરે છે એ છે. ઘણી વાર એવા રિપોર્ટ પણ બહાર આવ્યા છે કે સોશિયલ મીડિયા દ્વારા યુઝર્સની વાતોને પણ સાંભળવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં હવે યુઝર્સ જે ટાઇપ કરે છે અને જે પૂછે છે એ બધું રેકોર્ડ થાય છે. આથી દરેક યુઝર્સ આજે જે પણ કંઈ કરે છે એ પ્રાઇવેટ નથી રહેતું. આ માટે તેમની વાતચીતને પ્રાઇવેટ રાખવા માટે યુઝર્સ દ્વારા કીબોર્ડને પ્રાઇવેટ કરવું જરૂરી છે.
કેવી રીતે કરશો કીબોર્ડને પ્રાઇવેટ?
એન્ડ્રોઇડ: એન્ડ્રોઇડમાં કીબોર્ડને પ્રાઇવેટ કરવા માટે એના સેટિંગ્સમાં થોડા ફેરફાર કરવા જરૂરી છે. ગૂગલ બોર્ડ એટલે કે Gboardનો ઉપયોગ કરનારા યુઝર્સની કીબોર્ડ ઇનકોગ્નિટો મોડમાં ઓટોમેટિક પ્રાઇવેટ થઈ જાય છે. સ્વિફ્ટકી કીબોર્ડનો ઉપયોગ કરનારા યુઝર્સ કીબોર્ડના સેટિંગ્સમાં જઈને ઇનકોગ્નિટો મોડને ઓન કરી શકે છે. આ ઓન કરતાંની સાથે જ કીબોર્ડના લૂકનો કલર બદલાઈ જશે. આ કલર બદલાઈ જતાં સમજવું કે કીબોર્ડ પ્રાઇવેટ થઈ ગયું છે.
એપલ: આઇફોનમાં કીબોર્ડને સંપૂર્ણ રીતે પ્રાઇવેટ નહીં કરી શકાય. જોકે નજીકના ભવિષ્યમાં એ પણ આવી શકે છે. સફારી અથવા તો ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતી વખતે જ કીબોર્ડને પ્રાઇવેટ કરી શકાય છે. આથી યુઝર શું સર્ચ કરી રહ્યો છે એ નહીં જાણી શકાય. સફારી ઓપન કરી એમાં પ્રાઇવેટ મોડમાં કીબોર્ડ પણ પ્રાઇવેટ થઈ જાય છે. ક્રોમ બ્રાઉસરમાં થ્રી-ડોટ પર ક્લિક કરી ઇનકોગ્નિટો ટેબ ઓપન કરતાં એમાં પણ કીબોર્ડ પ્રાઇવેટ થઈ જશે.
વોટ્સએપમાં નહીં થાય પ્રાઇવેટ
એન્ડ્રોઇડ અને એપલ બન્નેમાં વોટ્સએપમાં કીબોર્ડ પ્રાઇવેટ નહીં રહે. જોકે યુઝર વોટ્સએપ પર તેની પ્રાઇવસી સેટિંગ્સમાં બદલાવ જરૂર કરી શકે છે. આ પ્રાઇવસી માટે યુઝર વોટ્સએપમાં જઈને પ્રાઇવસીમાં તેની પ્રોફાઇલને લગતી વિગત જોઈ શકે છે. આ સાથે જ રીડ રિસિપ્ટને બંધ કરતાં તેની પ્રાઇવસીમાં વધુ એક લેયરનો ઉમેરો થશે. યુઝરે મેસેજ વાંચ્યા છે કે નહીં અને તે ક્યારે ઓનલાઇન હતો વગેરે જેવી માહિતી બંધ થઈ જશે. જો કે વોટ્સએપ યુઝર શું ટાઇપ કરી રહ્યો છે એ વિશે માહિતી કલેક્ટ કરતું રહેશે.