ઇન્ટરનેટ અને AIના જમાનામાં ફાઇલને ઇન્ક્રિપ્ટ કરવી જરૂરી, જાણો કેવી રીતે કરશો...
Data Encryption: ઘણીવાર આપણે એવા સમાચાર સાંભળીએ છીએ કે આ પ્લેટફોર્મના ડેટા લીક થયા. હાલમાં જ ડીપસીકના ડેટા લીક થયા હોવાનું બહાર આવ્યું છે. ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ઝડપી દુનિયામાં પર્સનલ ઇન્ફોર્મેશનને સુરક્ષિત રાખવી ખૂબ જ જરૂરી છે. આ માટે કોઈપણ ફાઇલમાં ઇન્ક્રિપ્શન રાખવું ખૂબ જ જરૂરી છે. પર્સનલ કોમ્પ્યુટરમાં ફાઇલ્સ અને ફોલ્ડરને ઇન્ક્રિપ્ટમાં રાખવું જરૂરી છે. એવું નથી કે ફાઇલ ઇન્ક્રિપ્ટ કરવા માટે ટેક્નોલોજીના ખૂંખાર હોવું જરૂરી છે. એ દરેક યૂઝર ખૂબ જ સરળતાથી કરી શકે છે.
બિલ્ટ-ઇન ઇન્ક્રિપ્શન ટૂલ
દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ અને એપલની મેક છે. બન્ને ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્ક્રિપ્શન ટૂલ બિલ્ટ-ઇન આપવામાં આવ્યું છે. વિન્ડોઝ યૂઝર આ માટે ધિસ પીસીમાં જઈને કોઈ પણ ડ્રાઇવ પર રાઇટ ક્લિક કરી ‘ટર્ન ઓન બિટલોકર’ પર ક્લિક કર્યા બાદ પ્રોસેસને ફોલો કરી શકે છે. મેક યૂઝર માટે ફાઇલ વોલ્ટ બનાવવામાં આવ્યું છે. આ માટે સિસ્ટમ પ્રેફરન્સિસમાં સિક્યોરિટી એન્ડ પ્રાઇવસીમાં જઈને ફાઇલ વોલ્ટને ઓન કરી શકે છે. આ ઓપ્શન બન્ને ખૂબ જ સારા છે અને યૂઝર્સ તેમના ડેટાને સુરક્ષિત રાખી શકે છે.
થર્ડ-પાર્ટી સોફ્ટવેર
ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા યૂઝર્સ માટે પૂરતી સિક્યોરિટી આપવામાં આવે છે. જોકે એમ છતાં યૂઝર્સને વધુ સિક્યોરિટીની જરૂર હોય તો આ માટે થર્ડ-પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ફ્રી વર્ઝન અને પેઇડ વર્ઝન બન્ને પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ છે. કેટલાક સોફ્ટવેર એવા છે કે એના દ્વારા ફોલ્ડર અથવા તો સંપૂર્ણ ડ્રાઇવ (પાર્ટિશન)ને જ ઇન્ક્રિપ્ટ બનાવી શકાય છે. આ એક લોકરની જેમ કામ કરે છે. એમાં જેટલી ફાઇલ નાખશો દરેક ઇન્ક્રિપ્ટેડ રહેશે.
ફાઇલ શેર કરવા પહેલાં ઇન્ક્રિપ્ટ કરવી
ઇન્ટરનેટ પર ફાઇલ શેર કરવા પહેલાં એને ઇન્ક્રિપ્ટ કરવી જરૂરી છે. જો એ ફાઇલમાં સેન્સિટિવ ડેટા હોય તો એ લીક થવાના ચાન્સ વધુ છે. આવી ફાઇલને પાસવર્ડ અથવા તો ઇન્ક્રિપ્શન દ્વારા શેર કરવી વધુ જરૂરી છે. આ માટે પણ ઘણાં ફ્રી સોફ્ટવેર ઉપલબ્ધ છે. આ માટે વધુ ડાઉનલોડ થયેલું અથવા તો સારા રીવ્યુ વાળું સોફ્ટવેર ડાઉનલોડ કરવું. એક વાર ઇન્સ્ટોલ કર્યા બાદ મોટા ભાગના સોફ્ટવેરમાં ફાઇલને રાઇટ ક્લિક કરતાં ઇન્ક્રિપ્ટ ઓપ્શન આવી જશે, એના પર ક્લિક કરવું. ત્યાર બાદ ફાઇલ માટેનો પાસવર્ડ નાખવો અને આ પાસવર્ડ જેને ફાઇલ મોકલવામાં આવતી હોય તેમને જ પાસવર્ડ આપવો.
આ પણ વાંચો: આઇફોન 16eના લોન્ચ બાદ હવે એપલ એર ડિવાઇસ આવી રહી છે, કંપનીના CEO ટિમ કૂકે કરી જાહેરાત
ડેટા બેકઅપ
પ્રાઇવસી માટે ડેટાનું બેકઅપ રાખવું ખૂબ જ જરૂરી છે. હાર્ડવેર અથવા તો સોફ્ટવેરમાં પ્રોબ્લેમ આવતાં ડેટા ખોવાનો સમય આવી શકે છે. આથી આ માટે એક્સટર્નલ હાર્ડડ્રાઇવ અથવા તો ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરી ઇન્ક્રિપ્ટ ડેટાનું બેકઅપ કરતાં રહેવું. આથી જરૂર પડ્યે તમામ જરૂરી ફાઇલને ફરી મેળવી શકાય.