ઇમરજન્સીમાં બેટરી ફૂલ ચાર્જ કરવાનો સમય નથી? આ બાબતનું ધ્યાન આપો અને મોબાઇલ ઝડપથી ચાર્જ કરો...
How To charge Mobile Fast: દરેક વ્યક્તિ એવી પરિસ્થિતિમાં ઘણી વાર આવી હશે જ્યારે તેને ઇમરજન્સીમાં ક્યાંક જવાનું હોય, પરંતુ તેના મોબાઇલમાં બેટરી નહીં હોય. આ સમયે તેની પાસે બેટરી ફૂલ કરવા માટે સમય નહીં હોય. લાંબા સમય માટે જવાનું હોય અને એ માટે નિકળવા માટે ફક્ત ૩૦ મિનિટનો પણ સમય નહીં હોય. આ સમયે કેવી રીતે બેટરી ઝડપથી ચાર્જ કરવી એ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખી શકાય છે. આ માટે કોઈ અલગથી કેબલ અથવા તો એડેપ્ટર લેવાની જરૂર નથી. યૂઝર પાસે જે કેબલ હોય એથી જ ઝડપથી ચાર્જ કરી શકાય છે. જોકે એ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
મોબાઇલનો ઉપયોગ કરવું ટાળવું
યૂઝર પાસે જ્યારે સમય ઓછો હોય અને મોબાઇલને ઝડપથી ચાર્જ કરવો હોય ત્યારે મોબાઇલને ચાર્જમાં મૂકવું. જોકે એ સમયે બિલકુલ પણ મોબાઇલનો ઉપયોગ નહીં કરવો. ચાર્જમાં મૂકતા પહેલાં મોબાઇલ ડેટા બંધ કરી દેવું તેમ જ ડિસ્પ્લેની બ્રાઇટનેસ ઝીરો કરી દેવી. મોબાઇલ ડેટા બંધ કરતાં ઇન્ટરનેટનો ઉપયોગ નહીં થાય તેથી બેટરીનો બચાવ થશે. વાઇ-ફાઇનો ઉપયોગ કરતાં હોય તો એ પણ બંધ કરી દેવું અને બ્લુટૂથ ડિવાઇઝ કનેક્ટ હોય તો એ પણ બંધ કરી દેવું. ઇન્ટરનેટનો ઉપયોગ નહીં થાય એટલે બેટરી બચશે, પરંતુ સાથે જ નોટિફિકેશન ન આવતાં ડિસ્પ્લે પણ વારંવાર ચાલુ નહીં થાય. પ્રોસેસર પણ સ્ટેન્ડબાય મોડ પર હોવાથી જલદી મોબાઇલ ચાર્જ થઈ શકે છે. ડૂ-નોટ-ડિસ્ટર્બ શરૂ કરીને જો ચાર્જ કરવામાં આવે તો એનાથી સારી વાત કોઈ નહીં હોય.
ચાર્જિંગ પોર્ટને સાફ રાખવું
હંમેશાં ચાર્જિંગ પોર્ટ અને ચાર્જિંગ કેબલને સાફ રાખવું. ધૂળ અથવા તો કોઈ પણ કચરું હોય તો એ કેબલ અને પોર્ટની વચ્ચે આવતાં કનેક્શનને ધીમું કરી શકે છે. આથી હંમેશાં બન્ને વસ્તુને એકદમ સાફ રાખવી. આ માટે પાણી અથવા તો સેનિટાઇઝરનો ઉપયોગ ન કરવો. સેનિટાઇઝરમાં આલ્કોહોલ હોવાથી એનો મોબાઇલમાં કોઈ દિવસ ઉપયોગ ન કરવો. એ કરવાથી મોબાઇલમાં વોટરપ્રૂફ લોક હોય એ નીકળી શકે છે. ચાર્જિંગ પોર્ટને સાફ કરવા માટે ટૂથપીક અથવા તો કોઈ પણ સામાન્ય વસ્તુનો ઉપયોગ કરવો. સોઈ અથવા તો કોઈ પણ મેટલ અને ધારદાર વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું. એનાથી ચાર્જિંગ પોર્ટ ડેમેજ થઈ શકે છે.
ગરમીથી દૂર રાખવું
ઇમરજન્સી સમયે મોબાઇલ ગરમ ન થાય એનું ધ્યાન રાખવું, તેમ જ એના પર સીધી ગરમી પડતી હોય એવી જગ્યાએ પણ ચાર્જમાં નહીં મૂકવું. મોબાઇલ ગરમ થતાં ઓટોમેટિક ચાર્જિંગ કેપેસિટી ધીમી થઈ જાય છે. આથી ઇમરજન્સી કેસમાં બને ત્યાં સુધી ઠંડી જગ્યાએ એને ચાર્જમાં મૂકવું. મોબાઇલ પહેલેથી ગરમ હોય અને કવરનો ઉપયોગ કરતાં હોય તો એને સૌથી પહેલાં કવરમાંથી કાઢી નાખવું. કવરમાંથી કાઢી નાખતાં કવરની ગરમીથી એ વધુ ગરમ થતો અટકશે. તેમ જ ઠંડી જગ્યાએ ચાર્જમાં મૂકવાથી એ બહુ જલદી નોર્મલ ટેમ્પરેચર સાથે સેટ થઈ જશે.
ઓરિજિનલ અથવા તો સર્ટીફાઇડ એસેસરીઝનો ઉપયોગ કરવો
ઘણાં યૂઝર્સ ઘણીવાર ઓરિજિનલ કેબલ અથવા તો નવો કેબલ હોય તો એને સાચવીને રાખે છે. ઘરમાં બીજો કેબલ હોય તો એનો ઉપયોગ કરે છે. આજે દરેક મોબાઇલમાં યુનિવર્સલ કેબલનો સમાવેશ કરવામાં આવે છે. એથી જ કેબલ અને એડેપ્ટર પણ એકસરખા આવે છે. આ સમયે યુઝરે ફક્ત તેનો મોબાઇલને સપોર્ટ કરતો હોય એ જ કેબલ અને એડેપ્ટરનો ઉપયોગ કરવો. યુઝર પાસે 55Wનું એડેપ્ટર હોય અને જલદી ચાર્જ કરવાની લહાઇમાં એનો ઉપયોગ કરે તો એ સીધું બેટરી પર માર પડે છે.
આથી 20Wનો સપોર્ટ કરતાં મોબાઇલમાં વધુ વોટનું એડેપ્ટરનો ઉપયોગ નહીં કરવો. તેમ જ કેબલ પણ હંમેશાં સારી કંપનીનો ઉપયોગ કરવો. એડેપ્ટર સારું હોય, પરંતુ કેબલ સસ્તામાનો ઉપયોગ કરતાં હોય તો પણ એ કરંટ એટલો પાસ નથી કરી શકતું. આથી આ સમયે બેટરી ધીમે ચાર્જ થાય છે અને મોબાઇલ ડેમેજ થવાના ચાન્સ પણ એટલાં જ વધી જાય છે. આથી હંમેશાં ઓરિજિનલ અથવા તો કંપની દ્વારા સર્ટીફાઇડ ચાર્જર અને કેબલનો ઉપયોગ કરવાનું પસંદ કરવું.