Explainer: સરકાર નવી ટોલ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે, તે કેવી હશે અને કેવી રીતે કામ કરશે?
શું દરેક વાહનોમાં ઓન-બોર્ડ યૂનિટ ડિવાઈસ લગાવવું જરુરી છે
કેવી હશે નવી ટોલ સિસ્ટમ, ક્યા સુધીમાં થઈ જશે લાગુ, શું હશે પડકાર
Image Twitter |
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફેબ્રુઆરીમાં સંસદમાં કહ્યું હતું કે, સરકાર 2024ની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં વૈશ્વિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ પર આધારિત નવી હાઈવે ટોલ સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. જો કે હવે લાગુ કરવી મુશ્કેલ છે, પરંતુ આ વર્ષે ચૂંટણી પૂરી થયા પછી આજ વર્ષેમાં આપણે તેનો અમલ શરુ કરાવી દઈશું.
જ્યાંથી Entry અને Exit કરશો, માત્ર એટલો જ ટોલ વસૂલાશે
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સંસદમાં સેટેલાઇટ ટોલ સિસ્ટમ વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે દાવો કરતાં કહ્યું હતું કે, "અમે સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લગાવવા જઈ રહ્યા છીએ, અને તે પછી ટોલ નાકા હટાવી લેવામાં આવશે. તમારે કોઈ ટોલ નાકા પર રોકાવાની જરૂર નહીં પડે. આ સિસ્ટમ દ્વારા તમારી કારની નંબર પ્લેટનો એક ફોટો લેવામાં આવશે. તમે જ્યાંથી એન્ટ્રી કરશો અને જ્યાંથી બહાર નીકળશો, માત્ર એટલો જ ટોલ વસૂલવામાં આવશે. અને તે પણ સીધા તમારા બેંક ખાતામાંથી કપાઈ જશે. આ સિસ્ટમમાં તમને કોઈ રોકશે નહીં અને કોઈ મુશ્કેલીનો સામનો પણ નહી કરવો પડે."
નવી સિસ્ટમ વિશે લોકોના મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે
કેન્દ્ર સરકાર દ્વારા આ નવી સિસ્ટમ શરુ થવા જઈ રહી છે, પરંતુ આ સિસ્ટમ કેવી હશે? કઈ રીત કામ કરશે, ફાસ્ટ ટેગ સિસ્ટમ ખત્મ થઈ જશે, તેમજ આ સિસ્ટમ માટે તમારી કારમાં કોઈ નવું ડિવાઈસ લગાવવામાં આવશે? વગેરે જેવા અનેક સવાલો મગજમાં ફરી રહ્યા છે. આવો આ અંગેના કેટલાક પ્રશ્નો અને તેમના જવાબો જાણીએ.
નવી સ્થાપિત થનારી હાઇવે ટોલિંગ સિસ્ટમ શું છે?
ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ સંયુક્ત રાજ્ય અમેરિકા ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) સહિત કોઈપણ સેટેલાઇટ-આધારિત નેવિગેશન સિસ્ટમ કામ કરશે. તેનો ચોક્કસ ઉપયોગ કોઈ એક સેટેલાઈટ દ્વારા નહીં પરંતુ આકાશમાં ફરતાં સેટેલાઈટના એક મોટા ગ્રૃપ દ્વારા કરવામાં આવે છે. તેમજ આ સિસ્ટમ GPSથી અલગ છે.
વાહનોમાં ફાસ્ટ ટેગ હશે કે કોઈ અન્ય ડિવાઈસ રહેશે?
જો આ સિસ્ટમ સમગ્ર ભારતમાં લાગુ થઈ ગઈ તો વાહનો પર ફાસ્ટ ટેગ રાખવાનું કોઈ કારણ રહેશે નહીં. ત્યારે વાહનોની અંદર નવું ડિવાઈસ લગાવવામાં આવશે જેને ઓન-બોર્ડ યુનિટ (OBU) અથવા ટ્રેકિંગ ડિવાઈસ કહેવામાં આવે છે. જે સતત ભારતીય સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ GAGAN સાથે જોડાયેલું રહેશે અને તે મેપ કરતું રહેશે કે તમારું વાહન ક્યાં જઈ રહ્યું છે અને ક્યા રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે. આ સિસ્ટમ તમારા વાહનની સ્થિતિથી 10 મીટર નજીકથી ચોકસાઈપૂર્વક કામ કરે છે.
આ સિસ્ટમ કેવી રીતે લાગુ કરવામાં આવશે?
આ સિસ્ટમ માટે દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સમગ્ર લંબાઈની સ્થિતિ ડિજિટલ ઈમેજ પ્રોસેસિંગ દ્વારા લોગ ઈન કરવામાં આવશે અને દરેક હાઈવેના ટોલ દરને સોફ્ટવેરની મદદથી તેમા દાખલ કરવામાં આવશે, જેથી વાહન જે પણ રોડ પરથી પસાર થશે, તેમા તમારા વાહનમાં લગાવવામાં આવેલ ડિવાઈસ તમારા એટલા પૈસા કાપી લેશે. જો કે, આ સિસ્ટમમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે જે હાલમાં પૂરુ કરવામાં આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે જો તમારું વાહન આગ્રાથી લખનૌ એક્સપ્રેસવે પર જઈ રહ્યું છે અને તે આ રસ્તા પર માત્ર પહેલા 100 કિલોમીટર સુધી ચાલીને અન્ય કોઈ જોડાયેલા રોડ પર ચલાવે છે તો આ ડિવાઈસ એટલી જ રકમ કાપશે જેટલો રસ્તો તમે ઉપયોગ કર્યો છે.
શું હાઇવે પર વાહનોની મૂવમેન્ટ કેપ્ચર કરવા સાધનો લગાવાશે?
હા, આ સિસ્ટમ લાગુ કરતાં પહેલા હાઇવેના વિવિધ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા સાથે ગેન્ટ્રી અથવા તોરણ લગાવેલા હશે. આ વાહનની ઉચ્ચ સુરક્ષા રજીસ્ટ્રેશન પ્લેટનો ફોટો કેપ્ચર કરશે. જેથી આ સિસ્ટમ તમારી સ્પીડની સાથે સાથે તમારા લોકેશન પર પણ નજર રાખશે. એટલે તમે નિર્ધારિત કરેલી સ્પીડ કરતાં વધારે સ્પીડમાં ચલાવી શકશો નહીં.
આ સિસ્ટમ શું કોઈ પડકારોનો સામનો કરવો પડશે?
ભારત જેવા દેશમાં સૌથી પહેલો પડકાર એ આવશે કે દરેક વાહનમાં આ ડિવાઈસ અથવા યુનિટ કેવી રીતે લગાવવું, જે દરેક હિલચાલ પર નજર રાખશે, બીજુ એ કે આ ડિવાઈસ વોલેટ સાથે જોડાયેલું હશે અને તેમાં પૈસા છે કે નહીં.. આવી સ્થિતિમાં રોડનો ઉપયોગ કરનાર પાસેથી પેમેન્ટ કેવી રીતે વસૂલ કરવું? આપણા દેશની સ્થિતિ એવી છે કે હાલમાં પણ ઘણા વાહનોમાં ફાસ્ટ ટેગ લગાવવામાં નથી આવ્યું. આથી આ સિસ્ટમ સામે સૌથી મોટો પડકાર એ રહેશે કે જે રોડ ઉપયોગ કરનાર પૈસા નથી ચૂકવતો તો તેની પાસેથી કઈ રીતે વસૂલ કરવા.
સરકાર પાસે અનેક પડકારો છે...
ઘણીવાર એવુ પણ બને કે લોકો મુસાફરી કરતા પહેલા વાહનની અંદર રાખેલ ડિવાઈસ ખરાબ કરી નાખે. તો આવી પરિસ્થિતિમાં શું કરવું. એ પછી હળવા વાહનો માટે અને ભારે વાહનો માટે ટોલ અલગ-અલગ રાખવો કે કેમ? આ ઉપરાંત ક્યા વાહનમાં કયા પ્રકારનું ડિવાઈસ લગાવવામાં આવે? એટલે સરકારને હાલમાં અનેક પડકારો ઉભા છે.