કેટી પેરીની જેમ સ્પેસમાં ટ્રાવેલ કરવું હોય તો તમને કેટલા રૂપિયાનો ખર્ચ થશે?
Space Tourism Cost: પોપ સિંગર કેટી પેરી હાલમાં જ અંતરીક્ષની સફર કરીને આવી છે. બ્લૂ ઓરિજિન રોકેટ દ્વારા કરેલી આ સફર દ્વારા તેમણે ઇતિહાસ રચ્યો છે. 1963 બાદ પહેલી વાર ફક્ત મહિલાઓ અંતરીક્ષમાં ગઈ હતી. કેટી પેરી, લોરેન સેનચેઝ, આયશા બોવે, અમાંડા ગુયેન, ગેલ કિંગ અને કેરિયન ફ્લિન સહિસલામત પૃથ્વી પર પાછા આવી ગયા છે અને દરેકની નજર તેમના તરફ છે. જોકે અંતરીક્ષમાં ફક્ત સેલિબ્રિટીઝ જ જઈ શકે એવું નથી. હવે કોઈ પણ વ્યક્તિ અંતરીક્ષમાં જઈ શકે છે. જોકે આ માટે ખૂબ જ મોટો ખર્ચ થાય છે. આટલો મોટો ખર્ચ થતો હોવા છતાં હવે લોકો આ તરફ આકર્ષાયા છે. આ માટે ઘણી કંપનીઓ છે જે અંતરીક્ષમાં લઈ જાય છે.
બ્લૂ ઓરિજિન દ્વારા અંતરીક્ષમાં જવાની કિંમત શું છે?
જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિન દ્વારા તેમની વેબસાઇટ પર કિંમત જણાવવામાં નથી આવી, પરંતુ કંપની દ્વારા 150,000 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 1.28 કરોડ રૂપિયા રિફંડેબલ ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે. આ ફ્લાઇટ માટે 1.15 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ કંપની એ વિશે ચોક્કસ કિંમત નથી કહી રહી. 2021માં તેમની એક ફ્લાઇટને 241 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. કેટલાક પેસેન્જર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમણે 30 મિલિયન ડોલર એટલે કે 258 કરોડ રૂપિયા એક સીટ માટે ચૂકવ્યા છે. જોકે આ કિંમત હવે 2025માં 1.15 કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે.
અન્ય કંપનીઓની કિંમત?
બ્લૂ ઓરિજિનની જેમ અન્ય કંપનીઓ પણ અંતરીક્ષમાં ટ્રાવેલ માટે લઈ જાય છે. આ માટેની કંપની વર્જિન ગેલેક્ટિક 90 મિનિટના પ્રવાસ માટે એક સીટના 3.85 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સ્પેસ પર્સપેક્ટિવ દ્વારા બલૂન-બોર્ન પ્રેસરાઇઝ્ડ કેપ્સુલમાં છ કલાકની ટ્રીપ પર લઈ જવામાં આવે છે. આ માટે એક વ્યક્તિના 125,000 ડોલર એટલે કે અંદાજે 1.07 કરોડ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. એક્સિઓમ સ્પેસ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 10 દિવસની ટ્રીપનું આયોજન કરવામાં આવે છે. આ માટે તેઓ 55 મિલિયન ડોલર એટલે કે અંદાજે 4.71 અબજ રૂપિયા ચાર્જ કરે છે.
આ પણ વાંચો: વિન્ડોઝમાં મિસ્ટ્રી ફોલ્ડરની કહાની શું છે? જાણો કેમ ડિલીટ ન કરવું એ...
અંતરીક્ષ પ્રવાસનું ભવિષ્ય
એક્સપર્ટ્સનું માનવું છે કે ભવિષ્યમાં આ કિંમતમાં ખૂબ જ ઘટાડો જોવા મળશે, કારણ કે ઘણી કંપનીઓ અંતરીક્ષ પ્રવાસ કરશે અને ફ્લાઇટ વારંવાર ઉડાવવામાં આવશે. 2023માં અંતરીક્ષ પ્રવાસની વેલ્યુ 848.28 મિલિયન અમેરિકન ડોલર હતી, પરંતુ 2024માં એ 1.3 બિલિયનની થઈ ગઈ છે. 2025માં એમાં ખૂબ જ વધારો જોવા મળશે. 2030 સુધીમાં આ માર્કેટ 6.7 બિલિયનની આસપાસ પહોંચી જશે. એટલે કે એમાં 32 ટકાની વૃદ્ધિ થશે.