વીડિયોમાં આવી કરામત કઈ રીતે ને શા માટે થાય છે
- çkLkkðxe ðerzÞku ÃkkA¤ ykÃkýk YrÃkÞk ¾t¾uhðkLkwt yuf ÔÞðÂMÚkík »kzíktºk Ãký nkuE þfu Au
ઉપર જોયું તેમ, ફેક વીડિયોની રેન્જ બહુ મોટી
છે. તેમાં ન્યૂઝ એન્કર્સ, રાજકારણીઓ, બોલીવુડ સ્ટાર્સ, રિઝર્વ બેન્કના ગવર્નર, મોટા બિઝનેસમેન વગેરે સૌ કોઈ ડીપફેક
વીડિયોનો ભોગ બની ચૂક્યા છે. એટલું ઓછું હોય તેમ, ભલે અલગ રીતે, પણ ઼િડજિટલ એરેસ્ટના એક
કિસ્સામાં દેશના મુખ્ય ન્યાયાધીશને પણ ભરી અદાલતમાંથી સીધા આરોપી સાથે વીડિયો કોલ પર વાત કરતા
દર્શાવવામાં આવ્યા હતા! આપણે આ પ્રકારના વીડિયોમાં થોડા ઊંડા ઉતરીએ તો તરત સમજાય
કે જે તે ન્યૂઝ એન્કર કે રાજકીય નેતા કે ફિલ્મ સ્ટાર વગેરેના કોઈ ને કોઈ ઓરિજિનલ
વીડિયો ઉઠાવીને તેના પર એઆઇની મદદથી કળા કરીને આવા બનાવટી વીડિયો બનાવવામાં આવે
છે.
આવા વીડિયો કઈ રીતે શક્ય બને છે?
વીડિયોમાં વિઝ્યુઅલ્સ અને ઓડિયો બંનેના ટ્રેક અલગ અલગ જળવાતા હોય છે. આથી
વિઝ્યુઅલ્સ જેમના તેમ રાખીને તેના પર નવો ઓડિયો બેસાડી શકાય છે. આ વખતે એવી કાળજી રાખવામાં આવે છે કે વીડિયોમાં બોલી રહેલી
વ્યક્તિના હોઠના હલનચલન સાથે નવા શબ્દો એકદમ બંધબેસતા ફિટ થાય. પડોસન ફિલ્મનું મેરે સામનેવાલી ખીડકી મેં... ગીતમાં કિશોર કુમારની જગ્યાએ
મહેન્દ્ર ધોની, સુનીલ દત્તને સ્થાને વિરાટ
કોહલી અને સાયરા બાનુના રોલમાં અનુષ્કા શર્માને ચમકાવતો વીડિયો તમે પણ અચૂકપણે
વોટ્સએપ કે ફેસબુક પર જોયો હશે (ફરી જોવો હોય તો યુટ્યૂબમાં ધોની, કોહલી, પડોસન જેવું કંઈક સર્ચ કરી જુઓ).
ત્રણેક વર્ષ પહેલાં વાઇરલ થયેલા એ વીડિયોની વિગતવાર વાત કરતી વખતે, એ સમયે ટેક્નોવર્લ્ડમાં લખ્યું હતંુ કે આ વીડિયો આવનારો સમય કેવો હશે એનો બહુ સરસ ને સાથે ચિંતાજનક ચિતાર આપે છે.
મમતા દીદી અને અમિત શાહ બરાબર બાખડી રહ્યાં છે એવા સમયમાં, બંને એકબીજાનાં ભરપેટ વખાણ કરી રહ્યાં હોય એવા અલગ અલગ વીડિયો જોવા મળે તો?
હવે એ સમય આવી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની પસંદગી બાબતે વડા પ્રધાન
નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ એકબીજાને ભાંડી રહ્યા હોય એવા વીડિયો આપણને
જોવા મળી શકે, કેમ કે, હવે આ કામમાં એઆઇ ખાસ્સી મદદ કરે છે.
ન્યૂઝ એન્કર્સના વીડિયોની વાત કરીએ તો ટીવી પર એન્કર કે મુખ્ય વ્યક્તિ સાથે
ટેકસ્ટ સ્વરૂપે જુદા જુદા મુદ્દાઓ હાઇલાઇટ કરવામાં આવતા હોય છે. તેમને સહેલાઈથી
બદલી શકાય છે. અગાઉ આવી બનાવટ થોડી જુદી રીતે થતી. એ સમયે ન્યૂઝ ચેનલ્સ પર કોઈ
બ્રેકિંગ ન્યૂઝની જાહેરાત થાય, સ્ક્રીન પર કોઈ એન્કર ન હોય, માત્ર બોક્સમાં બ્રેકિંગ ન્યૂઝ ટેકસ્ટ સ્વરૂપે દર્શાવવામાં આવે ત્યારે તેનો
સ્ક્રીનશોટ લઇને મૂળ બ્રેકિંગ ન્યૂઝને બદલે બીજી કોઈ વાત નવા લેયરમાં મૂકી દેવામાં
આવતી હતી. આવી બનાવટ બહુ સહેલી છે.
પછી ટેકનોલોજી આગળ વધતાં બનાવટ કરતા લોકોની આવડત અને હિંમત બંને વધ્યાં.
પરિણામે માત્ર શબ્દોની અદલબદલ કરવાને બદલે જાણીતી વ્યક્તિઓના વીડિયો પર નવો વોઇસ
અને નવી ટેકસ્ટ સુપર ઇમ્પોઝ કરવાની કરામત કરવાની શરૂ કરી.
આવા ફેક વીડિયોનો ઇરાદો શો હોય છે?
દેખીતી રીતે આવા કોઈક વીડિયોનો ઇરાદો આપણો વિશ્વાસ જીતવાનો હોય છે. વીડિયોમાં
જાણીતી વ્યક્તિઓ પોતાનો અનુભવ કે સમાચાર કહેતા હોય તો આપણે તેમના પર સહેલાઈથી
વિશ્વાસ મૂકીએ. પરંતુ આવા ફેક વીડિયોનો ઇરાદો માત્ર જે તે પ્રોડક્ટ, સ્કીમનું વેચાણ વધારવા કે રાજકીય લાભ ખાટવા પૂરતો સીમિત હોતો નથી.
આવા ફેક વીડિયોને બહુ આયોજનબદ્ધ રીતે સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પર બનાવટી એકાઉન્ટ ખોલાવવા એ બહુ સહેલી વાત
છે. એ જ રીતે ખોટી વિગતો આપીને ગૂગલ કે અન્ય નેટવર્ક પર એકાઉન્ટ ખોલાવવાં પણ
સહેલાં છે. આવા એકાઉન્ટની મદદથી વિવિધ પ્લેટફોર્મ પર પેઇડ એડવર્ટાઇઝમેન્ટના
કેમ્પેઇન ચલાવવામાં આવે છે.
પેઇડ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇનનું પોતાનું આગવું અર્થતંત્ર છે. તેમાં વિવિધ વેબસાઇટ, બ્લોગ કે વીડિયો ચેનલ પર દેખાતી જાહેરાતો ક્લિક કરવામાં આવે તો એ એટવર્ટાઇઝિંગ
નેટવર્ક ઉપરાંત વેબસાઇટ, બ્લોગ કે વીડિયો ચેનલના
સંચાલકોને તેમાંથી ભાગ મળે છે.
ડાયાબિટિસ, બ્લડપ્રેશર, ઘૂંટણનો દુઃખાવો, કબજિયાત વગેરે સર્વસામાન્ય
વ્યાધિઓ છે. તેનાથી પીડાતા લોકો સ્વાભાવિક રીતે કોઈ ચમત્કારિક ઇલાજની શોધમાં રચ્યા
પચ્યા રહેતા હોય છે. કોઈ વ્યક્તિને પોતાને આમાંની કોઈ બીમારી ન હોય તો પણ તેના
પરિવાર, સગાસંબંધી કે મિત્ર વર્તુળમાં
કોઈને કોઈ વ્યક્તિને આ તકલીફ હોય જ. આથી તેમને નવો ઇલાજ સૂચવવા પણ બાકીના સૌ તત્પર
હોય છે.
આથી આવો કોઈ વીડિયો ધ્યાનમાં આવે, એ પણ જાણીતી વિશ્વાસપાત્ર
વ્યક્તિ તેના પર મહોર લગાવતી હોય એ રીતે,
તો આપણે તેને તરત
પોતપોતાના ફેમિલી કે અન્યોના ગ્રૂપમાં ફોરવર્ડ કરવા લાગીએ છીએ.
આથી શરૂઆતમાં નજીવા રૂપિયા ખર્ચીને શરૂ કરેલા પેઇડ કેમ્પેઇન જોતજોતામાં વાઇરલ
બનવા લાગે છે અને જુદા જુદા લોકોનું કમાણીનું ચક્કર ચાલવા લાગે છે.
ફેક વીડિયોથી બીજી કમાણી
આવા ફેક વીડિયો કે ઇમેજિસ પર ક્લિક થાય અને તેમાંથી અમુક લોકોને કમાણી થાય, ફક્ત એટલાથી વાત પૂરી થતી નથી. ઘણી વાર બનાવટી વીડિયો-જાહેરાતોની પાછળ પાછળ
તદ્દન બનાવટી, આખેઆખી ઇ-કોમર્સ વેબસાઇટ અને
એપ્સ પણ તૈયાર કરવામાં આવે છે. બનાવટી એડ પર ક્લિક કરીને લોકો આવી વેબસાઇટ પર
પહોંચે અને ત્યાંથી ખાસ્સાં મોંઘા ભાવની દવાઓ કે ચમત્કારિક તેલ ખરીદે. પ્રોડક્ટની
ડિલિવરી પહેલાં તેના માટે પેમેન્ટ કરી દે અને પછી ક્યારે દવા આવે અને પોતાનું દર્દ
મટે તેની રાહ જોતા રહે - કાયમ માટે. જો દવા આવે તો તે અસરકારક હોવાની કોઈ ખાતરી
નહીં.
ફેક વીડિયોની પાછળ બનાવટી શોપિંગ પ્લેટફોર્મ ઊભું કરવા ઉપરાંત આપણને ફસાવીને
બેંક ખાતા સંબંધિત વિગતો મેળવવાનો પ્રયાસ પણ થઈ શકે છે. આવી વિગતો મેળવ્યા પછી ઠગ
લોકો આપણા બેંક ખાતા ખાલી કરવાની મથામણ શરૂ કરે છે.
ઇન્ટરનેટ પર બહુ નજીવી રકમ ખર્ચીને બહુ વ્યાપક પાયે જાહેરાતો કરવાનું કામ ઘણું
સહેલું છે. નાના-મોટા બધા સાચા બિઝનેસ તેનો લાભ લઈ શકે છે. પરંતુ એ જ કારણે તદ્દન
બનાવટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોનું દૂષણ પણ અત્યંત વધી રહ્યું છે.
સમાચારો કે અન્ય પ્રકારના, લોકોને રસ પડે તેવા સાચા
કન્ટેન્ટની સાથોસાથ વિવિધ વેબસાઇટ, બ્લોગ અને અન્ય નેટવર્ક્સ પર
સાચી-ખોટી જાહેરાતોની જબરી ભરમાર રહે છે. બીમારી મટાડતી દવાઓ, ગંભીર રીતે બીમાર બાળકોની સારવાર માટે દાનની અપીલ કરતી એનજીઓ, સાવ સસ્તા ભાવે કાર કે સોફા કે અન્ય ફર્નિચર વેચવાની ઓફર કરતી જાહેરાતો કે પછી
આપણને ક્લિક કરીને આગળ જોવાનું મન થઈ આવે એવા ફોટોગ્રાફ સાથેના ન્યૂઝની જાહેરાતો, સાચી નોકરી ઓફર કરતી જાહેરાતો વગેરે લગભગ બધું તદ્દન બનાવટી હોય છે.
તમે જ્યારે પણ આવા કોઈ વીડિયો કે જાહેરાતો જુઓ, તેમાં ભરોસાપાત્ર લોકો દેખાય તો પણ, તેને ક્લિક કરવાનો કે ફોરવર્ડ
કરવાનો વિચાર આવે તો યુપીઆઇની જાહેરાતમાં પંકજ ત્રિપાઠી કહે છે તેમ એક જ વાતનો
વિચાર કરી લેજો - હું મૂરખ નથી.