CES 2025માં હોન્ડાએ લોન્ચ કરી નવી ઇલેક્ટ્રિક કાર્સ: ફ્યુચરિસ્ટિક ડિઝાઇન સાથે નવી ટેક્નોલોજીનો સમનવય
CES 2025 Honda EV Cars: હોન્ડા દ્વારા હાલમાં જ CES 2025માં બે ઇલેક્ટ્રિક કાર્સને રજૂ કરવામાં આવી છે. લાસ વેગાસમાં ચાલી રહેલા કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં હોન્ડાએ બે ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કર્યા છે, જેને હોન્ડા 0 સિરીઝ નામ આપવામાં આવ્યું છે. સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ બનાવવા માટે હોન્ડા ખૂબ જ કામ કરી રહ્યું છે અને આ બે કાર્સ એ દિશામાં એક પગલું છે. આ ઇવેન્ટ 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ચાલશે, જ્યારે 5 અને 6 જાન્યુઆરી ફક્ત મીડિયા માટેનું શો હતું. સામાન્ય દર્શકો માટે શો શરૂ થાય એના પહેલા જ દિવસે હોન્ડાએ બે કાર્સ લોન્ચ કરી છે.
ડિઝાઇન અને ટેક્નોલોજી
હોન્ડાએ તેની ગ્રાઉન્ડબ્રેકિંગ 0 સિરીઝ ઇલેક્ટ્રિક વ્હીકલના બે મોડલ્સ લોન્ચ કર્યા છે. એક છે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) અને બીજું છે સલૂન કાર. આ બન્ને કાર્સને સ્પેશ્યલ EV પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેમની અન્ય કાર્સ કરતાં આ બન્ને એકદમ અલગ છે. આમાં ફ્યુચરિસ્ટિક ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એરોડાઇનામિક્સ પર વધુ ફોકસ કરવામાં આવ્યો છે. કારનું ઇન્ટિરિયર પણ સંપૂર્ણપણે ડિજિટલ છે. ફ્યુચરિસ્ટિક ડિઝાઇન માટે કારના ડેશબોર્ડમાં મોટાભાગના કન્ટ્રોલ્સ આપી દેવામાં આવ્યા છે.
પર્ફોર્મન્સ અને પાવર
હોન્ડા દ્વારા આ બન્ને કાર્સની સંપૂર્ણ વિગતો હજી સુધી જાહેર કરવામાં નથી આવી. આથી આ કાર્સમાં કેટલો પાવર અને પર્ફોર્મન્સ હશે એ ચોક્કસ નથી કહી શકાતું. તેમ છતાં, આ કાર્સને હોન્ડા બે વર્ઝનમાં લોન્ચ કરશે. સિંગલ-મોટર વ્હીકલમાં 241 bhp અને ડ્યુલ-મોટર વ્હીકલમાં 482 bhp પાવર હોવાની સંભાવના છે. આ બન્ને મોડલ્સમાં ફોર વ્હીલ ડ્રાઇવ આપવામાં આવી શકે છે. આ બન્ને કાર્સમાં 90 kWhની બેટરી હોવાની શક્યતા છે, જે એક વાર ચાર્જ કરતાં 490 કિલોમીટરની રેન્જ પૂરી પાડી શકે છે.
એડ્વાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ
આ કાર્સમાં લેવલ 3નું ઓટોમેટેડ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) આપવામાં આવ્યું છે. આ સિસ્ટમના કારણે કેટલીક પરિસ્થિતિમાં ડ્રાઇવર સ્ટીયરિંગ પરથી હાથ ખસેડે તો પણ કાર ઓટોમેટિક રીતે તેના રસ્તે ચાલશે. આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિકમાં થતા અકસ્માતોને ટાળવાનો છે અને ડ્રાઇવિંગમાં સેફ્ટીનો ઉમેરો કરવાનો છે. આ કાર્સમાં હોન્ડાની નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ 'ASIMO'નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ ADAS અને ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ જેવી ઘણી ફીચર્સને કન્ટ્રોલ કરશે. આ ઓપરેટિંગ સિસ્ટમને ઓવર-દ-એર અપડેટ કરી શકાશે.
ભવિષ્યની કાર્સ
હોન્ડા દ્વારા બે કાર્સ લોન્ચ કરવામાં આવી છે, પરંતુ તેઓ આ દાયકાનો અંત આવે ત્યાં સુધીમાં 30 નવી ઇલેક્ટ્રિક કાર્સને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કંપની હવે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર ખૂબ જ ફોકસ કરી રહી છે. કંપનીએ CES 2025માં કાર્સને લોન્ચ કરીને તેમનું ઇનોવેશન દર્શાવ્યું છે અને હવે જલ્દી જ આ જાપાનીસ કાર મેકર્સ એ કાર્સને માર્કેટમાં લોન્ચ કરશે.
પ્રોડક્શન
હોન્ડા 0 સિરીઝનું પ્રોડક્શન આ વર્ષના અંત સુધીમાં અથવા તો 2026ની શરૂઆતમાં ઓહાયોમાં શરૂ કરવામાં આવશે. 2026ના પ્રથમ છ મહિનામાં આ કાર્સનો વેચાણ નોર્થ અમેરિકામાં શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ આ કાર્સ યુરોપ અને અન્ય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.