Xના પ્લેટફોર્મ પર હવે હેશટેગની જરૂર જ નથી, જાણો શું છે તે પાછળનું કારણ
Hashtag Not Useful: સોશિયલ મીડિયા પર હેશટેગનો ઉપયોગ કરવું ખૂબ જ દિમાગનું કામ હતું. હેશટેગને કારણે પોસ્ટ અથવા તો વ્યક્તિએ જે પણ કંઈ શેર કર્યું હોય એ વધુ લોકો સુધી પહોંચાડી શકાતું હતું. પરંતુ હવે એ હેશટેગ એટલા કામના નથી રહ્યાં. આ હેશટેગને કારણે કોણ સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યું છે એની પણ જાણ થતી હતી, પરંતુ હવે હેશટેગ પહેલાં જેવાં નથી રહ્યાં. એનો ઉપયોગ કરવામાં આવે કે નહીં એનાથી કોઈ અસર નથી પડતી. આ વાત સોશિયલ મીડિયા Xના માલિક ઇલોન મસ્ક દ્વારા પોતે કહેવામાં આવી છે.
નવીનીકરણ
ઇલોન મસ્કે બે વર્ષ પહેલાં જ્યારે ટ્વિટર ખરીદ્યું ત્યારે એનું નામ બદલીને X રાખવામાં આવ્યું હતું. Xમાં ઓડિયો-વિડિયો કોલની સુવિધા પણ આપવામાં આવી છે. આ સાથે જ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ ગ્રોકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ આ પ્લેટફોર્મ પર હવે જોબ લિસ્ટિંગ પણ જોવા મળે છે. નવારાશે સોશ્યલ મીડિયા પહેલાં જેવું નથી રહ્યું. એમાં ઘણાં બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવમાં હવે હેશટેગનો પણ સમાવેશ થાય છે.
હેશટેગની જરૂર નથી
ઇલોન મસ્ક દ્વારા Xમાં હવે બદલાવ કરવામાં આવી રહ્યા છે અને એમાં હેશટેગને કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇલોન મસ્કે પોતાના પોસ્ટમાં જણાવ્યું છે કે સિસ્ટમને હવે હેશટેગની જરૂર નથી. એક યુઝરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ ગ્રોકને સવાલ કર્યો હતો કે 'શું મારે X પર હેશટેગનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં?' આ સવાલનો જવાબ ખૂબ જ વિગતવાર ગ્રોકે આપ્યો હતો.
હેશટેગનો ઉપયોગ ટાળો
ઇલોન મસ્કે આ પોસ્ટને ફરીથી શેર કરીને કમેન્ટ કરી હતી કે 'મહેરબાની કરીને હેશટેગનો ઉપયોગ ટાળો. સિસ્ટમને હવે તેની જરૂર નથી. તેમ જ એ જોવામાં પણ ખરાબ લાગે છે.'
ટ્રેકિંગ માટે નવી ટેક્નોલોજી
હેશટેગનો ઉપયોગ કોઈ પણ ટોપિકને ટ્રેક કરવા માટે કરવામાં આવતો હતો. એનાથી જે-તે ટોપિક અને ટ્રેન્ડ વિશે ખબર પડતી હતી. પરંતુ હવે ઇલોન મસ્કની કંપની દ્વારા ટોપિકને ટ્રેક કરવા માટે નવી ટેક્નોલોજી શોધી કાઢવામાં આવી છે અને એ માટે જ કંપનીના માલિકે યુઝર્સને હેશટેગનો ઉપયોગ ન કરવો એના માટે સલાહ આપી છે.