ગુગલ મેપ્સમાં તમારો ટાઈમલાઈન ડેટા ડિલીટ થઈ ગયો ?
ગયા અઠવાડિયે, ગૂગલ મેપ્સના ઘણા યૂઝર્સને
કંપની તરફથી એક મેઇલ આવ્યો, માફ કરશો, અમે ભૂલથી તમારી લોકેશન ટાઇમલાઇનનો ડેટા ડિલીટ કરી નાખ્યો છે! એ મેઇલમાં કંપનીએ આ ડેટા પાછો કેવી રીતે મેળવવો તેનાં પગલાં પણ આપ્યાં હતાં.
તકલીફ એ હતી કે જે યૂઝર્સે સમયસર ચેતીને પોતાની ટાઇમલાઇ ડેટાનો ક્લાઉડમાં બેકઅપ
લેવાની કાળજી લીધી હતી, ફક્ત એ જ યૂઝર્સને પોતાનો ડેટા
પાછો મળી શકશે, બાકીનાને નહીં!
તમને યાદ હોય તો આ વર્ષની શરૂઆતમાં ટેક્નોવર્લ્ડમાં આપણે આ વિશે વિગતવાર વાત કરી હતી. ગૂગલ મેપ્સમાં આપણા ટાઇમલાઇન ડેટા બાબતે
એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. એ મુજબ, આપણી પ્રાઇવસી જાળવવા માટે, આ ડેટા હવે આપણા ગૂગલ એકાઉન્ટમાં સ્ટોર થવાને બદલે ફક્ત જે તે સ્માર્ટફોનમાં
સ્ટોર થશે. પરંતુ આપણે ઇચ્છીએ તો તેનો ક્લાઉડમાં બેકઅપ લઈ શકીએ છીએ . આ ડેટા બીજું
કોઈ જોઈ શકે નહીં.
એ માટે ટાઇમલાઇન સેકશનમાં જ હોઇએ ત્યારે ઉપરની તરફ વાદળ પર આડી લીટીનો આઇકન
જોવા મળશે. તેને ક્લિક કરીને આપણે પોતાના ટાઇમલાઇન ડેટાનો ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ
લઈ શકીએ છીએ. આ બધો ડેટા એન્ક્રિપ્ટેડ રહે છે. આ ડેટા ફોનને વાઇ-ફાઇ મળે અને તેનો
અન્ય ઉપયોગ ન થતો હોય ત્યારે ક્લાઉડમાં બેકઅપ થાય છે.
આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે બેકઅપને બંધ કરી શકીએ છીએ કે ડિલીટ કરી શકીએ છીએ.
ઇચ્છીએ ત્યારે આ બધો ડેટા અન્ય કોઈ ડિવાઇસમાં પણ લઈ જઈ શકીએ છીએ. જો આપણે ટાઇમલાઇન
ડેટાનો ક્લાઉડમાં ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ રાખવાનું પસંદ કરીએ તો આપણે પોતાના ગૂગલ
એકાઉન્ટનો પાસવર્ડ આપીને આપણે પોતે જ આ ફેરફાર કરી રહ્યા હોવાનું જણાવવું પડશે.
અલબત્ત, ટાઇમલાઇન ડેટાનો બેકઅપ રાખવો
કે નહીં તે દરેક વ્યક્તિની પોતાની પસંદ-નાપસંદની બાબત છે. તમે ઇચ્છો તો ટાઇમલાઇન
સ્ક્રીનમાં, ઉપર જમણી તરફ ત્રણ ડોટ પર
ક્લિક કરી લોકેશન એન્ડ પ્રાઇવસી
સેટિંગ્સમાં જઈને ટાઇમલાઇન નિયમિત
ગાળે ઓટોમેટિક ડિલીટ થાય એવું સેટિંગ કરી શકો.