Get The App

યુઝરની ક્લિક કર્યા વગર થઈ શકે છે વોટ્સએપ એકાઉન્ટ હેક, જાણો શું છે ઝીરો-ક્લિક હેકિંગ…

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
યુઝરની ક્લિક કર્યા વગર થઈ શકે છે વોટ્સએપ એકાઉન્ટ હેક, જાણો શું છે ઝીરો-ક્લિક હેકિંગ… 1 - image


Zero-Click Hack: વોટ્સએપ દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે કે દુનિયાભરમાંથી બાર દેશના લગભગ 90 યુઝર્સને હેકર્સ દ્વારા ઝીરો-ક્લિક હેક દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. વોટ્સએપનો ઉપયોગ આજે દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે, આથી હેકર્સ દ્વારા એને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ દુનિયામાં આજે ઘણી સ્કેમ થઈ રહ્યા છે અને એક પછી એક નવા રસ્તા શોધવામાં આવી રહ્યા છે. ઝીરો-ક્લિક હેક એ જ એક નવો સ્કેમ છે. વોટ્સએપ દ્વારા આ વિશે લોકોને જણાવવામાં આવ્યું છે. ઇઝરાયલની કંપની પેરાગોન સોલ્યુશન દ્વારા બનાવવામાં આવેલા ઍડ્વાન્સ સ્પાઇવેરનો ઉપયોગ કરીને વોટ્સએપ એકાઉન્ટને હેક કરવામાં આવ્યા હતા. આ માટે જર્નાલિસ્ટથી લઈને સમાજ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે.

શું છે ઝીરો-ક્લિક હેક?

આ નામ મુજબ જ એવું કામ પણ છે. ઝીરો-ક્લિક હેકિંગ એ એવો સાઇબર અટેક છે જેમાં હેકર કોઈ પણ રીતે યુઝર સાથે સંપર્ક કર્યા વગર વોટ્સએપ એકાઉન્ટને હેક કરે છે. મોટાભાગના ફિશિંગ એટેકમાં યુઝર દ્વારા ક્લિક કરવામાં આવે છે અથવા તો કોઈ રીતે તેની સાથે સંપર્ક કરી ડિવાઇસને એક્સેસ કરે છે. જોકે અહીં યુઝર્સ સાથે કોઈ સંપર્ક જ કરવામાં નથી આવતો. ઝીરો-ક્લિકમાં હેકર્સ ડિવાઇસના સોફ્ટવેરની નબળાઈનો ઉપયોગ કરે છે. એમાં મેસેજિંગ ઍપ્સ, ઈમેલ ક્લાયન્ટ્સ અને મલ્ટિમીડિયા ફંક્શન જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. આ માટે હેકર્સ એક મેલિશિયસ ડૉક્યુમેન્ટને યુઝરની ડિવાઇસમાં મોકલે છે. આ ડૉક્યુમેન્ટને યુઝર ઓપન કરે કે ન કરે, એ કામ કરવાનું શરુ કરી દે છે.

વોટ્સએપના કેસમાં મેસેજ એપને ટાર્ગેટ કરવું

હેકર્સ દ્વારા વોટ્સએપ યુઝર્સના એકાઉન્ટને હેક કરવામાં આવ્યું છે. આ ખૂબ જ ખતરનાક સાઇબર અટેક છે. આ માટે ડિવાઇસને મેસેજ એપ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી. આ હેકમાં યુઝર્સે એક પણ ક્લિક કરવાની જરૂર નથી. યુઝર્સના ઇનપુટની જરૂર ન હોવાથી એને ઝીરો-ક્લિક હેક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના હેકિંગને રિમોટ હેકિંગ પણ કહેવામાં આવે છે. મેસેજિંગ એપમાં નબળાઈ હોવાને કારણે તેને ટાર્ગેટ કરીને હેક કરવામાં આવે છે.

યુઝરની ક્લિક કર્યા વગર થઈ શકે છે વોટ્સએપ એકાઉન્ટ હેક, જાણો શું છે ઝીરો-ક્લિક હેકિંગ… 2 - image

કેવી રીતે કામ કરે છે ઝીરો-ક્લિક અટેક?

હેકર્સ દ્વારા યુઝરને આ ફાઇલ જ્યારે સેન્ડ કરવામાં આવે છે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો ઍપ્લિકેશન એને કોઈ પણ પ્રકારની પરવાનગી વગર એક્સેસ કરે છે. આ ફાઇલને પ્રોસેસ કરવાથી હેકર્સને યુઝર્સના પર્સનલ ડેટા, મેસેજિસ, કોલ, ફોટા અને માઇક્રોફોન અને કેમેરાની પરવાનગી મળી જાય છે. આથી હેકર્સ તેને જોઈતી તમામ માહિતી યુઝર્સ પાસેથી તેની જાણ બહાર મેળવી લે છે.

આ પણ વાંચો: કોવિડ-19એ બદલી નાખ્યું ચંદ્રનું તાપમાન? જાણો આખરે શું થયું હતું...

આ અટેકથી કેવી રીતે બચશો?

વોટ્સએપ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ તેમનાથી બનતો તમામ પ્રયત્ન કરી રહ્યા છે. તેમ જ વોટ્સએપ દ્વારા પેરાગોન સોલ્યુશન કંપનીને આ માટે લેટર પણ મોકલવામાં આવ્યો છે. જોકે યુઝરે પણ ચેતીને રહેવું જરૂરી છે. ઝીરો-ક્લિક હેકિંગને અટકાવવું મુશ્કેલ છે, તેથી યુઝરે સતત ઍપ્લિકેશનને અપડેટ કરતાં રહેવું જોઈએ. નવી અપડેટને કારણે નવા ફીચર્સની સાથે ઍપ્લિકેશનમાં જે નબળાઈ હોય તેને પણ દૂર કરવામાં આવે છે. આ સાથે જ મોબાઇલની ઓપરેટિંગ સિસ્ટમને પણ ઓટો અપડેટમાં રાખવી, જેથી નવી અપડેટ આવે કે તે ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જાય. અચાનક બેટરી ઉતરી જાય, મોબાઇલ વિચિત્ર વર્તન કરે અથવા અજાણ્યા વ્યક્તિ પાસેથી વિચિત્ર મેસેજ આવે, તો એનાથી બચીને રહેવું. જો ડિવાઇસમાં અચાનક કોઈ વિચિત્ર વર્તન લાગે તો સાયબરસેલમાં ફરિયાદ પણ કરી શકાય છે.


Google NewsGoogle News