અમેરિકામાં ગુજરાતી જજના ચુકાદાની ચર્ચા, સર્ચ એન્જિન તરીકે ગૂગલની મોનોપોલીને ઠેરવી ગેરકાયદે

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં ગુજરાતી જજના ચુકાદાની ચર્ચા, સર્ચ એન્જિન તરીકે ગૂગલની મોનોપોલીને ઠેરવી ગેરકાયદે 1 - image


Gujarati Amit Mehta: અમેરિકાની કોર્ટ દ્વારા હાલમાં જ એક ખૂબ જ મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદો મૂળ પાટણના અને ગુજરાતી જજ અમિત પ્રિયવદન મહેતાએ ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક વિરુદ્ધ આપ્યો છે. અમિત મહેતા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગૂગલ ગેરકાયદે પોતાની મોનોપોલી રાખવા માટે અબજો રૂપિયા ખર્ચે છે અને આ કાર્ય કાયદા વિરુદ્ધનું છે.

ગુજરાતના પાટણમાં જન્મ થયો હતો અમિત પ્રિયવદન મહેતાનો

અમિત પ્રિયવદન મહેતાનો જન્મ ગુજરાતના પાટણમાં 1971માં થયો હતો. અમિત પ્રિયવદન મહેતા એક વર્ષના હતા ત્યારે તેમના મમ્મી-પપ્પા સાથે અમેરિકા સ્થાઈ થયા હતા. તેમની મમ્મી લેબોરેટરીમાં ટૅક્નિશ્યન હતી અને તેના પિતા એન્જિનિયર હતા. અમિત મહેતાનો ઉછેર બાલ્ટીમોરના મેરીલૅન્ડમાં થયો હતો. તેમણે 1989 ફ્રેન્કલિન હાઇસ્કૂલમાં સ્ટડી પૂરી કરી હતી અને 1993માં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં બેચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. તેમણે 1993-94 દરમ્યાન લૉ-ફર્મમાં પેરાલિગલ તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ તેમણે યુનિવર્સિટી ઑફ વર્જિનિયા સ્કૂલ ઓફ લૉમાં અભ્યાસ કર્યો હતો. 1997માં તેઓ ગ્રેજ્યુએટ થયા હતા અને એ યુનિવર્સિટી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

અમેરિકામાં ગુજરાતી જજના ચુકાદાની ચર્ચા, સર્ચ એન્જિન તરીકે ગૂગલની મોનોપોલીને ઠેરવી ગેરકાયદે 2 - image

કરીઅરની શરૂઆત

1997-98 સુધી તેમણે એક લૉ-ફર્મમાં અસોસિયેટ તરીકે કામ કર્યું હતું. 1998-99માં તેમણે જજ સુઝેન પી. ગ્રેબરના કલર્ક તરીકે કામ કર્યું હતું. 1999-2002 સુધી તેમણે ઝકરમેન સ્પેડર લૉ-ફર્મમાં અસોસિયેટ તરીકે કામ કર્યુ હતું. 2002થી 2007 સુધી ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયાના પબ્લિક ડિફેન્ડર તરીકે સેવા ભજવી હતી. 2007થી 2014 સુધી તેમણે ફરી ઝકરમેન સ્પેડર લૉ-ફર્મમાં કામ કર્યુ હતું. જોકે 2010થી 2014 સુધી તેઓ આ ફર્મમાં પાર્ટનર તરીકે કામ કરતા હતા.

સર્ચ એન્જિનમાં ગૂગલની મોનોપોલી ગેરકાયદે, નંબર 1 રહેવા કરોડોનો ખર્ચ બંધ કરોઃ અમેરિકન કોર્ટ

એસોસિયેટમાંથી બન્યા જજ

2014ની 31 જુલાઈના રોજ એ સમયના પ્રેસિડેન્ટ બરાક ઓબામા દ્વારા અમિત મહેતાને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઑફ કોલંબિયાના જજ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જજ એલન સેગલ હુવેલને સિનિયર પોઝિશન મળી હોવાથી અમિત મહેતાને તેમની જગ્યાએ નોમિનેટ કરવામાં આવ્યા હતા. 2014ની 16 ડિસેમ્બરે સેનેટ દ્વારા તેમને જજ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને 19 ડિસેમ્બરે ફેડરલ જ્યુડિશ્યલ કમિશન તરીકેનું સ્વીકારપત્ર મળ્યું હતું અને તેમણે જજ તરીકેની શરુઆત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની અરજી ફગાવી

2020ના ઇલેક્શનમાં હારી ગયા બાદ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સપોર્ટર દ્વારા વોશિંગટન ડીસીમાં આવેલી યુનાઇટેડ સ્ટેટ કેપિટલ બિલ્ડિંગ પર અટેક કરવામાં આવ્યો હતો. આ હુમલો કરવા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને ઉશ્કેર્યા હોવાનો આરોપ હતો. આથી આ કેસ કોર્ટમાં ગયો હતો. અમિત મહેતા પાસે આ કેસ આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આ કેસમાંથી તેમને છૂટકારો આપવા માટે વિનંતી કરી હતી અને કહ્યું હતું કે એમાં તેમનો કોઈ હાથ નહોતો. જો કે અમિત મહેતાએ તમામ માહિતી જોયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે તેમણે જે કાર્ય કરવું જોઈએ એ નહોતું કર્યું. લોકોને ઉશ્કેરવું એ રાષ્ટ્રપતિની ફરજ નથી. આથી ડોનાલ્ડ ટ્રમ્પની સિવિલ કેસને ફગાવી દેવાની અરજીને અમિત મહેતાએ રિજેક્ટ કરી હતી.

આ ચુકાદાથી થઈ શકે છે ટેક કંપનીઓની કાયાપલટ

ગૂગલ સામેના ચુકાદામાં અમિત મહેતાએ કહ્યું હતું કે બિઝનેસમાં રહેવા તેઓ ગેરકાયદે અબજો રૂપિયા ખર્ચે છે જે કાયદાનો ભંગ છે. ગૂગલ તેના સર્ચ એન્જિનને ડિફોલ્ટ રાખવા માટે સ્માર્ટફોન કંપનીઓને પૈસા ચૂકવે છે. માર્કેટમાં મોનોપોલી રાખવા માટે આ કાયદા વિરુદ્ધ હોવાનું અમિત મહેતાએ કહ્યું છે. આથી આ ચુકાદાને કારણે કંપનીઓ જે રીતે સર્ચ એન્જિનની મદદથી એડવર્ટાઇઝિંગ કરે છે એમાં બદલાવ જોવા મળી શકે છે. તેમ જ ગૂગલ સામેના આ ચુકાદાથી પ્રેરણા લઈને હવે એપલ અને એમેઝોન જેવી કંપનીઓ પણ શિકાર બની શકે છે. જો અપર-કોર્ટ દ્વારા આ ચુકાદાને માન્ય રાખવામાં આવ્યો તો માર્ક ઝકરબર્ગની મેટા કંપનીને પણ એડવર્ટાઇઝમેન્ટ માટે તકલીફ પડી શકે છે.


Google NewsGoogle News