ગૂગલે ક્રોમ વેચવું પડશે? મૂળ ગુજરાતના પાટણના અમેરિકન જજ અમિત મહેતા લેશે મહત્ત્વનો નિર્ણય
Google Chrome: ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક માટે ક્રોમ વેબ બ્રાઉઝર ખૂબ જ મહત્ત્વનું છે. જોકે આ વેબ બ્રાઉઝરને વેચી દેવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ગૂગલ દ્વારા ક્રોમને વેચવું કે નહીં એનો નિર્ણય મૂળ ગુજરાતના પાટણના અમેરિકન જજ અમિત મહેતા નક્કી કરશે. એન્ટીટ્રસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જજને વિનંતી કરી છે કે તેઓ ગૂગલને જબરદસ્તીથી ક્રોમ વેચવા માટે કહી દે. જો એવું થયું તો દુનિયાની સૌથી મોટી કંપની માટે આ ઐતિહાસિક ચુકાદો સાબિત થઈ શકે છે.
20 વર્ષ બાદ સૌથી મોટો કેસ
એન્ટીટ્રસ્ટ ડિપાર્ટમેન્ટ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ બંને મળીને ગૂગલ સામે કેસ કરી રહ્યા છે. તેઓ ફેડરલ જજ અમિત મહેતાને વિનંતી કરશે કે તેઓ ગૂગલને જબરદસ્તી કરે કે તેમણે ક્રોમને વેચી દેવું પડશે. આ કેસમાં કહેવામાં આવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એન્ડ્રોઇડની ઓપરેટિંગ સિસ્ટમ પર પણ નિયંત્રણ લગાવવામાં આવે. આ કેસ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં ફાઇલ કરવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અને ગૂગલ વચ્ચે મતભેદ ચાલતા આવ્યા છે. ગૂગલની સાથે મેટા કંપની પર પણ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારની નજર છે. ઓનલાઇન સર્ચ માર્કેટ માટે લાયસન્સ આપવા માટે પણ નિર્ણયમાં બદલાવ કરવામાં આવી શકે છે. 20 વર્ષ બાદ કોઈ મોટી કંપની પર આ રીતે કેસ કરવામાં આવ્યો છે અને એનો ચુકાદો ભવિષ્ય બદલી શકે છે. છેલ્લે અમેરિકાની સરકાર દ્વારા માઇક્રોસોફ્ટ કૉર્પોરેશનને તોડવાની કોશિશ કરવામાં આવી હતી, જેમાં તેમને નિષ્ફળતા મળી હતી. જોકે આ કેસમાં શું થાય એ જોવું રહ્યું.
એડ્સ બિઝનેસ માટે ક્રોમ મહત્ત્વનું
ગૂગલના બિઝનેસ માટે ક્રોમ ખૂબ જ મહત્ત્વનું છે. યુઝર્સ દ્વારા સાઇન-ઇન કરવામાં આવ્યું હોય તો એના દ્વારા કંપની તમામ એક્ટિવિટીને મોનિટર કરી શકે છે. આ ડેટાનો ઉપયોગ ટાર્ગેટ પ્રમોશન માટે કરવામાં આવે છે, જેનાથી મોટી રેવેન્યુ જનરેટ કરવામાં આવે છે. ગૂગલ તેનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમિનીને ક્રોમમાં ઉપયોગ કરી રહ્યું છે. જેમિની તમામ સવાલોના જવાબ ગૂગલ વેબ પરથી લઈને આપે છે. આથી જેમિની માટે પણ ક્રોમ અને ગૂગલ ખૂબ જ મહત્ત્વના છે.
શેરના ભાવ ગબડ્યા
ગૂગલને ક્રોમ વેચી દેવા માટે જબરદસ્તી કરવામાં આવી શકે છે એ સમાચાર વહેતા થયા ત્યારથી ગૂગલના શેરના ભાવ તૂટવા માંડ્યા છે. આ ભાવમાં 1.8 ટકાનો ઘટાડો થયો છે અને એનો ભાવ હાલમાં 172.16 અમેરિકન ડૉલર છે. આ વર્ષે ગૂગલના શેરના ભાવ ગયા વર્ષની સરખામણીએ 25 ટકા વધ્યા છે.
ક્રોમનું એક્સેસ
દુનિયાભરમાં સૌથી વધુ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે અને એન્ટીટ્રસ્ટ ડિપાર્ટમેન્ટને આશા છે કે જજ ગૂગલને એ વેચવા માટે ફોર્સ કરશે. લોકો સર્ચ એન્જિનનો ઉપયોગ કરવા માટે ક્રોમનો ઉપયોગ કરે છે. આથી ક્રોમ જ ગૂગલ પાસે હશે તો તેઓ સર્ચ એન્જિન પર શું શોધવામાં આવે છે એનો ડેટા સેવ કરી શકે છે. અમેરિકાના માર્કેટમાં ક્રોમનો કન્ટ્રોલ 61 ટકા છે. આથી ઓનલાઇન માર્કેટમાં સ્પર્ધા રાખવા માટે ક્રોમને ગૂગલથી દૂર કરવું જરૂરી છે. આ માટે સરકારી વકીલ દ્વારા ઘણી કંપનીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી. તેમણે આ માટે ઘણાં મંતવ્યો આપ્યા છે. જોકે એ વિશે હજી સુધી કોઈ વાત જાહેર કરવામાં નથી આવી, પરંતુ એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે ગૂગલને એન્ડ્રોઇડ પણ વેચવા માટે જબરદસ્તી કરવામાં આવે.
આ પણ વાંચો: સ્કેમર્સનો સમય બગાડવા માટે નવી યુક્તિ: આવી ગઈ AI દાદી
ગૂગલની અપીલ
અમિત મહેતા દ્વારા ઑગસ્ટમાં ગૂગલ વિરુદ્ધ એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. એમાં ગૂગલે ગેરકાયદેસર કામ કર્યું હોવાનું સાબિત થયું હતું. ઓનલાઇન સર્ચ અને સર્ચ ટેક્સ્ટ માર્કેટમાં તેમણે ખોટું કર્યું હોવાનું સાબિત થયું હતું. આ કેસ દસ અઠવાડિયા ચાલ્યો હતો. આ કેસના ચુકાદા માટે ગૂગલ અપીલ કરવાનું છે. જોકે અમિત મહેતાએ જે ચુકાદો આપ્યો છે એમાં એપ્રિલમાં બે અઠવાડિયા માટે ગૂગલ દ્વારા તેમનામાં શું બદલાવ કરવા જોઈએ એ વિશે કેસ ચાલશે. ત્યાર બાદ ઑગસ્ટ 2025માં આખરી નિર્ણય લેવામાં આવશે. એન્ટીટ્રસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જેમિની પણ ગૂગલના ડેટા ઉપયોગ કરી શકે એ માટે એક લાયસન્સની પ્રક્રિયા હોવી જોઈએ. ગૂગલે ડેટા શેર કરવા માટેનું લાયસન્સ ન લીધું હોય તો એ ડેટાને જેમિની ઉપયોગ ન કરી શકે. આ વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
એન્ડ્રોઇડ પર પણ નજર
ગૂગલમાંથી ક્રોમની સાથે એન્ડ્રોઇડને પણ અલગ કરવામાં આવે એવો પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે એવી ચર્ચા છે. આ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે એન્ડ્રોઇડ ફોનમાં સર્ચ અને ગૂગલ પ્લે સ્ટોરના ડેટાને સાથે વેચવામાં આવે છે. આ ડેટાને કંપનીઓ તેમની એડ કઈ જગ્યાએ ટાર્ગેટ કરવી એ માટે અન્ય કંપનીઓને ડેટા વેચે છે. ઉદાહરણ તરીકે, ગૂગલ પ્લે સ્ટોર પર લુડોની કોઈ એક ગેમ વધુ ડાઉનલોડ થઈ હોય તો એ ગેમ પર કંપની એડવર્ટાઇઝિંગ કરી શકે છે. આથી આ પ્રકારના ડેટા પણ ગૂગલ અન્ય કંપનીને ન વેચી શકે એ માટે એન્ડ્રોઇડને પણ અલગ કરવાની ડિમાન્ડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભારતમાં મેટા કંપનીને મોટો ફટકો, 213 કરોડનો દંડ અને પાંચ વર્ષ માટે બેન
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સર્વિસ
ગૂગલ દ્વારા હવે જેમિની દ્વારા આપવામાં આવતાં જવાબને એકદમ ઉપર રાખવામાં આવી રહ્યા છે. જેમિની દ્વારા ડેટાનો ઉપયોગ ન કરવામાં આવે એ એક વાર ગૂગલ સ્વીકારી લેશે, પરંતુ ગૂગલને ખબર છે કે જો તેમણે અન્ય વસ્તુઓને સ્વીકારી તો એની સીધી અસર એડ પર પડશે. ગૂગલનું બિઝનેસ મોડલ એ રીતે બનાવવામાં આવ્યું છે કે એડ આપવામાં આવી હોય તો એ સૌથી પહેલાં દેખાય છે. આથી ગૂગલ તેના રેવેન્યુ પર અસર ન પડવા દે એ સૌથી મહત્ત્વનું છે.